Israel-Hamas યુદ્ધમાં સંયુક્ત રાષ્ટ્રના 89 કર્મચારીનાં મોત, આ UNના ઈતિહાસનો સર્વોચ્ચ આંકડો
મિડલ ઈસ્ટમાં પેલેસ્ટાઈની શરણાર્થીઓ માટે કાર્યરત સંયુક્ત રાષ્ટ્ર રાહત તથા બચાવ કાર્ય એજન્સી (UNRWA)એ આ માહિતી આપી હતી
15 લાખ ગાઝાવાસીઓ વિસ્થાપિત થયા, લોકો રાહત કેમ્પમાં રહેવા મજબૂર
image : IANS |
Israel vs Hamas war Updates | મહિના અગાઉ શરૂ થયેલા ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધમાં એક માઠા સમાચાર આવ્યા છે. આ યુદ્ધમાં સંયુક્ત રાષ્ટ્ર (UN)ના 89 જેટલાં કર્મચારીઓ પણ માર્યા છે. UNના ઈતિહાસમાં કોઈ યુદ્ધમાં માર્યા ગયેલા સંયુક્ત રાષ્ટ્રના કર્મચારીઓનો આ સર્વોચ્ચ આંકડો છે. મિડલ ઈસ્ટમાં પેલેસ્ટાઈની શરણાર્થીઓ માટે કાર્યરત સંયુક્ત રાષ્ટ્ર રાહત તથા બચાવ કાર્ય એજન્સી (UNRWA)એ આ માહિતી આપી હતી.
UNRWAના રિપોર્ટમાં ખુલાસો
UNRWAએ આ મામલે એક નવો રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં જણાવાયું હતું કે 7 ઓક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધને લીધે ગાઝા પટ્ટીમાં લગભગ 15 લાખ લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે. ઉત્તર ગાઝાના તમામ પાંચેય પ્રાંતમાં 149 UNRWAના કેમ્પમાં આશરે 725000 લોકોએ શરણ લીધી છે.
UNRWAની સ્કૂલો પર થયા હુમલા
માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં ઈઝરાયલી સૈન્યના હવાઈ હુમલાના નિશાને UNRWAની સ્કૂલ પણ લપેટમાં આવી હતી. આ ઘટનામાં સ્કૂલમાં આશ્રય લેનારા આંતરિક રીતે વિસ્થાપિત લોકોમાંથી એકનું મોત નીપજ્યું હતું અને અનેક ઘવાયા હતા. આ મામલે સંયુક્ત રાષ્ટ્રના કાર્યાલયે જણાવ્યું કે ગાઝામાં UNના કેમ્પમાં વધતી જતી લોકોની ભીડે ચિંતા વધારી દીધી છે.