યુરોપમાં 'લકડી કી કાઠી' ની યાદ અપાવતી હોબી હોર્સિગ રમતનો ક્રેઝ
બાળકીઓ હાથમાં લઇને લાકડાનો ઘોડો લઇને ઉછળ કૂદ કરવા લાગે છે
હોબી હોર્સિગ બાળકો વચ્ચે વાતચીત કરવાનો ટોપિક પણ બને છે.
હેલસિંકી,25 જાન્યુઆરી,2024,ગુરુવાર
આજના સમયમાં બાળકોનું બહાર રમવાનું અને હરવા-ફરવાનું ઘટી ગયું છે. સ્માર્ટફોનની ડિજીટલ દુનિયામાં ડૂબેલા પરિવારજનો ફરિયાદ કરતા રહે છે કે બાળકો બહાર રમવા જતા નથી. જો કે બાળકો બહાર કયાં જઇને રમશે અને શું રમશે એનો કોઇ જ વિચાર કરવામાં આવતો નથી. એક જમાનામાં ટાયર જેવી નકામી ચીજવસ્તુઓ હાથમાં લઇને નાના બાળકો રમત શોધી કાઢતા.
તૂટી ગયેલા ચપ્પલના રબરમાંથી ગાડી બની જતી અને માટીથી રમતા બાળકો પોતાની કલ્પનાના રમકડા તૈયાર કરતા હતા. હંગેરી, નોર્વે, ડેન્માર્ક દેશ સહિતના યુરોપના બાળકોમાં છેલ્લા કેટલાક વર્ષોથી હોબી હોર્સિગ નામની આઉટ ડોર રમતનો ક્રેઝ વધતો જાય છે. આ હોબી હોર્સિગ 'લકડી કી કાઠી, કાઠી પે ઘોડા ' ની યાદ અપાવે છે. આ રમત વિશેષ તો ૭ થી માંડીને ૧૨ વર્ષની બાળકીઓ વધારે રમે છે.
બાળકીઓ હાથમાં કપડું વિટેલા ઘોડા લઇને ઉછળ કૂદ કરવા લાગે છે, લાકડાના સ્ટ્રકચરમાંથી તૈયાર થતા ઘોડાને શણગારવામાં આવે છે. બાળકોની રચનાત્મક શકિત ખીલે છે, જીમાનાસ્ટિક પ્રત્યે રુચિ પણ વધે છે. પ્રાણીઓ માટે આદર અને પ્રેમભાવ જાગે છે.
આનાથી રચનાત્મક શકિત ખીલે છે. બાળકોની જીમનાસ્ટિક પ્રત્યે રુચિ વધે છે. પ્રાણી માટે આદર અને પ્રેમભાવ જાગે છે. બહાર રમતા હોય ત્યારે નવા મિત્રો સાથે ઓળખાણ થાય છે. હોબી હોર્સિગ બાળકો વચ્ચે સહજ વાતચીત કરવાનો ટોપિક બને છે.
ફિનલેન્ડમાં ૧૮ વર્ષથી મોટી યુવતીઓમાં હોબી હોર્સિગની વાર્ષિક ટુર્નામેન્ટ પણ યોજાય છે જેમાં લાકડાનો ઘોડો હાથમાં લઇને હાઇ જંપ કરે છે. આમ પણ હોબી હોર્સિગની શરુઆત ફિનલેંડથી થઇ હતી, ધીમે ધીમે સમગ્ર યુરોપ તથા નોર્ડિક દેશોમાં પણ પ્રચલિત બની છે. એવું માનવામાં આવે છે કે ઓસ્કાર માટે નામાંકિત સેલ્મા વિલ્હનેન દ્વારા નિર્દેશિત દસ્તાવેજી ચિત્ર હોબી હોર્સ રિવોલ્યૂશન પછી આનો શોખ વધ્યો છે.
હોબી હોર્સિગની કેટલાક મજાક પણ કરે છે પરંતુ સમર્થકો અસલી ઘોડેસવારીના બાળ સ્વરુપ જેવી ગણે છે. ઘોડેસવારીનો શોખ ધરાવતા માતા પિતાના બાળકો સરળતાથી આ રમત તરફ વાળી શકે છે. બાળકોને અસલ ઘોડેસવારી માટે પ્રેરિત કરે છે. હોબી હોર્સિગ કરનારા ૭૦ ટકા બાળકો મોટા થઇને ઘોડેસવારી કરે છે. વર્ષ ૨૦૨૨માં બ્રિટિશ ઘોડેસવારી પત્રિકા હોર્સ એન્ડ હાઉન્ડમાં પ્રકાશિત એક લેખમાં જણાવાયું હતું કે યુકેમાં હોબી હોર્સિગ કયારેક નવીનતા માટે અને ચેરિટી માટે થાય છે. હોબી હોર્સ સ્પર્ધા સ્કૂલમાં મનોરંજન સ્વરુપે વધારે ઉપયોગી છે.