બ્રિટનમાં 30 વર્ષ અગાઉ મહિલાની હત્યા કરનારા ગુજરાતીને આજીવન કેદ
- હત્યાનો કોયડો ત્રણ દાયકા પછી ઉકેલાયો
- વીંટી પરના વાળથી ડીએનએ પ્રોફાઈલ ઉપલબ્ધ થતા સંદીપ પટેલ તરફ શંકા ઉદ્ભવી હતી
લંડન: ભારતીય મૂળના સંદીપ પટેલને એક મહિલાની હત્યા બદલ શુક્રવારે ઓલ્ડ બેલી કોર્ટમાં આજીવન કેદની સજા સંભળાવાઈ છે. ૫૧ વર્ષીય સંદીપ પટેલે ૩૦ વર્ષ અગાઉ આ હત્યાને અંજામ આપ્યો હતો. જોકે, ઘટના સ્થળે માત્ર એક વાળ મળી આવતાં આ હત્યાનો કોયડો ઉકલ્યો હતો.
સંદીપ પટેલે ડિસેમ્બર ૧૯૯૪માં વેસ્ટમિન્સ્ટરમાં મરિના કોપ્પેલની તેના ઘરમાં જ ચપ્પાના ૧૪૦ ઘા મારી હત્યા કરી હતી
વર્ષ ૧૯૯૪માં લંડનના વેસ્ટમિન્સ્ટર વિસ્તારમાં એક ફ્લેટમાં સંદીપ પટેલે ૩૯ વર્ષીય મરિના કોપેલની ચાકુના ૧૪૦ ઘા મારીને હત્યા કરી હતી. કોર્ટે આ હત્યા બદલ સંદીપ પટેલને દોષિત ઠેરવ્યો છે. હત્યા સમયે સંદીપ પટેલ ૨૧ વર્ષનો વિદ્યાર્થી હતો. વર્ષ ૨૦૨૨માં કોપ્પેલની વીંટીમાં વાળનું ગુંચડું મળી આવ્યું હતું, જેણે હત્યાનું આ કોકડું ઊકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
મેટ્રોપોલીટન પોલીસે કહ્યું હતું કે, કોપ્પેલે પહેરેલી વીંટીમાં મળી આવેલા વાળ પર તેમની ફોરેન્સિક ટીમે અભૂતપૂર્વ કામ કર્યું હતું અને અંતે સંદીપ પટેલને ન્યાયના કઠેડામાં ઊભો કરી દીધો હતો. કોલ્ડ કેસ હોમિસાઈડ તપાસ માટે મેટ પોલિસના ફોરેન્સિક લીડ અને ઓપરેશનલ ફોરેન્સિક મેનેજર ડેન ચેસ્ટરે કહ્યું કે, ફોરેન્સિક વૈજ્ઞાાનિકો, ફિંગર પ્રીન્ટ નિષ્ણાતો, ફોરેન્સિક મેનેજર અને તપાસ ટીમ બધાએ મરિનાની હત્યાનો કેસ ઉકેલવામાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું.
રિપોર્ટ મુજબ ન્યાયાધીશ કૈવનધે કહ્યું કે, તમે કોપ્પેલને જે પીડા પહોંચાડી છે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. તમે તેના જીવનના અનેક વર્ષ ઓછા કરી નાંખ્યા છે. મારું કોઈપણ વાક્ય કોપ્પેલના પરિવારને તેના નુકસાનની ભરપાઈ કરી શકે તેમ નથી. જ્યુરીએ પટેલને દોષિત ઠેરવતા પહેલાં ત્રણ કલાક કરતાં વધુનો સમય ચર્ચા-વિચારણા કરી હતી.
મેટ્રોપોલિટન પોલીસ મુજબ ૧૯૯૪ની ૮ ડિસેમ્બરે વેસ્ટમિંસ્ટરના એક ફ્લેટમાં હત્યાના સમયે મરિનાની વય ૩૯ વર્ષ હતી. તે સપ્તાહ દરમિયાન તેના ફ્લેટમાં કામ કરતી હતી અને વીકએન્ડના સમયમાં નોર્ધમ્પ્ટનમાં તેના પતિ સાથે સમય પસાર કરતી હતી. કોપ્પેલનો પતિ તેના વેસ્ટમિંસ્ટર ફ્લેટ પર પહોંચ્યો ત્યારે તેણે તેનો મૃતદેહ લોહીથી ખરડાયેલી હાલતમાં જોયો હતો. ગૂનાના સ્થળના વિશ્લેષણ પછી પોલીસને વીંટી અને એક પ્લાસ્ટિક શોપિંગ બેગ મળી, જેના પર પટેલની આંગળીના નિશાન હતા. જોકે, પટેલ આ બેગ જે દુકાનમાંથી આવી હતી ત્યાં કામ કરતો હતો તેથી તેની આંગળીના નિશાનને મહત્વપૂર્ણ પુરાવો માનવામાં આવ્યો નહોતો અને અનેક વર્ષો સુધી આ કેસ વણ ઉકલ્યો રહ્યો હતો.
અંતે વર્ષ ૨૦૨૨માં સંવેદનશીલ ટેક્નોલોજીએ અંગુઠી પરના વાળથી ડીએનએ પ્રોફાઈલ ઉપલબ્ધ થઈ ત્યારે સંદીપ પટેલ તરફ શંકાની સોય વળી હતી. વણઉકલી ઐતિહાસિક હત્યાઓ પોલીસ સામે સૌથી જટીલ અને પડકારરૂપ કેસ હોઈ શકે છે. જોકે, આજનો ચૂકાદો એક ઉદાહરણ છે, જેમાં ફોરેન્સિક વિજ્ઞાાન, નવી ટેક્નોલોજી અને સહયોગી વર્ક પ્રેક્ટિસ એક ક્રૂર હત્યારાને સજા અપાવવામાં સકારાત્મક અસર કરી શકે છે. પોલીસે મરિના કોપ્પેલની હત્યાની શંકા હેઠળ ગયા વર્ષે જાન્યુઆરીમાં સંદીપ પટેલની ધરપકડ કરી હતી.