વિશ્વના લગભગ 50% દેશો ચીનના દેવાની જાળમાં ફસાયા, આપણા બે પાડોશી પર તો મસમોટી ઉધારી
ચીને પાકિસ્તાનને 77.3 અબજ ડોલર અને શ્રીલંકાને 6.8 અબજ ડૉલરની લોન આપી છે
બિજિંગ,તા.28 ફેબ્રુઆરી 2024,બુધવાર
એક અહેવાલ અનુસાર દુનિયાના 97 દેશો ચીનના દેવાદાર છે અને આ તમામ દેશોને બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવના માધ્યમથી દરિયાઈ બંદરો, રેલવે તેમજ બીજા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ નામે ચીને લોન આપેલી છે.
ચીનના પ્રમુખ દેવાદાર દેશોની વાત કરવામાં આવે તો ચીને પાકિસ્તાનને 77.3 અબજ ડોલર, અંગોલાને 36.3 અબજ ડોલર, ઈથિયોપિયાને 7.9 અબજ ડોલર, કેન્યાને 7.4 અબજ ડોલર, શ્રીલંકાને 6.8 અબજ ડોલરની લોન આપેલી છે. તેમાં પણ આફ્રિકન દેશ અંગોલા અને જિબૂતીને ચીને આપેલી લોન આ દેશોની કુલ રાષ્ટ્રીય આવકના 40 ટકા જેટલી થવા જાય છે.
માલદીવ અને લાઓસ પણ ચીન પાસેથી ઉધાર લઈ ચુકયા છે. તેમના પર કુલ રાષ્ટ્રીય આવકના 30 ટકા જેટલુ ચીનનુ દેવુ છે. માલદીવની નવી સરકાર તો ચીન પાસેથી વધારે લોન લેવાનુ વલણ અપનાવી રહી છે. આમ માલદીવ પર પણ ગમે ત્યારે દેવાળિયા થવાનુ સંકટ મંડરાઈ રહ્યુ છે.
માલદીવની મુખ્ય આવક પર્યટનની છે. ચારે તરફ દરિયા વચ્ચે ઘેરાયેલો દેશ હોવાથી તેને અનાજથી માંડીને દવાઓ માટે વિદેશો પર નિર્ભર રહેવુ પડે છે. જ્યારે લાઓસમાં ચીનની લોનથી બનેલી રેલવે લાઈનનુ તાજેતરમાં જ ઉદઘાટન થયુ છે.
ચીન ગરીબ દેશોને સાવ ઓછા વ્યાજે લોન આપવાનો દાવો કરે છે પણ તેની સાથે ચીનની આકરી શરતો પણ હોય છે. જેનાથી લોન લેનાર દેશની સંપ્રભુતા પણ ખતરામાં પડી જતી હોય છે. ચીન આવા દેશોનુ કાંડુ આમળીને તેમની પાસે ચીનને ફાયદો થાય તેવા વ્યૂહાત્મક નિર્ણયો લેવડાવે છે. શ્રીલંકા અને માલદીવના ઉદાહરણો દુનિયાની સામે છે.
શ્રીલંકાએ લોનના બદલામાં હંબનટોટા બંદર 99 વર્ષ માટે ચીનને લીઝ પર આપવુ પડ્યુ છે. જ્યારે માલદીવ પાસે ચીને લોનના બદલામાં એક ટાપુ 50 વર્ષની લીઝ પર લખાવી લીધો છે. લાઓસમાં એક વિન્ડ ઈલેક્ટ્રિસિટી પ્રોજેકટ પર ચીને કબ્જો કરી લીધો છે.
ચીનનો એક ટ્રેક રેકોર્ડ એવો પણ છે કે , તે ક્યારેય પોતાની લોન માફ કરતુ નથી. દુનિયાના બીજા સમૃધ્ધ દેશો અન્ય દેશોને લોન આપ્યા બાદ કેટલાક કિસ્સામાં લોન માફ કરતા હોય છે પણ ચીનની વાત અલગ છે. લોન ચુકાવવામાં જે દેશો નિષ્ફળ જાય તો તેમને ચીન ફરી લોન રીસ્ટ્રકચર કરી આપે છે. એટલે એ દેશો પર વ્યાજ અને મુદ્દલનો બોજો વધતો જ રહે છે.