5500 ચોરસ મીટરમાં ફેલાયેલું શીતયુધ્ધના જમાનાનું પરમાણુ બંકર, હવે બની ગયું છે મ્યુઝિયમ
એક સમયના બંકરની રચના એકદમ સુવિધાજનક ઘર જેવી હતી.
પ્રદર્શની જોવા આવેલા આગંતુક 90 મીનિટ સુધીમાં બે કિલોમીટર જેટલું ફરી શકે છે.
કોપન હેગન,7 ઓકટોબર,2024,સોમવાર
ડેન્માર્કમાં શીત યુધ્ધના જમાનાનું પરમાણુ પ્રતિરોધી બંકર એક મ્યુઝિયમ સ્વરુપે છે. શીતયુધ્ધના સ્મારક સમા આ બંકરમાં સ્થાનિક લોકો અને વિદેશી આગંતુકોને તેના ઇતિહાસથી વાકેફ કરવામાં આવે છે. સ્વાગત કક્ષ, પ્રદર્શની ભવન, ટિકિટબારી અને કેફે ઉપરાંત જીજ્ઞાસુ બાળકો માટે એક લર્નિગ સેંન્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે.
એક સમયના બંકરની રચના એકદમ સુવિધાજનક ઘર જેવી હતી. કેટલાય સપ્તાહો સુધી બહારના સંપર્કમાં રહયા વિના રહી શકાય તેટલી જીવન જરુરીયાતની વસ્તુઓનો સ્ટોક પણ હતો. પ્રસારણ સ્ટુડિયો, કિચનરુમ, કલીનિક, એન્જિન રુમ અને સ્ટોરેજ રુમ વગેરેનો સમાવેશ થતો હતો. આ રુમોમાં હજુ પણ તેના મૂળ ફર્નિચરને જાળવી રાખવામાં આવ્યું છે. કુલ 350 લોકો રહી શકે તેટલી બંકરમાં વ્યવસ્થા હતી. બંકરમાં પ્રવેશતા મુલાકાતીઓ ટાઇમ કેપ્સૂલનો અનુભવ કરતા હોય તેમ લાગે છે.
બંકરમાં પ્રદર્શની જોવા આવેલા આગંતુક 90 મીનિટ સુધીમાં બે કિલોમીટર જેટલું ફરી શકે છે. બંકરનો હજુ પણ 40 ટકા જેટલો હિસ્સો યથાવત રાખવામાં આવ્યો છે. ખાસ ઉદ્દેશથી તૈયાર કરવામાં આવતા બંકરમાં રહેવાનો અને જાણવાનો લાભ આમ જનતાને મળતો નથી આથી મ્યુઝિયમ સ્વરુપે તૈયાર થયેલું 5500 વર્ગ મીટરમાં વિસ્તરેલું બંકર લોકોને આકર્ષી રહયું છે. સોવિયત સંઘ અને અમેરિકા વચ્ચે શીતયુધ્ધ ચાલતું હતું ત્યારે દુનિયા બે ભાગમાં વહેંચાઇ ગઇ હતી.
શીતયુધ્ધના ભયના ઓથાર હેઠળ પરમાણુ યુધ્ધની શકયતા જોતા ડેન્માર્કમાં 1968માં રોલ્ડ સ્કોવમાં ચાક પહાડથી 60 મીટર નીચે રેગાન વેસ્ટ નામનું આ બંકર બનાવાયું હતું. પરમાણુ હુમલા સામે પ્રતિરોધક્ષમતા ધરાવતા આ બંકરમાં રાજ પરિવાર, સરકાર અને તેમના મુખ્ય લોકો સુરક્ષિત રહી શકે તેવો હેતું હતો. ડેન્માર્કના આ અત્યંત ગૂપ્ત પરમાણુ બંકર અને તેની આલિશાન સગવડોની વિગતો વર્ષો સુધી ગોપનીય રહી હતી.
2003માં ડેન્માર્ક સરકારે રેગન વેસ્ટ બંકરના મૂળ ઉદ્દેશને રદ કરતા પ્રથમવાર આ રહસ્યમયી બંકર વિશે જાણવા મળ્યું હતું. 12 નવેમ્બર 2012 ડેન્માર્ક સરકારે બંકરને લગતી માહિતી પર્યાવરણ મંત્રાલયને સોંપી હતી. 2014માં મહેલો અને સંસ્કૃતિ એજન્સીએ રેગન વેસ્ટ અને ફર્નીચરને સંરક્ષિત કરવાનું નકકી કર્યુ હતું. સંગ્રહાલયના નિર્દેશક લાર્સ ક્રિશ્ચિયન નોરબેકના જણાવ્યા અનુસાર આ સ્થળ કોપનહેગનથી લગભગ 400 કિમી આવેલું છે.