ઇરાકમાં 9 વર્ષની બાળકી સાથે પુરુષ નિકાહ કરી શકશે, કાયદાની તૈયારી
અફઘાનિસ્તાન, ઇરાન બાદ હવે ઇરાકમાં પણ મહિલાઓની જિંદગી નર્ક જેવી
મહિલાઓને તલાક, બાળકોની કસ્ટડી, સંપત્તિમાં અધિકારોથી વંચિત રાખતા કાયદાઓ અમલમાં લવાશે
ઇરાકમાં ધાર્મિક સંસ્થાને કોર્ટની જેમ કામ કરવાની છૂટ અપાઇ છે, કાયદામાં જે સુધારો કરવામાં આવી રહ્યો છે તેમાં કોર્ટો અંગે પણ ઉલ્લેખ છે. કોઇ નાગરિક ઇચ્છે તો નાગરિક ન્યાયપાલિકામાં જવાના બદલે ધાર્મિક અધિકારી પાસે પણ જઇ શકે છે. આ છૂટ પારિવારિક વિવાદોના મામલાઓને લઇને આપવામાં આવી છે. શિયા બહુમત ધરાવતા ઇરાકમાં શરિયા કાયદાનો કડક રીતે અમલ કરવાની તૈયારીના ભાગરુપે મહિલાઓ પર અંકશુ વધી શકે છે. આ જ પ્રકારના અંકુશો અફઘાનિસ્તાનમાં તાલિબાન લગાવી રહ્યું છે. ઇરાકની સરકારના અમાનવીય નિર્ણયોના વિરોધમાં મહિલાઓ અવાજ ઉઠાવી રહી છે જોકે તેમ છતા ઇરાકની સરકાર પર કાયદામાં સુધારાના બિલને મંજૂર કરવા માટે કટ્ટરવાદીઓ દબાણ કરી રહ્યા છે. યૂનિસેફના એક રિપોર્ટ અનુસાર ઇરાકમાં બાળ લગ્નોનું પ્રમાણ હાલ જ વધુ છે, દેશની આશરે ૨૮ ટકા યુવતીઓના લગ્ન ૧૮ વર્ષ પહેલા જ કરી દેવામાં આવ્યા હતા. એવામાં ઇરાક સરકાર હવે માત્ર નવ વર્ષની વયની બાળકી સાથે પણ પુરુષોને નિકાહની છૂટ આપવા જઇ રહી છે જેને કારણે બાળ લગ્નોનું પ્રમાણ વધી શકે છે. બાળ લગ્નને કારણે બાળકી બાળપણમાં જ માતા બનવા મજબૂર થાય છે, તેની અંદર શારીરિક ખોટખાપણ રહી જાય છે, નાની વયે જ પતિના ઘરના કામનો બોજ થોપી દેવાય છે.