લોસ એન્જલસની ભયાનક આગમાં 8નાં મોત, 5.15 લાખ કરોડનું નુકસાન, 1.50 લાખ લોકો ઘર છોડી ભાગ્યા
Los Angelas Fire | અમેરિકામાં ગયા સપ્તાહે બરફના તોફાને હાહાકાર સર્જ્યા બાદ આ સપ્તાહે કેલિફોર્નિયામાં દાવાનળે ભારે વિનાશ વેર્યો છે. ક્લાઈમેટ ચેન્જ કેવો વિનાશ સર્જી શકે તેનું તાજું ઉદાહરણ લોસ એન્જલસમાં બુધવારથી શરૂ થયેલી આ આગ છે, જેના પર હજુ સુધી નિયંત્રણ મેળવી શકાયું નથી. સૌથી ધનાઢ્ય શહેરોમાંના એક લોસ એન્જલસના જંગલોમાં છ સ્થળો પર 17000 એકરમાં લાગેલી આગના કારણે 8 લોકોનાં મોત થયા છે. આ દુર્ઘટનાથી અમેરિકાને 5700 કરોડ ડોલર અંદાજે 5.15 લાખ કરોડનું નુકસાન થયાનું અનુમાન છે. નેશનલ વેધર સર્વિસે દક્ષિણ કેલિફોર્નિયામાં 1.6 કરોડ લોકો માટે રેડ ફ્લેગ વોર્નિંગ જારી કરી છે.
કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં બુધવારે સૌથી પહેલાં પેસિફિક પેલિસેડ્સના જંગલો અને અલ્ટાડેનામાં લાગેલી આગ તિવ્ર ગતિએ ફેલાતા કલાકોમાં જ તેણે આજુબાજુના અનેક વિસ્તારોને ઝપેટમાં લઈ લીધા હતા. આગના કારણે 1.50 લાખથી વધુ લોકોએ તેમના ઘર છોડીને ભાગવું પડયું છે. લગભગ સતત બે દિવસથી વિકરાળ સ્વરૂપ ધારણ કરેલી આ આગ 25000 એકરમાં ફેલાઈ હતી અને લોસ એન્જલસના ઈતિહાસની સૌથી ભયાનક દુર્ઘટના બની ગઈ છે. સાંતા એના હવાઓ અને શુષ્ક હવામાને આગને ભડકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટના કેપ્ટન એરિક સ્કોટે જણાવ્યું હતું કે, ફાયર ફાઈટર્સ આગ પર કાબુ મેળવે તે પહેલાં પ્રતિ કલાક 70 કિ.મી.ની ગતિએ ચાલેલી હવાથી જંગલની આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને જંગલોથી લઈને ઊંચી-ઊંચી ઈમારતો અને આલિશાન બંગ્લા બધાને ઝપેટમાં લઈ લીધા. હોલિવૂડ હિલ્સ પણ આગની જ્વાળાઓથી ઘેરાઈ ગઈ હતી. આ આગમાં 2000થી વધુ ઈમારતો ખાખ થઈ ગઈ છે અને 28000થી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું છે. આ સિવાય આ વિસ્તારમાં હોસ્પિટલો અને એક ડઝનથી વધુ સ્કૂલો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી.
As fires rage in Los Angelas it’s important to remember Mayor Karen Bass cut over $17 MILLION from the Fire Department’s budget, redirecting funds to the homeless. pic.twitter.com/02lzxl7Jmh
— Kevin Dahlgren 🥾 🥾 (@kevinvdahlgren) January 9, 2025
પેલિસેડ્સ ફાયર 15000 એકરમાં ફેલાઈ ગઈ છે. લોસ એન્જલસના સિટી ફાયર ચીફ ક્રિસ્ટિન ક્રોલેએ જણાવ્યું કે, તેઓ લોસ એન્જલસ શહેર અને સમગ્ર પ્રાંતમાં આગ પર નિયંત્રણ મેળવવામાં સંઘર્ષ અનુભવી રહ્યા છે. આગનું વિકરાળ સ્વરૂપ જોતાં લોકો માટે રેડ ફ્લેગ વોર્નિંગ જાહેર કરાઈ છે અને આગ હજુ વધુ ભયાનક બનવાના એંધાણ છે.
લોસ એન્જલસના રહેણાંક વિસ્તારમાં તીવ્ર ગતિએ આગ ફેલાવાનું મુખ્ય કારણ ખૂબ જ નજીક નજીક બનેલી ઈમારતો હતી, જેને પગલે ઘાસના મેદાનોનો સફાયો થઈ ગયો છે, જેથી હવામાન સૂકું રહે છે. વધુમાં પાણીની અછતને કારણે પણ આગ હોલવવામાં ફાયર ફાઈટર્સને મુશ્કેલી પડી રહી છે.