ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસી વિદેશ મંત્રી સહિત 9 લોકોનાં મોત

Updated: May 21st, 2024


Google NewsGoogle News
ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસી વિદેશ મંત્રી સહિત 9 લોકોનાં મોત 1 - image


- ઇઝરાયેલ સાથે તંગદીલી વચ્ચે ઇરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું

- ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મુખબરને વચગાળાના રાષ્ટ્રપતિ બનાવાયા, 50 દિવસમાં ફરી ચૂંટણી યોજાશે

તેહરાન : ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીનું હેલિકોપ્ટર ક્રેશ થતા મોત નિપજ્યું છે. રાષ્ટ્રપતિ ઉપરાંત ઇરાનના વિદેશ મંત્રી પણ મોતને ભેટયા છે. રવિવારે આ  હેલિકોપ્ટર ક્રેશ થવાના અહેવાલો સામે આવ્યા હતા, જે બાદ તપાસ કરતા તેનો કાટમાળ મળી આવ્યો હતો. હજુ એક મહિના પહેલા જ ઇરાને ઇઝરાયેલ પર વળતા ડ્રોન હુમલા કર્યા હતા, જેને કારણે ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે તંગદીલી વધી હતી. એવામાં હવે ઇરાનના રાષ્ટ્રપતિના મોતને કારણે ઇઝરાયેલ પર પણ શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીની સાથે હેલિકોપ્ટરમાં સવાર કુલ નવ લોકો માર્યા ગયા છે. જેને કારણે ઇરાનમાં માતમ છવાયો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ સંપૂર્ણપણે સળગીને ખાખ થઇ ગયું હતું. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. જોકે તેમ છતા ઇરાન દ્વારા આ ઘટનાને લઇને ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રઇસી રવિવારે અજરબૈજાનમાં કિઝ કલાસી અને ખોદાફરિન ડેમનું ઉદ્ઘાટન કરવા માટે ગયા હતા. જે બાદ તેઓ પોતાના સ્ટાફની સાથે તબરેઝ શહેર તરફ જઇ રહ્યા હતા. તબરેઝ ઇરાનના પૂર્વી અઝરબૈઝાન પ્રાંતની રાજધાની છે. આ દરમિયાન રસ્તામાં જ તેમનું હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું હતું. 

ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસી ઇઝરાયેલ સાથે તંગદીલી વચ્ચે ભારે સુરક્ષા વચ્ચે રહેતા હતા, આ અકસ્માત પાછળ કોઇ કાવતરુ હોવા અંગે પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે અમેરિકાએ દાવો કર્યો છે કે ખરાબ હવામાન અને પાયલટની બેદરકારીને કારણે આ અકસ્માત થયો છે. ઇરાનનું એર ટ્રાંસપોર્ટ સુરક્ષાની દ્રષ્ટીએ ખરાબ રેકોર્ડ ધરાવે છે. રાષ્ટ્રપતિ રઇસી બેલ ૨૧૨ હેલિકોપ્ટરમાં સવાર હતા, આ મોડલના હેલિકોપ્ટર અમેરિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. અમેરિકા અને ઇરાન વચ્ચે પણ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળથી વિવાદ શરૂ થયો હતો. 

૬૩ વર્ષીય ઇબ્રાહિમ રઇસીના મોતને પગલે હાલ ઇરાનની સત્તા ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મુખબરને સોંપવામાં આવી છે. જોકે નિયમ મુજબ ૫૦ દિવસની અંદર ચૂંટણી યોજવામાં આવશે. ઇબ્રાહિમ રઇસીનો જન્મ ઉત્તર પૂર્વી ઇરાનના મશહદ શહેરમાં ૧૯૬૦માં જન્મ થયો હતો. રઇસીના પિતા એક મૌલવી હતા. જોકે રઇસી જ્યારે પાંચ વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું મોત નિપજ્યું હતું. રઇસીએ બાદમાં શિક્ષણ પર ધ્યાન આપ્યું, ૧૯૭૯માં ઇરાનમાં સત્તા પરિવર્તન થયું અને એક ઇસ્લામિક અથવા તો શરિયત કાયદા આધારીત સત્તાનું શાસન સ્થપાયું જે સમયે રઇસી તત્કાલીન સરકારમાં સક્રિય થયા હતા. 

જોકે રઇસીના શાસનકાળ દરમિયાન મહિલાઓ પર આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યા, તાજેતરમાં જ મહિલાઓ પર થોપવામાં આવેલા કડક નિયમોને કારણે સમગ્ર ઇરાનમાં વિશાળ આંદોલન થયંુ હતું જેમાં ૫૦૦ લોકો માર્યા ગયા હતા. રઇસીની દેખરેખ હેઠળ જ ઇઝરાયેલ પર એક સાથે આશરે ૩૦૦ જેટલી મિસાઇલો અને ડ્રોન છોડવામાં આવ્યા હતા. હાલ ઇરાનમાં માતમ છવાયો છે. જે પણ લોકો આ અકસ્માતમાં માર્યા ગયા છે તેમાં ઇરાનના રાષ્ટ્રપતિ ઉપરાંત વિદેશ મંત્રી હોસૈન, ઇસ્ટ અઝેરબૈજાનના રાજ્યપાલ, અન્ય અધિકારીઓ અને સુરક્ષાકર્મચારીઓનો સમાવેશ થાય છે. પાકિસ્તાને એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી દુ:ખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ દુ:ખદ સમયે ભારત ઇરાનની સાથે છે. ઇજિપ્ત, જોર્ડન, અમેરિકા, બ્રિટન તેમજ અન્ય ઇસ્લામિક દેશોએ પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું.

સીરિયામાં જનરલના મોત બાદ ઇઝરાયેલ સાથે વિવાદ વધ્યો હતો

ઇઝરાયેલે ૧ એપ્રીલના રોજ સીરિયાના દમાસ્કસમાં ઇરાનના કોન્સ્યૂલેટ પર હવાઇ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇરાની સૈન્યના જનરલ મોહમ્મદ રેઝા ઝાહેદી સહિત છ લોકોનું મોત નિપજ્યું હતું. આ હુમલા બાદ ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે તંગદીલી વધી હતી. બાદમાં ઇરાને બદલો લેવા માટે ઇઝરાયેલ પર એક સાથે ૩૦૦ જેટલી મિસાઇલોથી હુમલો કર્યો હતો. જોકે ઇઝરાયેલે તમામ મિસાઇલોને હવામાં જ તોડી પાડી હતી. 

બાદમાં ઇઝરાયેલે પણ આ હુમલાનો વળતો જવાબ આપવાની જાહેરાત કરી હતી. હાલમાં ઇરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળ ઇઝરાયેલનો હાથ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ ઇઝરાયેલ દ્વારા સીરિયામાં ઇરાનના જનરલ પર કરેલા હુમલાથી બન્ને દેશો વચ્ચે વિવાદ શરૂ થયો હતો. જે હજુ પણ ચાલી રહ્યો છે.


Google NewsGoogle News