બાંગ્લાદેશમાં લઘુમતીઓ પરના 98 ટકા હુમલા રાજકારણથી પ્રેરિત
- પોલીસના ઓગસ્ટ હિંસાના 1,769 મામલાના રિપોર્ટમાં ઘટસ્ફોટ
- સરહદે ફેન્સનો વિવાદ : ભારતે બાંગ્લાદેશના રાજદૂત નરૂલ ઇસ્લામને સમન્સ પાઠવી ચેતવણી આપી
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના ખાતમાની સાથે જ લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર વધી ગયો છે. હિન્દુઓના મકાનો, મંદિરો અને દુકાનો પર હુમલા થઇ રહ્યા છે. બાંગ્લાદેશ સરકાર દાવા કરી રહી છે કે આ અંગત ગુસ્સાને કારણે ફાટી નીકળેલી હિંસાઓ છે, જ્યારે બાંગ્લાદેશ પોલીસે વચગાળાની મોહમ્મદ યુનુસ સરકારની પોલ ખોલી નાખી છે અને રિપોર્ટમાં કહ્યું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના ૯૮ ટકા મામલા રાજકારણથી પ્રેરિત છે. દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સરહદે તારફેન્સિંગને લઇને વિવાદ વધી રહ્યો છે. બન્ને દેશોએ એકબીજાના રાજદૂતોને સામસામે સમન્સ પાઠવ્યા છે.
લઘુમતીઓ પર હુમલા વચ્ચે બાંગ્લાદેશ પોલીસે હિંસાના ૧૭૬૯ મામલાઓની તપાસ કરીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે જેમાં ૯૮ ટકા મામલા રાજકારણથી પ્રેરિત હોવાનું સાબિત થયું છે. ગયા વર્ષે ચાર ઓગસ્ટથી ૨૦ ઓગસ્ટ સુધી થયેલી હિંસામાં લઘુમતીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ બૌદ્ધ, ખ્રિસ્તી એકતા પરિષદે આ સમયગાળામાં સાંપ્રદાયિક હિંસાના ૨૦૧૦ મામલાઓની રિપોર્ટ તૈયાર કરી છે. જોકે પોલીસના આંકડા મુજબ ૧૭૬૯ મામલાઓની ફરિયાદ દાખલ થઇ છે જેમાં ૧૪૧૫ની તપાસ પુરી કરી લેવાઇ છે અને ૩૫૪ મામલા હાલ તપાસ હેટળ છે. આ સમય દરમિયાન હુમલા અને હત્યાઓની કુલ ૨૨૦૦ ઘટનાઓ પોલીસ રિપોર્ટમાં નોંધાઇ છે.
બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસે સત્તાની કમાન સંભાળી ત્યારથી કટ્ટરવાદીઓ બેફામ થઇ ગયા છે અને લઘુમતીઓ પર હુમલા કરી રહ્યા છે જેની અસર ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો પર જોવા મળી રહી છે. રવિવારે બાંગ્લાદેશે ઢાકા સ્થિત ભારતીય હાઇ કમિશનર પ્રણય વર્માને સમન્સ પાઠવ્યા હતા, જેની સામે વાંધો ઉઠાવીને ભારતે દિલ્હી સ્થિત બાંગ્લાદેશના હાઇ કમિશનર અને ડેપ્યુટી હાઇ કમિશનર નુરૂલ ઇસ્લામને સમન્સ પાઠવ્યા હતા. અગાઉ બાંગ્લાદેશે પોતાના સમન્સમાં દાવો કર્યો હતો કે ભારત બાંગ્લાદેશ સાથેની ૪૧૫૬ કિમી લાંબી સરહદે પાંચ સ્થળે વાડ તૈયાર કરી રહ્યું છે જે મુક્ત અવર જવરના કરારોનું ઉલ્લંઘન છે. ઢાકાના આ વલણનો વિરોધ કરતા ભારતે પણ બાંગ્લાદેશના દિલ્હી સ્થિત હાઇ કમિશનરને સમન્સ પાઠવ્યા છે. જેને પગલે હાલ બાંગ્લાદેશ અને ભારત વચ્ચે સરહદોેને લઇને પણ વિવાદ શરૂ થઇ ગયો છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા વચ્ચે પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી મહારાજે કેન્દ્રની મોદી સરકારને આ હુમલા અટકાવવા કઠોર પગલા લેવાની સલાહ આપી છે. મકર સંક્રાંતિ પર શાહી સ્નાન કરવા ગંગાસાગર પહોંચેલા શંકરાચાર્યએ કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે પણ લોકો હુમલા કરી રહ્યા છે તેઓ ખરેખર પોતાના માટે જ આફત નોતરી રહ્યા છે. હુમલાખોરોએ વિચારવુ જોઇએ કે જ્યાં તેઓ લઘુમતીમાં છે ત્યાં તેમની શું હાલત થશે. સાથે જ તેમણે કહ્યું હતું કે પુરા વિશ્વને હાલ ૧૩૦ વેપારીઓ ચલાવી રહ્યા છે. હાલના રાજનેતાઓમાં શાસન ચલાવવાની ક્ષમતા નથી રહી, દેશી-વિદેશી કંપનીઓ પુરા વિશ્વને ચલાવી રહી છે અને જેમને રાજકારણની પરિભાષાનું જ્ઞાાન નથી તેઓ રાજનેતા બની બેઠા છે.