આર્જન્ટિનાની રાજધાની બ્યૂનન આર્યસમાં ૧૦૦૦ સ્પાઇડરમેનનો મેળાવડો
સ્પાઇડમેનના પોષાક અને ચહેરા સાથે મેચ થતી લાલ ટાઇ અને સૂટ પહેરીને નજરે પડયા હતા
કેટલાકના હાથમાં આર્જન્ટિનાનો ઝંડો હતો તો કેટલાકે ફૂટબોલ પ્રેમીઓએ ટીમની જર્સી પહેરી હતી.
બ્યૂનન આર્યસ, 13 નવેમ્બર,2023, સોમવાર
સ્પાઇડરમેનનું નામ પડતા જ બાળકો ઉત્સાહિત થઇ જાય છે. વર્ષો પહેલા હોલીવુડની સ્પાઇડરમેન ફિલ્મે ટંકશાળ પાડી હતી. સ્પાઇડરમેનનો લાલ મુખોટો અને વાદળી પોષાક યુનિક ઓળખ ધરાવે છે. દક્ષિણ અમેરિકી દેશ આર્જન્ટિનાની રાજધાની બ્યૂનન આર્યસ ખાતે તાજેતરમાં ૧૦૦૦ જેટલા સ્પાઇડરમેન એકઠા થયા હતા. ઓબિલિસ્ક સ્મારક સ્થળ પર થયેલા અનોખા આયોજનનો હેતું વિશ્વ વિક્રમ સર્જવાનો હતો.
આર્જન્ટિનાના સોશિયલ મીડિયા ઇન્ફલૂએન્સર ઇકી ડાયને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. અગાઉ જુન મહિનામાં સ્પાઇડરમેનના પોષાકમાં ૬૮૫ લોકો એકઠા થયા હતા જે રેકોર્ડ તૂટી ગયો હતો. આમ તો રેકોર્ડ તોડવા માટે ૭૦૦ની જરુર હતી પરંતુ હાજર સ્પાઇડરમેન પાસેથી હસ્તાક્ષર લેવામાં આવ્યા ત્યારે ૧૦૦૦ થયા હતા. તમામ સ્પાઇડર મેન એકબીજા સામે જોઇને સાંકેતિક ભાષામાં વાત કરતા હતા. આ સાર્વજનિક કાર્યક્રમમાં વિખ્યાત માર્વલ સુપર હીરોના પહેરવેશમાં સૌ અનોખા લાગતા હતા.
આયોજક ઇકી ડાયનનું માનવું હતું કે આટલા બધા સ્પાઇડરમેન જોવા તે એક અવિશ્વસનીય અનુભવ છે. સ્પાઇડરમેનનો પોષાક સામાન્ય માણસે પણ અપનાવી લીધો તેની ખૂબ ખૂશી છે. કેટલાક તો સ્પાઇડમેનના પોષાક અને ચહેરા સાથે મેચ થતી લાલ ટાઇ અને સૂટ પહેરીને નજરે પડયા હતા. કેટલાકના હાથમાં આર્જન્ટિનાનો ઝંડો હતો તો કેટલાકે ફૂટબોલ પ્રેમીઓએ ટીમની જર્સી પહેરીને ઉપસ્થિતિ નોંધાવી હતી.
૨૫ વર્ષના ફૂટબોલ કોચ જુઆન મેનચોને પ્રતિક્રિયા આપી હતી કે સ્પાઇડરમેન પોષાક પહેરવાથી સશકત હોવાનો અનુભવ થતો હતો.વિવિધ પ્રકારના સ્પાઇડરમેન મુખોટાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સ્ટેન લી અને સ્ટીવ ડીટકોએ તૈયાર કરેલા કેરેકટરમાં સુપરહીરો હોવાનું ફિલ કરવા માટે તડકાની વચ્ચે અદાથી ઉભા રહયા હતા.
આટલી મોટી સંખ્યામાં એકત્ર થયેલા સ્પાઇડરમેનને જોવા માટે લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. સ્પાઇડરમેનના સમૂહ સાથે ઉભા રહીને તસ્વીરો પણ ખેંચી હતી. કેટલાક સ્પાઇડરમેન ફિલ્મના સ્પાઇડરમેનની જેમ કરતબ પણ કરતા હતા. કેટલાક હાથ હલાવીને લોકોનું ધ્યાન ખેંચતા હતા. માતા પિતા પોતાના બાળકોને પણ લઇને સ્પાઇડરમેન્સના મેળાવડાને માણવા ખાસ આવ્યા હતા.