2024માં સૌથી વધુ ફાંસીની સજા ઈરાનમાં અપાઇ, 31 મહિલા સહિત 901ને મૃત્યુદંડ ફટકારાયો
Iran news | 2024માં ઇરાનમાં 31 મહિલાઓ સહિત કુલ 901 જણાંને ફાંસી આપવામાં આવી હતી. ઇરાનમાં દર વર્ષે ફાંસીની સજા પામનારાઓની સંખ્યા સતત વધી રહી હોવાથી સંયુક્ત રાષ્ટ્રસંઘની માનવાધિકાર સમિતિના વડા વોલ્કર તુર્કે ઇરાનમાં ફાંસીની સજા પર પ્રતિબંધ મુકવાની માંગણી કરી હતી. માત્ર ડિસેમ્બર મહિનાના એક અઠવાડિયામાં જ 40 જણાંને ઇરાનમાં ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા હોવાનું માનવાધિકાર સમિતિના અહેવાલમાં જણાવ્યું હતું.
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના જણાવ્યા અનુસાર ચીનને બાદ કરતાં સૌથી વધારે ફાંસીની સજા ઇરાનમાં આપવામાં આવે છે. ઇરાનમાં હત્યા, કેફી દ્રવ્યોની દાણચોરી અને બળાત્કારના ગુના માટે ફાંસીની સજા આપવાની જોગવાઇ છે. ઇરાનમાં લોકોને મોતની સજા આપવાનું ચલણ વધી રહ્યું હોવાથી માનવાધિકારવાદીઓ ચિંતિત બન્યા છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘની માનવાધિકાર સમિતિના અહેવાલ અનુસાર ઇરાનમાં ગયા વર્ષે ફાંસીની સજા મોટેભાગે કેફી દ્રવ્યોના દાણચોરોને આપવામાં આવી છે. આ ઉપરાંત 2022માં સરકાર સામે વિરોધ કરી રહેલાં લોકોને પણ મોતની સજા અપાઇ હતી. ઇરાનના સર્વસત્તાધીશ આયાતોલ્લા અલી ખામનેઇ ઇરાની સમાજમાં પોતાની ધાક જમાવવા મૃત્યુદંડની સજા આપતાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ઇરાનમાં ગયા વર્ષે 31 મહિલાઓને પણ ફાંસી અપાઇ હતી. વોલ્કરે જણાવ્યું હતું કે અમે તમામ સંજોગોમાં મોતની સજા આપવાનો વિરોધ કરીએ છીએ. જીવન જીવવાના મૂળભૂત અધિકારનો આ ભંગ છે. ફાંસીની સજાને કારણે નિર્દોષ લોકો પણ તેનો ભોગ બનવાની સંભાવના રહે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે ઇરાનમાં ફાંસીની સજા પર પ્રતિબંધ મુકવાની માંગણી કરી હતી.