રશિયામાં એક ટોળાંએ એરપોર્ટ પર હુમલો કર્યો : ''અલ્લા-હૂ-અકબર''ના નારા લગાવ્યા
- ગાઝામાં ઈઝરાયેલી કાર્યવાહીના વિરોધમાં
- દાગેસ્તાનનાં 'માખચકલા' એરપોર્ટ પર સેંકડો લોકોએ લેન્ડીંગ ક્ષેત્ર પર ધસી જઈ નારા લગાવ્યા
મોસ્કો, નવી દિલ્હી : ગાઝામાં ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ તીવ્ર બની રહ્યું છે તેવામાં દક્ષિણ-રશિયાના દાગેસ્તાન પ્રદેશમાં માખચકાલા શહેરમાં એરપોર્ટ ઉપર વિશાળ સંખ્યામાં પેલેસ્ટાઇની સમર્થકો લેન્ડીંગ ક્ષેત્ર પર ધસી ગયા હતા અને એરપોર્ટ બંધ કરાવી દીધું હતું. આ દેખાવકારોએ એક તરફ ઈઝરાયલ-યહૂદીઓ વિરૂદ્ધ નારા શરૂ કર્યા તો બીજી તરફ પેલેસ્ટાઇનીઓ તરફે નારા લગાવતા-લગાવતા 'અલ્લા-હૂ-અકબર'ના નારા પણ લગાવ્યા પછી એરપોર્ટનાં લેન્ડીંગ ક્ષેત્રમાં ધસી ગયા પરિણામે વિમાન સેવાઓ બંધ કરવી પડી હતી.
જોકે આટલી ધમાલ-ધાંધલ થઈ હોવા છતાં યાત્રીઓને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું. જોકે તેઓની મુસાફરી બંધ રહી હતી.
રશિયન મીડીયા રીપોર્ટ જણાવે છે કે આ સર્વે ગાઝામાં ઈઝરાયલી કાર્યવાહીની નિંદા કરવા એકઠા થયા હતા. તેઓ બળપૂર્વક એર ટર્મિનલમાં ઘૂસી ગયા અને રશિયાની એક એર એરલાઇન્સ 'રેડ-વીંગ્ઝ'ના વિમાન તરફ પણ ધસી ગયા હતા. તેઓ પેલેસ્ટાઇની ઝંડા લહેરાવતા હતા. તેટલું જ નહીં પરંતુ એર-ટર્મિનલ ઉપર કબ્જો જ જમાવી દીધો હતો.
ત્યાં તેલ અવીવથી એક વિમાન આવતાં તેને આવવા દીધું પછી તમામ યાત્રીઓના પાસપોર્ટની તપાસ કરી.
આ પરિસ્થિતિમાં ઈઝરાયલ સરકારે મોસ્કોને ઈઝરાયલીઓની સલામતી જાળવવા અનુરોધ કર્યો હતો. નેતન્યાહૂનાં કાર્યાલયે ગઈકાલે (રવિવારે) બનેલી આ ઘટના પછી રશિયામાં યહૂદીઓની સુરક્ષા કરવા વિનંતિ કરી હતી. રશિયાએ પણ તેનો સકારાત્મક ઉત્તર આપ્યો હતો. સાથે કહ્યું હતું કે આવા પ્રશ્નોએ ધૈર્ય અને શાંતિ રાખવી અનિવાર્ય છે.