દુનિયાનો એક માત્ર એવો દેશ જયાં એક પણ સ્ટ્રીટ ડૉગ્સ નથી
સ્ટ્રીટ ડોગના નિયંત્રણ માટે દુનિયાએ આ દેશનું અનુકરણ કરવા જેવું છે
ભારતમાં 6 કરોડ જયારે ચીનમાં 7 કરોડ સ્ટ્રીટ ડોગ છે
એમ્સ્ટર્ડમ, 29 નવેમ્બર,2023,બુધવાર
શહેરી વિસ્તારોમાં વહેલી સવારે મોર્નિગ વોક માટે નિકળનારા કેટલાક સ્ટ્રીટ ડૉગથી ચેતીને ચાલતા રહે છે. ડૉગે બાઇટ કર્યુ હોવાની ઘટનાઓ વધતી જાય છે. ૨૦૧૨માં ૩૦ લાખ લોકોને જયારે ૨૦૨૨ સુધીમાં ૬૦ લાખ લોકોને કુતરા કરડયા છે. ડૉગથી ડરવાનું સૌથી મોટું કારણ રેબીઝ (હડકવા) વાયરસ છે. ટેટ ઓફ પેટ હોમલેસનેસ ઇન્ડેક્ષના જણાવ્યા અનુસાર લગભગ ૬ કરોડ ડોગ સાથે ભારત બીજા ક્રમે છે જયારે ૭ કરોડ ડોગ સાથે ચીન બીજા ક્રમે છે. ત્રીજા ક્રમે અમેરિકામાં ૪.૮ કરોડ ડોગ છે જયારે મેકસિકોમાં ૭૪ લાખ આવારા ડોગ છે. બ્રિટનમાં માત્ર ૧૧ હજાર સ્ટ્રીટ ડોગ છે.
જો કે એ જાણીને નવાઇ લાગશે કે નેધરલેન્ડ એક માત્ર એવો દેશ છે જયાં રોડ પર એક પણ સ્ટ્રીટ ડૉગ્સ દેખાતા નથી. નેધરલેન્ડના આ મોડેલને અપનાવવા જેવું છે. એક સમય એવો હતો કે નેધરલેન્ડમાં ડૉગ્સની સંખ્યા વધારે હતી. સારી નસ્લના ડૉગ રાખવા એ અમીરો માટે પ્રતિષ્ઠાની નિશાની ગણાતી જયારે સામાન્ય લોકો ખેતરો અને ઘરની રખેવાળી માટે શ્વાનપાલન કરતા. ૧૯ મી સદીમાં રેબીઝ બીમારીથી હજારો લોકોના મોત થતા હાહાકાર મચી ગયો.
રેબીઝ (હડકવા ) વાયરસ દ્વારા ફેલાતો સંસર્ગજન્ય રોગ છે. જેની અસર ચેતાતંત્ર પર થાય છે. આ રોગથી પીડિત કુતરું કરડવાથી માનવીમાં તેનો ફેલાવો થાય છે. રેબીઝ ફેલાતા ડચ જ નહી વેપાર માટે આવતા વિદેશીઓ પણ ભોગ બન્યા. ડરી ગયેલા વેપારીઓ કૂતરાં કરડવાના ડરથી નેધરલેન્ડ આવતા અટકી ગયા. હડકવા માટે જવાબદાર ગણાતા શેરી કૂતરાઓને કાબુમાં કરવા એ જ એક માત્ર ઉપાય હતો. ઘરમાં કૂતરા પાળતા લોકોએ રેબીઝથી ગભરાઇને કૂતરા શેરીઓમાં છોડી મુકયા.
એ સમયે સરકારે ડૉગ ટેકસ લેવાનું શરુ કર્યુ તેની પણ ઉંધી અસર પડી હતી. ઇસ ૧૮૬૪માં હેગ ખાતે એનિમલ પ્રોટેકશન એજન્સીની સ્થાપના થઇ તેનું મુખ્યકામ ડૉગ્સનું રક્ષણ કરવાનું હતું. ધ ડચ સોસાયટી ફોર ધ પ્રોટેકશન ઓફ એનિમલ્સ બન્યા પછી સકારાત્મક પરિવર્તન આવવા લાગ્યું હતું. આ સંસ્થાએ લોકોને એનિમલ રાઇટસ માટે જાગૃત કર્યા. કલેકટ ન્યૂટર વેકિસનેટ એન્ડ રિટર્ન કાર્યક્રમ અંર્તગત શેરી શ્વાનોને પકડીને નસબંધી તથા વેકિસનેશન કરવામાં આવ્યું હતું.
પાલતું ડૉગ ખરીદનાર અને વેચનાર પર ટેકસ નાખવામાં આવ્યો. જયારે કોઇએ રખડતા ડૉગને દત્તક લેવા હોયતો ટેકસ માફી આપવામાં આવી. એક પોલીસ ફોર્સ પણ રચવામાં આવી જે સમગ્ર દેશમાં ડૉગ જ નહી દરેક પ્રકારના પ્રાણીઓ તથા પક્ષીઓ પર થતી હિંસા પર ચાંપતી નજર રાખવા માંડી. પશુપ્રેમનો અંદાજો એના પરથી લગાવી શકાય છે કે એક પોલિટિકલ પાર્ટી એવી છે જે બેઘર પશુઓ પર ફોકસ કરે છે. 'પાર્ટી ઓર ધ એનિમલ' નામના સંગઠનનું માનવું છે કે કોઇ સોસાયટી પશુઓ સાથે જેવો વ્યહવાર કરે એવો જ તે લોકો સાથે પણ કરે છે. આથી જાનવરો પ્રત્યે લોકોમાં દયાનો ભાવ ભરવો જરુરી છે.