મેક્સિકોનાં જંગલોમાં એક વિશાળ નગર મળી આવ્યું મય (ઈન્કા) સંસ્કૃતિનું આ નગર 1000 વર્ષ જેટલું પ્રાચીન છે
- આ નગરમાં 50 ફીટ ઊંચો પિરામીડ પણ મળી આવ્યો છે અહીં દડા પણ મળ્યા : હજી કેટલાંએ રહસ્યો ખુલવાના છે
મેક્સિકો સીટી : વિશ્વનાં ચક્રવાતી રાજકારણથી પણ અલિપ્ત રહીને પુરાતત્વવિદો સતત સંશોધનોમાં વ્યસ્ત રહે છે. તેઓ કેટલીએ રહસ્યમય શોધો કરી રહ્યાં છે, તેમાં અચાનક જ કશીપુરા - પ્રાચીન સંસ્કૃતિઓની માહિતી પણ મળી જાય છે. જેમ કે ભારતના મોહન-જો-ડેરો (મુએ-જો-ડેરો)ની સંસ્કૃતિ, ઈજનેર સર જહોન માર્શલ સરકર શહેરથી કરાચી સુધીની રેલ વે લાઇન પથરાવતા હતા, ત્યારે એક લાંબો ટેકરો વચમાં આવતો હતો, તે ખોદતાં નીચેથી પુરા પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિના તાજ્જુબ થઈ જઈએ તેવા અવશેષો મળ્યા. બીજું બધું તો મકાનોમાં તો હોય જ પરંતુ અહીં 'લેમ્પ-પોસ્ટસ્' અને માટીના રમકડાંના ઘોડા પણ મળી આવ્યા હતા. ત્યારે પાસે જ ઉત્ખનન કરતા સર બેનર્જી નામના પુરાતત્વવિદને આ બધું દેખાડતાં તે સંસ્કૃતિ ઈ.સ.પૂ. ૩૦૦૦ની સંસ્કૃતિ હોવાનું જણાવ્યું હતું.
મેક્સિકો ભારત જેવો જ મોન્સૂન-રીજીયન છે. પરંતુ તે હજી સુધી વિકસ્યો નથી. ત્યાં ગલ્ફ ઓફ મેક્સિકોના પ્રવાહોથી કેટલાક વિસ્તારમાં ગાઢ જંગલો છે. તેવા જંગલોમાં સંશોધન કરતાં પુરાતત્વવિદોને એક અદ્ભૂત નગર મળી આવ્યું છે. આ નગર સૂર્યપૂજક તેવી મય સંસ્કૃતિની શાખા ઈન્કા સંસ્કૃતિનું હોવાનું અનુમાન છે. અહીં ટીંબા નીચે જમીનમાં દટાયેલો ૫૦' ઊંચો પીરામીડ પણ મળી આવ્યો છે.
આ નગરમાં કેટલીએ પીરામીડ જેવી રચનાઓ, ભવ્ય ઈમારતો, ૩ પ્લાઝા અને કેટલાએ પથ્થરના સ્તંભ તથા વેલણ જેવી સંરચનાઓ મળી આવી છે. આ પિરામીડો પૈકી એક તો ૮૨ ફીટ ઉંચો હતો. જેની ઉપરથી આસપાસનું જંગલ દેખાતું હતું. અહીં કેટલીએ ઊંચી વેદીઓ અને એક પ્રાચીન રમત મેદાન પણ મળી આવ્યું છે. આ મેદાન કોઈ ધાર્મિક સમારોહ માટે હશે તેમ મનાય છે. આ સંસ્કૃતિ ઈ.સ. ૨૫૦ થી ૧૦૦૦ વચ્ચેની હોવા સંભવ છે. પુરાતત્વવિદ ઇવાન સ્પ્રેજે કહ્યું હતું કે આ નગર સમય સાથે ખેલાઈ ગયું હતું, કોઈને તે વિષે માહિતી પણ ન હતી.
મય સંસ્કૃતિના લોકોએ જ સૌથી પહેલી બોલ રમત શરૂ કરી હોવાનું મનાય છે. આ માટે નગરમાં એક મોટો કોર્ટ હતો. આ સંસ્કૃતિનાં મકાનોમાંથી પ્રાપ્ત માટીનાં વાસણો અને માટીની ચીજવસ્તુઓનાં વિશ્લેષણ ઉપરથી કહી શકાય કે આ નગરનું પતન ઈ.સ. ૮૦૦ થી ૧૦૦૦ વચ્ચે થયું હશે તે પછી સૈકાઓ સુધી તે અજ્ઞાાત રહ્યું, હમણાં જ તેનું સંશોધન થયું છે.