દેવાના બોજ હેઠળ કચડાઈ રહેલુ પાકિસ્તાન, દરેક નાગરિક પર સરેરાશ 2.71 લાખનુ દેવુ
ઈસ્લામાબાદ, તા. 13 ફેબ્રુઆરી 2024
આર્થિક રીતે ખુવાર થઈ રહેલુ પાકિસ્તાન દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યુ છે. પાકિસ્તાનનુ કુલ દેવુ હવે 81.2 ટ્રિલિયન રુપિયા પર પહોંચ્યુ છે. ગત વર્ષે પાકિસ્તાનના દેવામાં 27 ટકાનો વધારો થયો છે.
દેવાની રકમ પાકિસ્તાનમાં નવી સરકાર માટે નવી સમસ્યા લઈને આવશે. પાકિસ્તાનમાં જોકે હજી સરકાર કોની બનશે તે નક્કી થયુ નથી પણ સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાને તે પહેલા દેશ પરના દેવાનો ખુલાસો કર્યો છે. બેન્કના કહેવા પ્રમાણે દેશનુ કુલ દેવુ 81.2 ટ્રિલિયન રુપિયા થયુ છે. ડિસેમ્બર 2022થી રોજ સરેરાશ 48 અબજ રુપિયા દેવુ પાકિસ્તાન પર ચઢતુ રહ્યુ છે.
જોકે પાકિસ્તાનની કાર્યકારી સરકારને તેનાથી ઝાઝો ફરક પડ્યો નથી. કારણકે કાર્યકારી વડાપ્રધાન હોવા છતા અનવારુલ કાકર વિદેશોની મુલાકાત લેતા રહ્યા છે. જોકે નવી સરકારે દેવાનો બોજો વેંઢાવરો પડશે. પાકિસ્તાનના નાણા મંત્રાલયના કહેવા પ્રમાણે 2022-23માં શહેબાઝ શરીફની સરકારનુ શાસન હતુ ત્યારે દેશના દેવામાં ભારે વધારો થયો છે.
હવે પાકિસ્તાનના દરેક નાગરિક પર 2.71 લાખ રુપિયાનુ દેવુ છે. છેલ્લા એક વર્ષમાં દરેક પાકિસ્તાનીના માથા પર 54000 રુપિયાનુ દેવુ વધ્યુ છે. પાકિસ્તાને છેલ્લા 6 મહિનામાં તો જે લોન લીધી છે તેના વ્યાજ તરીકે જ 4.4 ટ્રિલિયન રુપિયા ચુકવ્યા છે. પાકિસ્તાન પર એકલા આઈએમએફનુ જ દેવુ 30 ટકા વધ્યુ છે.
જોકે આ દેવુ હજી પણ વધશે. કારણકે પાકિસ્તાને આઈએમએફ પાસે બીજી પણ એક લોન માંગી છે.