હજયાત્રા દરમિયાન અસામાન્ય ગરમીને લીધે 90 ભારતીય યાત્રીઓનાં નિધન
- મક્કા-શરીફમાં ઉષ્ણતામાનનો પારો 50 ડીગ્રીથી ઉપર
- આ હજ યાત્રામાં દુનિયાભરના આશરે 18 લાખ યાત્રિકો જોડાયા હતા, જે પૈકી 550નાં સનસ્ટ્રોકથી નિધન થયાં છે
મક્કા-શરીફ : આ વર્ષે અહીં ઉષ્ણતામાનનો પારો ૫૦ ડીગ્રી સેલ્સિયસ ઉપર પહોંચ્યા છે. છેલ્લા કેટલાંક દાયકાઓમાં નોંધાયેલું આ સૌથી ઊંચું ઉષ્ણતામાન છે. સાઉદી અધિકારીઓ કહે છે કે લગભગ દર દશકે અહીં ૦.૪ ડીગ્રી સેલ્સિયસ જેટલું ઉષ્ણતામાન વધતું જાય છે. આ વર્ષે અહીં ૯૦ ભારતીય યાત્રિકોનાં સનસ્ટ્રોકથી નિધન નિપજ્યાં છે. અકસ્માતથી કોઈનું મૃત્યુ થયું હોવાનું હજી જાણવા મળ્યું નથી.
આ પૂર્વે પોતાનું નામ નહીં જણાવવાની શર્તે એક આરબ રાજપુરૂષે કહ્યું હતું કે ઓછામાં ઓછાં ૬૮ ભારતીય યાત્રાળુઓનાં નિધન નિપજ્યાં છે. તે પૈકી કેટલાંક અન્ય આરોગ્ય મુશ્કેલીને લીધે મૃત્યુ પામ્યા હોય તેમ જાણવા મળ્યું છે.
આ યાત્રિકો પૈકી કુલ તો ૬૪૫ મૃત્યુ નોંધાયા છે પરંતુ સનસ્ટ્રોકથી મૃત્યુ પામેલાઓનો આંક ૫૫૦ જેટલો પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. સઉદી અરબીસ્તાનની સરકાર આ હજયાત્રીઓ માટે બની શકે તેટલી સુવિધાઓ પહોંચાડવા સતત કાર્યરત છે. પરંતુ વિશ્વભરના મુસ્લીમો મળી તેમની કુલ સંખ્યા ૧૮ લાખ જેટલી પહોંચી છે. તેમાં યાત્રિકોને સુવિધાઓ પહોંચાડવી કેટલી કઠીન બની શકે તે સમજી જ શકાય તેમ છે.
ભારતીય દૂતાવાસના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમો પણ ભારતીય યાત્રિકોને સહાય પહોંચાડવાં પ્રયત્નો કરીએ છીએ પરંતુ આ માનવ મહેરામણ વચ્ચે તેઓને સહાય પહોંચાડવી અતિમુશ્કેલ છે.
આ યાત્રિકોનાં નિધનનો આખરી આંક આવ્યો તે અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા ૫૫૦ યાત્રિકોનાં સનસ્ટ્રોક (સૂર્ય-તાપ)થી નિધન થયાં છે.
૨૦૨૩માં ૨૦૦થી વધુ યાત્રિકોનાં નિધન થયાં હતાં અને ૨,૦૦૦થી વધુને અતિ ઊંચા ઉષ્ણતામાનને લીધે એક યા બીજી આરોગ્યની તકલીફો થઈ હતી ૨૦૨૩માં ઉષ્ણતામાન ૪૮ ડીગ્રી સેલ્સિયસ વધુમાં વધુ નોંધાયું હતું. વિજ્ઞાાનીઓ જણાવે છે કે દરેક દશકમાં ૦.૪ ડીગ્રી સેલ્સિયસ જેટલું ઉષ્ણતામાન ઊંચું જઈ રહે છે.