પાકિસ્તાનમાં ફ્રાંસ કરતાં પણ દૂધ વધુ મોંઘું, સરકારે પેકેજ્ડ મિલ્ક પર 18 ટકા ટેક્ષ નાખતાં દૂધના ભાવ વધ્યા
- એક લીટર દૂધની કિંમત 370 પાકિસ્તાની રૂપિયા
- પાકિસ્તાનમાં નેધરલેન્ડઝ, ઓસ્ટ્રેલિયા અને ફ્રાંસ કરતાં દૂધ મોંઘું, ટેક્ષ 18% નાખવામાં આવ્યો, પરંતુ ભાવ 20 ટકા વધી ગયા
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં મોંઘવારી ફાટફાટ વધી રહી છે. ફુગાવાનો દર ૩૨% જેટલો ઉંચો ગયો છે. છેલ્લે દૂધના ભાવમાં પણ ૨૦ ટકાનો વધારો થયો છે. તેનું કારણ તે છે કે પાકિસ્તાન સરકારે પેકેજડ મિલ્ક ઉપર ૧૮ ટકા ટેક્ષ નાખતાં ભાવ ૨૦ ટકા વધી ગયા છે. પરિણામે દુનિયાના સમૃધ્ધ દેશો જેવા કે ફ્રાંસ, નેધરલેન્ડઝ, ઓસ્ટ્રેલિયા સહિત અન્ય વિકસિત દેશો કરતાં પણ દૂધના ભાવ વધી ગયા છે.
ભારે આર્થિક સંકટ વેઠી રહેલાં પાકિસ્તાનમાં ગત સપ્તાહે રાષ્ટ્રીય બજેટમાં ટેક્ષેશનમાં ફેરફાર કરવામાં આવ્યો. આવક વધારવાના ભાગ રૂપે ત્યાં હવે પેકેજડ દૂધ પર ૧૮ ટકા ટેક્ષ નખાતાં તે દૂધના ભાવ ૨૦ ટકા વધી ગયા છે.
નેધરલેન્ડઝનાં પાટનગર આર્મ્સટરડામમાં એક લીટર દૂધની કિંમત ૧.૨૯ ડોલર છે. પેરીસમાં ૧.૨૩ ડોલર અને ઓસ્ટ્રેલિયાના પાટનગર મેલબોર્નમાં ૧ લીટર દૂધની કિંમત ૧.૦૮ ડોલર છે. જ્યારે કરાચીમાં એક લીટર દૂધ માટે ૧.૩૩ ડોલર (૩૭૦ પાકિસ્તાની રૂપિયા) ચૂકવવા પડે છે.
આ નવો ટેક્ષ લગાડાય પહેલાં પાકિસ્તાનમાં દૂધની કિંમત વિયેતનામ અને નાઇજીરીયા જેવા વિકાસશીલ દેશો બરાબર હતી. પરંતુ નવા ટેક્સને લીધે કિંમતમાં ૨૫ ટકા વધારો થઇ ગયો છે.
ગત સપ્તાહે પાકિસ્તાનમાં રજૂ કરાયેલાં બજેટમાં કુલ ટેક્સેશનમાં ૪૦ ટકા વધારો કરાયો છે તેનું કારણ તે છે કે તેને IMF પાસેથી લોન મેળવવા માટે IMFની શરતો પૂરી કરવી પડે તેમ છે. તો જ તેને બેલ આઉટ પેકેજ મળી શકે તેમ છે.
એક ભારતીયને આ ઉપરથી શૂન્ય પાલનપૂરીની ગઝલ : 'દૂધને માટે રોતાં બાળક રો તારાં તકદીરને રો' યાદ આવે છે. પાકિસ્તાનનાં દૂધ માટે વલખાં મારતાં બાળકો યાદ આવે છે.