ગાઝામાં મુસ્લિમોના મોતથી પરેશાન વ્યક્તિનો એફિલ ટાવર પાસે પર્યટકો પર હુમલો, એકનુ મોત અને બે ઘાયલ
Image Source: Twitter
પેરિસ, તા. 3. ડિસેમ્બર. 2023 રવિવાર
ફ્રાંસના પ્રસિધ્ધ ટુરિસ્ટ પ્લેસ એફિલ ટાવર પાસે શનિવારે એક વ્યક્તિએ પર્યટકો પર કરેલા હુમલામાં એક વ્યક્તિનુ મોત થયુ છે અને બીજી બે વ્યક્તિ ઘાયલ થઈ છે.
ફ્રાંસના ગૃહ મંત્રી જિરાલ્ડ ડારમેનિને શનિવારે કહ્યુ હતુ કે, પોલીસે 26 વર્ષના એક વ્યક્તિની આ હુમલો કરવા બદલ ધરપકડ કરી છે.આ જ વ્યક્તિને અન્ય એક હુમલાની યોજના ઘડવા માટે 2016માં ચાર વર્ષની જેલની સજા સંભળાવી હતી.તેના પર ફ્રાંસની સુરક્ષા એજન્સીઓ પહેલેથી નજર રાખી હતી.તે માનસિક રીતે પણ બીમાર હોવાનુ જાણવા મળ્યુ છે.
મળતી વિગતો પ્રમાણે આ વ્યક્તિએ એફિલ ટાવરથી થોડે નજીક એક પર્યટક દંપતિ પર ચાકુ વડે હુમલો કર્યો હતો.પોલીસે તરત તેનો પીછો કર્યો હતો.પણ જ્યાં સુધી પોલીસ તેની ધરપકડ કરે તે પહેલા તેણે બીજા બે લોકો પર હથોડા વડે હુમલો કરીને તેમને ઘાયલ કરી દીધા હતા.
ફ્રાંસના ગૃહ મંત્રીના કહેવા પ્રમાણે આ વ્યક્તિ ધાર્મિક નારા લગાવી રહ્યો હતો અને તેણે પોલીસને કહ્યુ હતુ કે, પેલેસ્ટાઈનમાં મુસ્લિમોના મોત થઈ રહ્યા હોવાથી અને ગાઝાની તબાહીથી રોષે ભરાયો હતો અને પરેશાન હતો.