એમેઝોનના જંગલમાં 2500 વર્ષ જૂનું શહેર મળી આવ્યું, દુનિયાને ખબર પણ ન હતી
નવી દિલ્હી,તા. 12 જાન્યુઆરી 2024, શુક્રવાર
એમેઝોનના જંગલો દુનિયાના સૌથી મોટા ગણાતા અને ધરતી માટે ફેફસાનુ કામ કરે છે. એમેઝોન દુનિયાનુ સૌથી મોટુ રેન ફોરેસ્ટ છે અને દુનિયાનો 20 ટકા ઓક્સિજન આ જંગલ સપ્લાય કરે છે. તેથી આ જંગલોને ધરતીના ફેફસા પણ કહેવાય છે.
એમેઝોનના જંગલો વિશ્વભરના લોકો માટે રહસ્યનો વિષય છે. કારણ કે અહીં ઘણા એવા પ્રાણીઓ અને જીવો જોવા મળી આવે છે જે દુનિયામાં બીજે ક્યાંય જોવા મળતા નથી. . આ જંગલમાં ઘણા ખતરનાક પ્રાણીઓ રહે છે તે વિશ્વના સૌથી મોટા અને ગીચ જંગલોમાંનું એક છે. આ જંગલ દક્ષિણ અમેરિકા ખંડના 9 દેશો સુધી ફેલાયેલું છે. એમેઝોનમાં એક બહુ મોટું અને જૂનું શહેર જોવા મળ્યું છે. આ શહેર હજારો વર્ષોથી લીલાછમ વૃક્ષો અને છોડની વચ્ચે છુપાયેલું હતું. જેને વિશ્વને ખબર નહોતી.
બીબીસીના એક રિપોર્ટ અનુસાર, આ નવા જંગલની શોધથી આપણને ત્યાં રહેતા લોકોના ઈતિહાસ વિશે જાણકારી મળશે. પૂર્વી એક્વાડોરના ઉપાનો પ્રદેશમાં ઘર અને પ્લાઝા રસ્તાઓ અને નહેરોના આશ્ચર્યજનક નેટવર્ક દ્વારા જોડાયેલા હતા. આ વિસ્તારની આસપાસ જ્વાળામુખી પણ છે. એવું માનવામાં આવે છે કે, લોકો એક જગ્યાએ કાયમ માટે રહેતા ન હતા પરંતુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા અથવા એમેઝોનમાં નાની વસાહતોમાં રહેતા હતા.
આ રિસર્ચનું નેતૃત્વ કરનાર ફ્રાન્સમાં નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચના તપાસ નિર્દેશક પ્રોફેસર સ્ટીફન રોસ્ટેન કહે છે કે, " આપણે જે એમેઝોનને જાણીએ છીએ તે કોઈપણ અન્ય સાઇટ કરતાં જૂની છે." સંસ્કૃતિ પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ યુરોકેન્દ્રીત છે, પરંતુ આ દર્શાવે છે કે સંસ્કૃતિ અને સભ્યતા શું છે, અને તે અંગે આપણ આપણો વિચાર બદલવાની જરૂર છે.
શહેરી સમાજમાં રહેતા હતા
સહ-લેખક એન્ટોની ડોરીસન કહે છે કે, તે અમેઝોનના લોકોની સંસ્કૃતિને જોવાની રીતને બદલે છે. કારણ કે આ પહેલા એવું માનવામાં આવતું હતું કે મોટાભાગના લોકો ઝૂંપડીઓમાં રહેતા હતા પરંતુ નવા શહેરની શોધ દર્શાવે છે કે, તેઓ શહેરી સમાજમાં રહેતા હતા.
પુરાતત્વવિદોનું કહેવું છે કે, આ શહેર લગભગ 2,500 વર્ષ પહેલાં બાંધવામાં આવ્યું હતું અને લોકો 1,000 વર્ષ સુધી ત્યાં રહેતા હતા. જો કે, ત્યાં કેટલા લોકો રહેતા હતા તેનો હજુ અંદાજ લગાવી શકાયો નથી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ત્યાં એક લાખ લોકો ન રહેતા હોય તો પણ ઓછામાં ઓછા 10 હજાર લોકો ત્યાં રહેતા હોવા જોઈએ.