114 વર્ષની વૃધ્ધ મહિલા, કયારેય રેસ્ટોરન્ટમાં જઇને ફાસ્ટફૂડ લીધું નથી.
ઘરે ઉગાડેલા શાકભાજી ઉગાડીને ખોરાકમાં ઉપયોગ કરતી રહી છે.
તંદુરસ્ત રહેવું હોયતો ફિઝિકલી એકટિવ રહેવું ખૂબ જરુરી છે
ન્યૂયોર્ક,23 નવેમ્બર,2024,શનિવાર
પેનિસિલ્વેનિયામાં રહેતી ૧૧૪ વર્ષની મહિલા નાઓમી વ્હાઇટહેડ અમેરિકાની સૌથી વૃધ્ધ વ્યકિત છે. ગત ૨૮ સપ્ટેમ્બરના રોજ પોતાના પરિવાર અને કેટલાક મિત્રો સાથે જન્મદિવસ ઉજવ્યો હતો. નાઓમીનો જન્મ ૨૬ સપ્ટેમ્બર ૧૯૧૦ના રોજ જયોર્જિયાના એક ફાર્મમાં થયો હતો. તેનો જન્મ થયો ત્યારે મૂળ નામ નાઓમી વોશિંગ્ટન હતું. નાઓમી દુનિયાની સાતમી સૌથી વૃધ્ધ વ્યકિત છે.
સામાન્ય રીતે ઉંમરલાયક વ્યકિતની ફિટનેસનું રાજ જાણવામાં સૌને રસ હોય છે. જે પણ સિક્રેટ હોય તેને ફોલો કરીને લોકો તંદુરસ્ત જીવનશૈલી જીવવા ઇચ્છૂક હોય છે. એવી જ રીતે નાઓમીને પણ બધા પુછતા રહે છે. નાઓમી બધાને જણાવે છે કે કયારેય રેસ્ટોરન્ટમાં જઇને ફાસ્ટફૂડ લીધું નથી. તે યુવાન હતી ત્યારે પોતાના ઘરની પાછળ શાકભાજી ઉગાડીને ખોરાક તરીકે ઉપયોગ કરતી હતી.
નાઓમી વ્હાઇટ હેડ પોતાની તંદુરસ્તી અને લાંબી ઉંમરનું રહસ્ય સ્મોકિંગ અને શરાબથી દૂર રહેવાને પણ માને છે. આ બે એવી ચીજો છે જેને જીવનમાં કયારેય હાથ પણ અડાડયો નથી. નાઓમીનું માનવું છે જો ચૂસ્ત અને તંદુરસ્ત રહેવું હોયતો ફિઝિકલી એકટિવ રહેવું ખૂબ જરુરી છે. બીજું કારણ નાઓમી ધાર્મિક છે. નાઓમી ખૂબ જ ધાર્મિક પ્રકારની સ્ત્રી રહી છે. ઘણા સંશોધનોમાં એ પણ સામે આવ્યું છે કે જે લોકો ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા હોય છે તેઓ અન્ય લોકો કરતા લાંબુ જીવે છે.
નાઓમી વ્હાઇટહેડની પૌત્રીએ જણાવ્યું કે તેની દાદીની ફિટનેસનું સૌથી મોટું રહસ્ય તેની મહેનત અને મહેનત છે. નાઓમી વ્હાઇટહેડે શરૂઆતથી જ ક્ષેત્રોમાં સખત મહેનત કરી છે. પોતાના જીવનમાં ખૂબ સમય સુધી ખેતરમાં કામ કર્યુ છે. જેમાં તમાકુની કાપણી, ખેતરમાં ખેડાણ અને કપાસ ચૂંટવા જેવા કપરા કામો કરવામાં આવ્યા છે. યુએસ સેન્સસના ડેટા અનુસાર, અમેરિકામાં 100 વર્ષથી વધુ જીવતા લોકોની સંખ્યા માત્ર 0.03 ટકા છે.