ઝિમ્બાબ્વેમાં સિંહોના જંગલમાં 8 વર્ષનું બાળક 5 દિવસ ભટકતો રહ્યો, જાણો કેવી રીતે જીવ્યો
Zimbabwe Child in Jungle| એક ન માની શકાય તેવી અદ્ભુત ઘટના ઝિમ્બાબ્વેમાં બની છે. માત્ર 8 વર્ષનો જ બાળક રમતા રમતા અચાનક લાયન સેકચ્યુરી વિસ્તારમા ચાલ્યો ગયો. રસ્તો શોધવા જેમ જેમ આગળ જતો ગયો તેમ તે વધુને વધુ ઊંડા જંગલમાં ઉતરતો ગયો. હવે બહાર નીકળવાનો કોઇ માર્ગ જ ન હતો.
બીજી તરફ તેનાં માતા-પિતા, ગામ લોકો અને રેન્જર્સ તેને શોધવા નીકળ્યાં પરંતુ આખો દિવસ તપાસ કરી બીજા દિવસે પણ તપાસ કરી ત્રણ ત્રણ દિવસ સુધી તપાસ કરતાં પણ પત્તો ન લાગ્યો. માતા-પિતા હતાશ થઇ ગયા.
જંગલમાં આ 8 વર્ષનો બાળક ટીનોટેન્ડા પુન્ડુ 27 મી ડિસેમ્બરે જ ખોવાઈ ગયો હતો, તે તેના ગામ પાસેનાં અભ્યારણ્યમાં પહોંચી ગયો. આ અભ્યારણ્યમાં 40 સિંહ છે. બીજા કેટલાયે વરૂ, હાથી જેવાં હિંસક જનાવરો છે. દીપડા પણ હોય છે. જંગલમાં ઝેરી સાપો અને બિચ્છુઓ હોય તે પણ સહજ છે. અહીં પુરતી તૈયારીઓ સિવાય જુવાન માણસ પણ જીવંત રહી શકે નહીં, અને તે પણ 5-10ની સંખ્યામાં જાય તો જ સહિસલામત રહે છે. સાથે પુરતાં શસ્ત્રો, બંદૂકો, ભાલા વગેરે હોવા જોઇએ.
આવા જંગલમાં તે એકલો અટુલો ભટકતો રહ્યો. ભૂખ લાગે તો ત્સ્વાનજ્વાના ફળો ખાઈ લેતો, આ ફળો ઘણા પૌષ્ટિક છે. પાણી તો નદી પાસે ખાડો ખોદી લેતો, રાત્રે ઝાડ નીચે સૂઈ જતો. પાંચ દિવસ પછી પોતાના ગામથી 50 કી.મી. દૂર રેન્જર્સને મળી આવ્યો ત્યારે તેણે પોતે કઇ રીતે જીવતો રહ્યો તેની વાત કરી. તેણે તેમ પણ કહ્યું કે તે વાસ્તવમાં નદીની પાસે લાંબા લાકડા (ડાળી)થી ખાડો ખોદી તેમાંથી પાણી પીતો હતો. નદીમાંથી સીધુ પાણી પીતો ન હતો. કારણ કે નદીમાં મગરમચ્છો હોવાની ભીંતિ હોય છે. તે જે રીતે જીવંત રહ્યો તે જ આશ્ચર્ય છે, ન તો જંગલી જનાવરોએ ફાડી ખાધો, ન તો ઝેરી સાપ કે બિચ્છુ કરડયા, અદ્ભુત કથની છે આ બાળકની.