ઓસ્ટ્રેલિયામાં જોવા મળતી દેડકાની ખતરનાક પ્રજાતિ, એક માદા વર્ષે ૭૦ હજાર બચ્ચાને આપે છે જન્મ
દર વર્ષે આ ઝેરી પ્રજાતિના દેડકા મારવાનું અભિયાન ઉપાડવામાં આવે છે.
૧૯૩૫માં દક્ષિણ અમેરિકાથી કેન ટોડ ઓસ્ટ્રેલિયા લાવવામાં આવ્યા હતા
મેલબોર્ન,૬ ફેબુ્આરી,૨૦૨૪, મંગળવાર
ઓસ્ટ્રેલિયામાં દેડકાની અનેક પ્રજાતિઓ જોવા મળે છે. એમાં એક પ્રજાતિનું નામ કેન ટોડ છે. કેન ટોડના જન્મદરને નિયંત્રણમાં લેવા માટે દર વર્ષે મારવાનું અભિયાન ઉપાડવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના કવિન્સલેન્ડના અનેક વિસ્તારોમાં વર્ષ ૨૦૨૪ની શરુઆતમાં કેન ટોડનો ઉપદ્વવ વધી ગયો હતો. આથી ૧૩ જાન્યુઆરીથી ૨૧ જાન્યુઆરી દરમિયાન કેન ટોડ મારવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આમ તો પૃથ્વી પર સહ અસ્તિત્વ ધરાવતા દરેક જીવનું રક્ષણ થવું જોઇએ કારણ કે દરેક જીવ ઇકો સિસ્ટમનો એક ભાગ છે પરંતુ કેન ટોડને મારવા પાછળ પણ એક ગણિત છે.
એક તો દેડકાની ખૂબજ ઝેરી પ્રજાતિ છે બીજું કે વર્ષમાં એક માદા ૬૦ થી ૭૦ હજાર જેટલા બચ્ચાને જ્ન્મ આપે છે. આથી જો કેન ટોડની ે વસ્તી વધતી જ રહે તો જોખમી છે. પર્યાવરણવાદીઓ પણ દેડકાની આ પ્રજાતિને મારવાનો કોઇ જ વાંધો ઉઠાવતા નથી. દર વર્ષે કરોડોની સંખ્યામાં કેન ટોડ અનેક સ્થળોએ ઉભરાય છે. આને ગ્રેટ કેન ટોડ બસ્ટ કહેવામાં આવે છે. ગત સમયમાં ઓસ્ટ્રેલિયામાં પુષ્કળ વરસાદ થવાથી કેન ટોડના પ્રજનન માટે સાનુકૂળ વાતાવરણ ઉભું થયું હતું. આ દેડકાઓના ઉપદ્વવના અંદાજના આધારે તેનો નાશ કરવાનો કાર્યક્રમ ઘડવામાં આવે છે.
નિષ્ણાતોનું માનવું છે કે કેન ટોડ ઓસ્ટ્રેલિયા મૂળની પ્રજાતિ નથી. સામાન્ય રીતે આ દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. ૧૯૩૫માં કેન ટોડને અમેરિકાથી હવાઇ માર્ગે કવીન્સલેંડ લાવવામાં આવ્યા હતા. કેન ટોડને લાવવાનો હેતું પાકોને નુકસાન કરતા ભમરાંમાંથી છુટકારો મેળવવાનો હતો. પ્રાકૃતિક રીતે ભમરાંનું નિયંત્રણ કરવું શકય ના બન્યું પરંતુ કેન ટોડ પોતે જ એક સમસ્યા બની ગયા. ઓસ્ટ્રેલિયાની મૂળ સ્થાનિક પ્રજાતિઓને નુકસાન પહોંચાડવા લાગ્યા. દેડકાની બીજી પ્રજાતિઓનો ખોરાક ખાઇ જતા હતા અને રહેઠાણ વિસ્તારો પર કબ્જો જમાવતા હતા.
કેન ટોડ એટલા ઝેરી હોય છે કે પાલતું કુતરાને ૧૫ મીનિટમાં મારી નાખે છે. મધમાખી જેને ખેત અને જંગલ ઉત્પાદનમાં મહત્વની કડી ગણાવવામાં આવે છે તેને ખાઇ જાય છે. આથી મધમાખી પાલન કરનારા કેન ટોડથી ખૂબજ પરેશાન રહે છે. મધપૂડા પર ચડવા માટે કેન ટોડ એક બીજા પર ચડીને શ્રેણી જેવી રચના કરે છે. કેનટોડને મારના માટે ગોલ્ફ દંડાનો ઉપયોગ કરે છે. ઘણા લોકો કાર નીચે કચડી નાખે છે. કેટલાક પર્યાવરણવાદીઓ કેનટોડને મારવાનો વિરોધ કરતા નથી પરંતુ તેની રીત ક્રુર ના હોવી જોઇએ એવો મત ધરાવે છે. એવું પણ સંશોધન થયું છે કે કેન ટોડને ફ્રિઝ જેવા સ્થળે રાખવાથી જામી જાય છે, આ રીતે મુત્યુ થવાથી ઓછી તકલીફ અનુભવે છે.