જાપાનમાં નવા વર્ષે જ 7.5ની તીવ્રતાનો ભૂકંપ-સુનામી ત્રાટક્યા
- માત્ર 3 કલાકમાં 3.6થી 7.6ની તીવ્રતાના ભૂકંપના 30 આંચકા નોંધાયા
- ઈશિકાવામાં પાંચ મીટર સુધી ઊંચા મોજા ઊછળ્યા, દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા, રશિયાએ પણ સુનામીની ચેતવણી આપી
- 34,500થી વધુ ઘરોમાં અંધારપટ, અનેક મકાન તૂટી પડયા, જાનહાનિના અહેવાલ નથી, ન્યૂક્લિયર પ્લાન્ટને નુકસાન નહીં
ટોક્યો : વર્ષ ૨૦૨૩માં ભૂકંપ અને યુદ્ધની ભયાનક્તાની યાદો ભૂલાવીને આખી દુનિયા નવા વર્ષની ઊજવણીમાં વ્યસ્ત છે ત્યારે જાપાનમાં નવા વર્ષના પહેલા જ દિવસે ૭.૫ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધરતી ધ્રુજી ઊઠી છે. બીજીબાજુ પશ્ચિમી ક્ષેત્રમાં આવેલા ભૂકંપની પાછળ સુનામી પણ આવી છે. નવા વર્ષની આ ભયાનક શરૂઆત ઓછી હોય તેમ દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયાથી લઈને છેક રશિયા સુધીના દેશોમાં સુનામીની ચેતવણી આપવામાં આવી છે.
જાપાનમાં માત્ર ત્રણ કલાકમાં ભૂકંપના ૩૦ આંચકા અનુભવાયા હતા અને અંદાજે ૩૪,૦૦૦ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. અનેક મકાનો તૂટી પડયા હોવા અને કેટલાક લોકોને ઈજા થઈ હોવાના અહેવાલ છે. જોકે, જાનહાનીના અહેવાલ નથી. જાપાનમાં ૭.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયાની સાથે જ સરકારે સુનામીની ચેતવણી જાહેર કરી હતી તથા ઈશિકાવા, નિગાતા, તોયામા અને યામાગાતા પ્રાંતોના લોકોને દરિયા કિનારાના વિસ્તારો છોડીને સલામત સ્થળે ખસી જવા ચેતવણી આપી હતી. જોકે, થોડીક જ વારમાં ફરીથી ૫.૭ની તીવ્રતાનો ભૂકંપનો બીજો આંચકો અનુભવાયો હતો.
જાપાનમાં ત્રણ દિવસ પહેલા જ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાય હતા. કુરિલ ટાપુમાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. પરંતુ ૧ જાન્યુઆરીએ આવેલા ભૂકંપ પછી વડાપ્રધાન ફુમિયો કિશિદાએ સરકારી તંત્રને કોઈપણ જોખમી સ્થિતિ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. બીજીબાજુ ભૂકંપના કારણે અંદાજે ૩૪,૦૦૦થી વધુ ઘરોની લાઈટ જતી રહી છે. ફાયર વિભાગના જણાવ્યા મુજબ અંદાજે પાંચ લોકોને ઈજા પહોંચી છે.
જાપાનના દરિયા કિનારાના શહેર સુઝુમાં ધૂળના ગોટા વચ્ચે એક ઈમારત તૂટી પડી હોવાનું પણ જોવા મળ્યું છે. રાજધાની ટોક્યોમાં પણ ઈમારતો હચમચી ગઈ છે. ભૂકંપ પછી જાપાની એરલાઈન એએનએએ ટોયામા અને ઈશિકાવા એરપોર્ટ પર આવાગમન કરતી ચાર ફ્લાઈટ્સને અધવચ્ચે જ પાછી મોકલી દીધી હતી. જાપાન એરલાઈન્સે પણ નિગાટા અને ઈશિકાવા ક્ષેત્રો માટે મોટાભાગની ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. ઈશિકાવામાં અનેક જગ્યાએ હાઈવે તૂટી ગયા છે.
મીડિયા રિપોર્ટ મુજબ જાપાનમાં ભૂકંપના આંચકા પછી સુનામીની પહેલી લહેર મધ્ય જાપાનના ઉત્તરીય કિનારે આવી છે, જેમાં સમુદ્રની લહેરોની ઊંચાઈ ૧ મીટરથી વધુ હોવાની જણાવાય છે. જાપાનની હવામાન વિજ્ઞાન એજન્સી મુજબ સ્થાનિક સમય મુજબ સાંજે ૪.૨૧ કલાકે ઈશિકાવા પ્રાંતના વાજિમા બંદરે ૧.૨ મીટરથી ૫ મીટર સુધી ઊંચી લહેરો ટકરાઈ હતી.
દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા અને રશિયાએ પણ તેમના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરી હતી અને લોકોને સલામત સ્થળે ખસી જવા માટે જણાવ્યું છે. દક્ષિણ કોરિયામાં સરકારે ગૈંગવોન પ્રાંતના રહેવાસીઓને સાવધાની રાખવા અને ઊંચાઈવાળા સ્થળો પર જતા રહેવા ચેતવણી આપી છે. દક્ષિણ કોરિયાની હવામાન વિજ્ઞાન એજન્સીએ કહ્યું કે ૪૫ સેમીની સુનામીની લહેરો ગૈંગવોન પ્રાંતના પૂર્વી કિનારા સુધી પહોંચી છે, પરંતુ પહેલી લહેર આવ્યા પછી વધુ ઊંચી લહેરો આવી શકે છે.જાપાનમાં ભૂકંપ પછી લોકોમાં ગભરાટ ફેલાયેલો છે. મુખ્ય કેબિનેટ સચિવે કહ્યું કે જોખમ હજુ ટળી નથી ગયું. અધિકારીઓ હજુ નુકસાનનું આકલન કરી રહ્યા છે અને વિવિધ સ્થળો પરથી માહિતી એકત્ર કરી રહ્યા છે. જાપાનમાં ૩ કલાકની અંદર ભૂંકપના ૩૦થી વધુ આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા ૩.૬થી લઈને ૭.૬ સુધી રહી હતી. જોકે, ભૂકંપના આંચકા વચ્ચે એક સારા સમાચાર એ છે કે જાપાનના પરમાણુ પ્લાન્ટમાં કોઈ ગડબડ થઈ નથી.
ભારતીય દૂતાવાસે ઈમર્જન્સી હેલ્પલાઈન શરૂ કરી
જાપાનમાં ૭.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા પછી સોમવારે ભારતીય દૂતાવાસે સુનામાનીની ચેતવણીના પગલે ભારતીયો માટે ઈમર્જન્સી હેલ્પલાઈન શરૂ કરી હતી અને ઈમર્જન્સી કંટ્રોલ રૂમ બનાવ્યો હતો. ટોક્યોમાં ભારતીય મિશને એક્સ (ટ્વિટર) પોસ્ટ પર જણાવ્યું હતું કે, ભારતીય દૂતાવાસે ૧ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ આવેલા ભૂકંપ અને સુનામીના સંદર્ભમાં ઈમર્જન્સીમાં કોઈપણ વ્યક્તિનો સંપર્ક કરવા માટે ઈમર્જન્સી કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. કોઈપણ સહાયતા માટે ઈમર્જન્સી નંબરો અને ઈમેલ આઈડી પરથી સંપર્ક કરી શકાય છે. દૂતાવાસ સતત જાપાની ઓથોરિટીના સંપર્કમાં છે. ભારતીયોએ સ્થાનિક સરકારે આપેલી સૂચનાઓને અનુસરવું જોઈએ.