ટ્રમ્પની ધમકીથી ભારત સહિત 9 દેશો ટેન્શનમાં! વેપાર કરવો મુશ્કેલ થઈ જશે, 100% ટેરિફ લાદશે!
Donald Trump Warning: અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે (30મી નવેમ્બર) બ્રિક્સ દેશોને ધમકી આપી છે. તેમણે કહ્યું કે, 'જો નવ દેશો (બ્રિક્સ દેશો) અમેરિકન ડોલરને નબળો પાડવાનો પ્રયાસ કરશે તો તેમના પર 100% ટેરિફ લાદવામાં આવશે.' આ ધમકી બ્રિક્સમાં જોડાયેલા દેશો માટે છે, જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઈજિપ્ત, ઈથોપિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે.
તુર્કીએ, અઝરબૈજાન અને મલેશિયાએ બ્રિક્સના સભ્ય બનવા માટે અરજી કરી છે અને અન્ય ઘણાં દેશો પણ તેમાં જોડાવા ઈચ્છે છે. જો કે, અમેરિકન ડોલર અત્યાર સુધીમાં વૈશ્વિક વેપારમાં સૌથી વધુ વપરાતું ચલણ છે અને ભૂતકાળમાં પડકારો હોવા છતાં તેની શ્રેષ્ઠતા જાળવી રાખવામાં સફળ રહી છે.
...તો ગુડબાય માટે તૈયાર રહોઃ ટ્રમ્પ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે, 'બ્રિક્સ દેશો ડોલરથી દૂર જવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમને આ દેશો તરફથી પ્રતિબદ્ધતાની જરૂર છે કે તેઓ ન તો નવી બ્રિક્સ ચલણનો ઉપયોગ કરશે. જો તેઓ એમ કરે છે, તો તેમને 100% ટેરિફનો સામનો કરવો પડશે. તેઓ અમેરિકન અર્થતંત્રમાં ઉત્પાદનો વેચવા માટે ગુડબાય કહેવા માટે તૈયાર હોવા જોઈએ. એવી કોઈ શક્યતા નથી કે બ્રિક્સ આંતરરાષ્ટ્રીય વેપારમાં અમેરિકન ડોલરનું સ્થાન લેશે અને જે પણ દેશ આવું કરવાનો પ્રયાસ કરે છે તેણે યુએસને અલવિદા કહી દેવું જોઈએ.'
ભારત માટે ચિંતાજનક
ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી ભારત જેવા વિકાસશીલ દેશ માટે પણ ચિંતાજનક છે કારણ કે ભારત માત્ર અમેરિકાથી માલસામાનની આયાત છે. આ ઉપરાંત મોટી માત્રામાં ઘણી વસ્તુઓની નિકાસ પણ કરે છે. જો આંકડાઓ પર નજર કરીએ તો, નાણાકીય વર્ષ 2023-24માં ભારત અને અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 118.3 બિલિયન અમેરિકન ડોલર હતો. આ દરમિયાન ભારતે અમેરિકાને 41.6 અબજ ડોલરની નિકાસ કરી હતી.
આ પ્રસ્તાવથી ટ્રમ્પ નારાજ!
બ્રિક્સના સભ્યો અને અન્ય વિકાસશીલ દેશોનું કહેવું છે કે,'વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં અમેરિકાના વર્ચસ્વથી કંટાળી ગયા છે. બ્રિક્સ દેશો અમેરિકન ડોલર અને યુરો પર વૈશ્વિક નિર્ભરતા ઘટાડીને તેમના આર્થિક હિતોને વધુ સારી રીતે આગળ વધારવા માંગે છે.'
ઓગસ્ટ 2023માં દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સમિટ યોજાઈ હતી, ત્યારે બ્રિક્સ દેશોએ પોતપોતાનું ચલણ રજૂ કરવા અંગે ચર્ચા કરી હતી અને બ્રિક્સ દેશો વચ્ચે પરસ્પર વેપાર અને રોકાણ માટે એક સામાન્ય ચલણ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવથી ટ્રમ્પ નારાજ છે.