ઇલેકટ્રોનિક વેસ્ટમાંથી ઓછા ખર્ચે મેળવી શકાશે અઢળક સોનું , 1 ડોલરના ખર્ચમાં 50 ડોલરનો ફાયદો
20જુના મધરબોર્ડમાંથી 22 કેરેટ સોનાની 450 મિલિગ્રામ લગડી મળી
પનીર બનાવવાની પ્રક્રિયા માટેની આડ પ્રોડકટ પ્રોટિન સ્પંજનો ઉપયોગ
નવી દિલ્હી,૮ માર્ચ,૨૦૨૪,શુક્રવાર
સોનાના ભાવ સતત વધતા જાય છે ત્યારે વૈજ્ઞાનિકોએ ઇલેકટ્રોનિક કચરામાંથી સોનુ પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિકોએ પ્રભાવશાળી રીત વિકસાવી છે. આ ટેકનિકથી સોનું ઘણું સસ્તું પણ પડશે એવો દાવો કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે એક ડોલરના ખર્ચ કરીને ૫૦ ડોલરના મૂલ્યનું સોનું મેળવી શકાય છે. સંશોધકોએ ઇ કચરામાંથી કિંમતી ધાતુઓ બહાર કાઢવા માટે પનીર બનાવવાની પ્રક્રિયા માટેની આડ પ્રોડકટ પ્રોટિન સ્પંજનો ઉપયોગ કર્યો છે. સ્ટડી દરમિયાન વૈજ્ઞાનિકોએ કોમ્પ્યૂટરના ૨૦ જુના મધરબોર્ડમાંથી ૨૨ કેરેટ સોનાની ૪૫૦ મિલિગ્રામ લગડી મેળવી હતી.
સામાન્ય રીતે સોનું મેળવવામાં સૌથી મોટી સમસ્યા એ રહેતી હોય છે કે તેનો ઉત્પાદન ખર્ચ મોંઘો પડતો હોય છે. કોંગો,સુડાન અને ઇથોપિયા જેવા આફ્રિકાના દેશોમાં સોનાની ખાણો હોવા છતાં ગરીબી દૂર થતી નથી. પાકિસ્તાન પાસે બ્લોચિસ્તાન પ્રાંતમાં દેવું ચુકતે થઇ જાય તેટલા જથ્થામાં સોનું છે પરંતુ ઘાટ કરતા ઘડામણ મોંઘા જેવું થાય છે. સદીઓથી માનવ જાતને સોનાનું આકર્ષણ રહયું છે. સોના જેવી કિમતી ચીજો માટે વેરઝેર અને લડાઇઓ પણ થઇ છે.
ઇલેકટ્રોનિક વસ્તુઓની આંતરિક રચનામાં સોના જેવી ધાતુનો ઉપયોગ થાય છે. સોનું વિધુતનું સુવાહક છે બીજું કે તેને કાટ લાગતો ના હોવાથી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ માટે સોનાનો કોઇ વિકલ્પ નથી. ઇલેકટ્રોનિક વસ્તુઓ જયારે ઇ વેસ્ટ બની જાય છે ત્યારે તેને ફેંકી દેવામાં આવે છે. ઇ વેસ્ટનું કરોડો રુપિયાનું બજાર છે. આથી ઇલેકટ્રોનિક વસ્તુઓને નકામી ગણીને રિ સાયકલિંગ કરતા પહેલા ભલેને અલ્પ પ્રમાણમાં જ રહયું હોય પરંતુ તે સોનુ કાઢીને ફરી ઉપયોગ કરી શકાય છે એવી તાજેતરના સ્ટડીએ આશા જગાડી છે.
'ધ ઇન્ડિપેન્ડટ' માં પ્રકાશિત અહેવાલ અનુસાર સોનુ કાઢવા માટે વૈજ્ઞાાનિકોએ એક પ્રોટીનનું દ્વાવણ તૈયાર કરીને ઉચ્ચ તાપમાન પર અમ્લીય પરિસ્થિતિમાં મટ્ટા પ્રોટિનને વિકૃત કર્યુ હતું. આને સ્પંજ બનાવવા માટે સુકવી નાખ્યું હતું. પછીથી શોધકર્તાઓએ ૨૦ મધરબોર્ડમાંથી ધાતુઓનો ભાગ કાઢી નાખ્યો હતો.
એસિડ નાખીને ત્યાર પછી સોનાના કણોને આકર્ષિત કરવા એક પ્રોટિન સ્પંજ રાખ્યું હતું. અન્ય ધાતુ આયનોની સરખામણીમાં સોનાના આયન વધુ સારી રીતે સ્પંજને ચિપકી જાય છે. ત્યાર પછી વૈજ્ઞાાનિકોએ સ્પંજને ગરમ કરીને સોનાના આયનોને ટુકડામાં બદલી નાખ્યા હતા. ત્યાર પછી ઓગાળીને સોનાની લગડી બનાવી શકયા હતા.