બળવા વચ્ચે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારને મંજૂરી, દેખાવકાર વિદ્યાર્થીઓનું આ વ્યક્તિને સમર્થન
Image Twitter |
Bangladesh New Prime Minister : બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ બાદ વચગાળાની સરકારને મંજૂરી મળી ગઈ છે. નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. દેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનની અધ્યક્ષતામાં બંગા ભવન (પ્રેસિડેન્ટ હાઉસ) ખાતે એક બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ વચગાળાની સરકારનું નેતૃત્વ કરવાના મોહમ્મદ યુનુસના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. અનામત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા વિદ્યાર્થી નેતાઓની સાથે ત્રણેય સેનાના વડાઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી.
શેખ હસીના ભારત ભાગી ગયા છે...
બાંગ્લાદેશમાં સરકાર વિરોધી વ્યાપક પ્રદર્શનો વચ્ચે વડા પ્રધાન શેખ હસીનાએ અચાનક રાજીનામું આપી દેશ છોડીને ભાગી ગયા હતા અને તેના એક દિવસ પછી સ્ટૂડેન્ટ્સ અગેંસ્ટ ડિસ્ક્રિમિનેશન (વિદ્યાર્થીઓ વિરુદ્ધ ભેદભાવ) ના નેતાઓએ કહ્યું કે, તેઓ નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મુહમ્મદ યુનુસને દેશની વચગાળાની સરકારના પ્રમુખ બનાવવા માંગે છે.
આંદોલનના મુખ્ય સંયોજકોમાંથી એક નાહિદ ઇસ્લામે સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વીડિયોમાં કહ્યું હતું કે, તેમણે યુનુસ (84) સાથે પહેલા જ વાત કરી હતી અને તે બાંગ્લાદેશને બચાવવા માટે આ મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળવા માટે તૈયાર થયા છે.
અમે આઝાદ થઈ ગયા છીએ : ડૉ. યુનુસ
શેખ હસીના બાંગ્લાદેશ છોડવા પર ડૉ. યુનુસે કહ્યું, "અમે આઝાદ થઈ ગયા છીએ અને હવે અમે એક આઝાદ દેશ છીએ. જ્યાં સુધી તેઓ અહીં હતા, અમે તેમના કબજામાં હતા. તે એક કબજો કરનાર સત્તા, એક તાનાશાહ, એક સેનાપતિ તરીકે વ્યવહાર કરી રહી હતી. તે બધું નિયંત્રિત કરી રહી હતી."
મુહમ્મદ યુનુસ વચગાળાની સરકારમાં મુખ્ય સલાહકાર હશે
નાહિદ ઇસ્લામે કહ્યું, "અમે નિર્ણય કર્યો છે કે, એક વચગાળાની સરકાર બનાવવામાં આવશે, જેમાં આંતરરાષ્ટ્રીય લેવલે ખ્યાતિપ્રાપ્ત નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મુહમ્મદ યુનુસ મુખ્ય સલાહકાર હશે. તેમની વ્યાપક સ્વીકૃતિ છે."
કોણ છે મુહમ્મદ યુનુસ?
ગરીબ લોકો માટે બેંકિંગ સુવિધાઓ આપવાના યુનુસના પ્રયોગે બાંગ્લાદેશને માઇક્રો ક્રેડિટનું કેન્દ્ર હોવાની ઓળખ આપવી હતી. જો કે, યુનુસ હાલમાં દેશની બહાર છે, પરંતુ તેણે હસીનાની હકાલપટ્ટીનું સ્વાગત કર્યું અને આ ઘટનાક્રમને દેશ "બીજી મુક્તિ" ગણાવી હતી.
ગરીબોનું જીવન ઉજાગર કર્યું
યુનુસને ગ્રામીણ બેંકના માધ્યમથી ગરીબી નાબૂદી અભિયાન શરુ કર્યું હતું તે માટે વર્ષ 2006 માં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમની આ પદ્ધતિ વિવિધ મહીદ્વીપોમાં અપનાવવામાં આવી હતી.
બાંગ્લાદેશના સત્તાવાળાઓએ વર્ષ 2011 માં વૈધાનિક ગ્રામીણ બેંકની પ્રવૃત્તિઓની સમીક્ષા શરૂ કરવામાં આવી હતી. અને સરકારી નિવૃત્તિ નિયમનનું ઉલ્લંઘન કરવાના આરોપમાં યુનુસને મેનેજિંગ ડિરેક્ટર તરીકેના પદ પર હટાવવામાં આવ્યા હતા.
મોહમ્મદ યુનુસ પર લાગેલા છે કેટલાય આરોપો
યુનુસ સામે ડઝનેક કેસમાં આરોપો મૂકવામાં આવ્યા છે. જાન્યુઆરીમાં કોર્ટે યુનુસને શ્રમ કાયદાના ઉલ્લંઘનના આરોપમાં છ મહિનાની જેલની સજા પણ ફટકારવામાં આવી હતી.
કેટલાક લોકોનું માનવું છે કે, યુનુસે વર્ષ 2007માં રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરી હતી, તે સમયે દેશમાં લશ્કરી શાસન હતું અને હસીના જેલમાં હતા. યુનુસની આ જાહેરાતથી હસીના ખૂબ જ નારાજ થયા હતા. જો કે યુનુસે તેની યોજના પર અમલ નહોતો કર્યો, તે સમયે તેમણે બાંગ્લાદેશી નેતાઓની ટીકા કરતાં આરોપ લગાવ્યો હતો કે, તેઓને માત્ર પૈસામાં રસ છે.
મોહમ્મદ યુનુસ સતત શેખ હસીનાનો વિરોધ કરતા રહ્યા
યુનુસે એક ઈન્ટરવ્યુમાં દેશમાં પરત આવીને પોતાનું કામ ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે સાથે મળીને "બાંગ્લાદેશને આઝાદ કરવા" માટે વિદ્યાર્થીઓની પ્રશંસા કરી હતી અને હસીના પર તેના પિતા અને બાંગ્લાદેશના સ્થાપક 'બંગબંધુ' શેખ મુજીબુર રહેમાનના વારસાને નષ્ટ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
હસીનાના દેશ છોડવાના સમાચાર ફેલાતાની સાથે જ સેંકડો લોકો તેના ઘરમાં ઘૂસી ગયા અને તોડફોડ કરી અને લૂંટફાટ ચલાવી. દેશમાં છેલ્લા 15 દિવસમાં સરકાર વિરોધી પ્રદર્શનમાં 300થી વધુ લોકોના મોત થયા છે.