સુદાનના દારફુર શહેરમાં યુધ્ધના કારણે 800 લોકોના મોત, સેના અને અર્ધલશ્કરી દળો આમને-સામને
Image Source: Twitter
દારફુર, તા. 12 નવેમ્બર 2023
રશિયા-યુક્રેન, ઈઝરાયેલ-હમાસ વચ્ચેના જંગની સાથે સાથે આફ્રિકન દેશ સુદાનમાં પણ હિંસાની જ્વાળાઓ દેખા દઈ રહી છે.
યુધ્ધ પ્રભાવિત દારફુર શહેરમાં પેરા મિલિટરી ફોર્સ અને તેમની સાથે સહયોગ કરનાર મિલિશિયા સંગઠનોના હુમલામાં 800 લોકોના મોત થયા હોવાનો દાવો સંયુક્ત રાષ્ટ્રે કર્યો છે.
સુદાનમાં સેના તેમજ અર્ધ લશ્કરી દળો વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી યુધ્ધ ચાલી રહ્યુ છે. આ મહિનાની શરુઆતમાં દારફુરના પશ્ચિમ હિસ્સા પર હુમલો કરાયો હતો અને તેમાં સેંકડો લોકોના મોત થયા હોવાનુ કહેવાય છે.
સૈન્ય પ્રમુખ જનરલ અબ્દુલ ફતેહ તેમજ અર્ધ લશ્કરી દળોના કમાન્ડર જનરલ મોહમ્મદ હમદાન વચ્ચેનો ટકરાવ યુધ્ધમાં ફેરવાઈ ગયો હોવાથી એપ્રિલ મહિનાથી સુદાનમાં ગૃહ યુધ્ધ ભડકી ઉઠેલુ છે.
આ પહેલા 2019માં સુદાનના શાસક ઉમર અલ બશીરને સૈન્ય વિદ્રોહ બાદ સત્તા પરથી ઉથલાવી દેવાયા હતા. જે પછી સુદાનમાં અવિરત હિંસા ચાલી રહી છે.
યુએનના કહેવા પ્રમાણે દારફુરમાં જ 800 જેટલા લોકોના મોત થયા છે અને 8000 જેટલા લોકો પાડોશી દેશમાં જતા રહ્યા છે.
ઉમર અલ બશીરની સરકારને ઉથલાવી દેવાયા બાદ સેના અને અર્ધલશ્કરી દળ એમ બંને પક્ષ દેશ પર પોતાનુ નિયંત્રણ સ્થાપવા માંગે છે અને તેના કારણે બંને વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે.