આઈસલેન્ડમાં 14 કલાકમાં 800 ધરતીકંપ, ઈમર્જન્સી લાગુ
- દુનિયાના સૌથી સક્રિય જ્વાળામુખીવાળા દેશમાં હાહાકાર
- બુધવારે અને ગુરુવારે 24 કલાકમાં 1400 આંચકા નોંધાયા, સૌથી શક્તિશાળી આંચકો 5.2ની તીવ્રતાનો
- જ્વાળામુખી ફાટવાના ડરથી બ્લૂ લગૂન લેન્ડમાર્ક અને શહેર ખાલી કરાવાયા : ભૂકંપના કારણે અનેક રસ્તામાં તિરાડો પડી
રેક્ઝાવિક : આઈસલેન્ડના ગ્રિન્ડાવિક શહેરની દક્ષિણ-પશ્ચિમમાં માત્ર ૧૪ કલાકમાં ૮૦૦ વખત ભૂકંપના આંચકા આવતા જ્વાળામુખી ફાટવાના ડરથી ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે. આઈસલેન્ડના મેટ્રોલોજિકલ વિભાગનું કહેવું છે કે આગામી દિવસોમાં આવી અનેક આપત્તિઓ આવવાનું જોખમ છે. તાજેતરના સપ્તાહોમાં ગ્રિંડાવિક નજીક ફાગ્રાડલ્સફજાલ જ્વાળામુખી આજુબાજુ ભૂકંપના હજારો આંચકા નોંધાયા છે. તકેદારીના ભાગરૂપે શહેરમાં રહેતા હજારો લોકોને શહેર ખાલી કરવા આદેશ અપાયો છે.
આઈસલેન્ડના નાગરિક સુરક્ષા અને ઈમર્જન્સી મેનેજમેન્ટ વિભાગે કહ્યું કે, નેશનલ પોલીસ ચીફે ગ્રિંડાવિકના ઉત્તરમાં ભૂકંપીય પ્રવૃત્તિઓના કારણે નાગરિક સુરક્ષા માટે ઈમર્જન્સીની જાહેરાત કરી છે. આઈસલેન્ડના હવામાન વિભાગે કહ્યું કે બુધવારે અને ગુરુવાર વચ્ચે ૨૪ કલાકમાં રિક્ટર સ્કેલ પર ભૂકંપના લગભગ ૧૪૦૦ આંચકા નોંધાયા હતા જ્યારે મેટ ઓફિસના જણાવ્યા મુજબ શુક્રવાર પહેલાં ૧૪ કલાકમાં ૮૦૦ વખત ધરતી ધ્રુજી હતી, જેના કારણે ઘરના બારીના કાચ તૂટી ગયા હતા અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
આઈસલેન્ડના હવામાન વિભાગે જણાવ્યું હતું કે, શુક્રવારે અંદાજે ૫.૩૦ કલાકે રાજધાની રેકજાવિકથી લગભગ ૪૦ કિ.મી. દૂર ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા, જેમાં સૌથી જોરદાર આંચકો રિક્ટર સ્કેલ પર ૫.૨ની તિવ્રતાનો હતો.
આ આંચકાઓના પગલે અધિકારીઓએ ભૂકંપીય પ્રવૃત્તિ વધવાના કારણે નજીકનું બ્લૂ લગૂન લેન્ડમાર્ક બંધ કરી દીધું. આઈસલેન્ડ મેટ ઓફિસે આશંકા વ્યક્ત કરી છે કે ક્ષેત્રમાં જમીનની અંદર મોટા પ્રમાણમાં લાવા ફેલાઈ રહ્યો છે અને કોઈપણ સમયે તે ધરતીની સપાટી તોડીને બહાર આવી શકે છે. આઈસલેન્ડની નાગરિક સુરક્ષા એજન્સીએ કહ્યું કે ગ્રિન્ડાવિકને ખાલી કરવાનો નિર્ણય ત્યારે લેવાયો હતો જ્યારે આઈએમઓએ સંભાવના વ્યક્ત કરી છે લાવા શહેર સુધી પહોંચી શકે છે.
ગ્રિંડાવિક શહેરમાં લગભગ ૪,૦૦૦ જેટલી વસતી છે જ્યાં મોટાભાગના રસ્તા ઈમર્જન્સી સ્થિતિ સિવાય અન્ય કારણોથી બંધ છે. ભૂકંપના આંચકાઓના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર ગ્રિનવિચ છે. ભૂકંપના કારણે અહીં રસ્તાઓ પર પણ તિરાડો પડી ગઈ છે. તેથી પોલીસે ગ્રિનવિચ જતા બધા જ રસ્તા બંધ કરી દીધા છે.
આઈસલેન્ડ દુનિયાના સૌથી વધુ સક્રિય જ્વાળામુખીવાળો દેશ છે. અહીં અંદાજે ૩૦ સક્રિય જ્વાળામુખી છે. જુલાઈમાં ફગ્રાડલ્સફજાલના લિટલી હ્રુતુર અથવા લિટિલ રામ, જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો, જેણે દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષિત કર્યા હતા. અહીં વર્ષ ૨૦૨૧, ૨૦૨૨ અને ૨૦૨૩માં સતત જ્વાળામુખી વિસ્ફોટ થયા હતા. આ પહેલાં આ જ્વાળામુખી આઠ સદી સુધી નિષ્ક્રિય રહ્યા હતા.
દિલ્હી-એનસીઆરમાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ
દિલ્હીમાં ફરી એક વખત ભૂકંપના આંચકાથી ધરતી ધ્રુજી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા ૨.૬ નોંધાઈ હતી. ઉત્તર દિલ્હીમાં લોકોને બપોરે ૩.૩૬ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેને પગલે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ તેનું કેન્દ્ર ઉત્તરીય દિલ્હીમાં જમીનની સપાટીથી ૧૦ કિ.મી. નીચે હતું. ગયા સપ્તાહે પણ દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, પરંતુ તેનું કેન્દ્રબિંદુ નેપાળમા ંહતું. આ પહેલાં ૩ નવેમ્બરે રાતે ૧૧.૪૦ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારે પણ નેપાળમાં ૬.૪ની તીવ્રતાથી ધરતી ધ્રુજી હતી. દિલ્હી-એનસીઆર ક્ષેત્ર ભૂકંપ-૪ ઝોન હેઠળ આવે છે, જ્યાં ભૂકંપને વધુ જોખમી માનવામાં આવે છે.