ઇદ વચ્ચે ગાઝામાં 80નાં મોત, ટ્રમ્પ નેતન્યાહુ પર હુમલાની હમાસની ધમકી
- 48 કલાકમાં ઇઝરાયેલના હુમલામાં 305થી વધુ ઘાયલ
- હમાસ વિરોધી પ્રદર્શનોમાં જોડાવા બદલ આતંકી સંગઠને છ લોકોને ફાંસીએ લટકાવ્યાના અહેવાલ
તેલ અવિવ: એક તરફ મુસ્લિમો ઇદની ઉજવણી કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ભુખમરા વચ્ચે ગાઝાવાસીઓ પર ઇઝરાયેલ દ્વારા બોમ્બમારો કર્યો હતો. ઇઝરાયેલના આ હવાઇ હુમલામાં છેલ્લા ૪૮ કલાકમાં ૮૦ પેલેસ્ટાઇન નાગરિકો માર્યા ગયા હતા. જ્યારે ૩૦૦થી વધુ ઘવાયા હતા તેમ ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો હતો. ખંડેર થઇ ગયેલા ગાઝામાં હજુ લાખો મુસ્લિમો છે જેમણે આ સ્થિતિ વચ્ચે પણ ઇદ ઉજવવા પ્રયાસ કર્યો હતો. જ્યારે આતંકી સંગઠન હમાસે હવે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલ પ્રમુખ નેતન્યાહુ પર હુમલા માટે લોકોને ઉશ્કેર્યા હતા.
દુનિયામાં જ્યાં પણ હોવ હથિયાર ઉઠાવો, ટ્રમ્પ અને નેતન્યાહુ લોકોને ભૂખ્યા મારી નાંખશે ઃ હમાસનો દાવો
હમાસ-ઇઝરાયેલ યુદ્ધ અચાનક ઘેરૂં બની રહ્યું છે. રમઝાન ઈદના દિવસે પણ ઇઝરાયલે ગાઝાવાસીઓ પર એરસ્ટ્રાઈક કરી છે. આજના ઈદના પવિત્ર દિવસે ઇઝરાયેલ જબરજસ્ત બોમ્બ વર્ષા કરી હતી. આથી હમાસે પણ તેનું રૂખ તેજ કર્યું છે. વાસ્તવમાં ટ્રમ્પે ઘડેલી યોજના પ્રમાણે ગાઝા-પટ્ટીમાં રહેલા આશરે ૨૪ લાખ જેટલા પેલેસ્ટાઈનીઓને ત્યાંથી ઈજિપ્ત અને જોર્ડનમાં મોકલી દઈ સમગ્ર ગાઝાપટ્ટી પેલેસ્ટાઈનીઓ રહિત કરવાની યોજના ઘડી છે. ટ્રમ્પની આ યોજના વિરુદ્ધ હમાસે તલવાર ખેંચી છે. હમાસના નેતા સામી અબૂ જુહારીએ દુનિયાભરમાં રહેલા તેમના સમર્થકોને હવે હથિયાર ઊઠાવવા અપીલ કરી છે. અબુ જુહારીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, આ ઘાતક યોજનાનો મુકાબલો જ કરવો પડે. આ યોજના નર-સંહાર અને ભૂખમરાને ગૂંથીને બનાવાઈ છે. તેથી જે કોઈ હથિયાર ઊઠાવી શકે તેમ હોય તેણે જે હાથમાં આવે તે વિસ્ફોટક ગોળી, ચાકુ, કે પથ્થર હાથમાં લેવાં. હવે આપણે મૌન રહી શકીએ તેમ નથી. અબુ જુહારીએ આ નિવેદન નેતન્યાહૂનાં તે નિવેદન પછી આપ્યું છે કે જ્યાં તેઓએ ગાઝાપટ્ટીમાં હજી પણ રહેલા ૨૪ લાખ જેટલા પેલેસ્ટાનીઓને ગાઝાપટ્ટી છોડવા અનુમતિ આપવાની વાત કરી હતી. એક તરફ હમાસ પેલેસ્ટાઇનના નાગરિકોનું સમર્થક હોવાનો દાવો કરી રહ્યું છે જ્યારે બીજી તરફ હમાસ વિરુદ્ધ ગાઝામાં થયેલા વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવા બદલ છ લોકોની હમાસે હત્યા કરી હોવાના અહેવાલો છે.