2024માં ભારત સહિત 78 દેશોમાં ચૂંટણીઓ, 4.2 અબજ લોકો મતાધિકારનો ઉપયોગ કરશે
image : Twitter
નવી દિલ્હી,તા.21 ડિસેમ્બર 2023,ગુરૂવાર
2024ના વર્ષને આંતરરાષ્ટ્રીય ચૂંટણી વર્ષ જાહેર કરવુ પડે તેવી સ્થિતિ છે.
કારણકે 2024માં ભારત સહિત દુનિયાના 78 દેશોમાં વિવિધ ચૂંટણીઓ યોજાવાની છે. વોશિંગ્ટન સ્થિત થિન્ક ટેન્ક એટલાન્ટિક કાઉન્સિલના કહેવા પ્રમાણે 2024 પછી છેક 2048માં જ આ પ્રકારનો સંયોગ જોવા મળશે. આમ બીજા 24 વર્ષ સુધી એક જ વર્ષમાં આટલી સંખ્યામાં ચૂંટણીઓ નહીં યોજાય.
ભારતીય ઉપખંડમાં જે દેશોમાં ચૂંટણી યોજાવાની છે તે દેશોમાં ભારત ઉપરાંત, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. સાથે સાથે પૂર્વ એશિયામાં ઈન્ડોનેશિયામાં પણ 2024માં ચૂંટણી થશે.
મે મહિનામાં દક્ષિણ આફ્રિકામાં તેમજ આફ્રિકા ખંડમાં અલ્જિરિયા, બોત્સવાના, ચાડ, કોમોરોસ, ઘાના, નામીબિયા, રવાન્ડા, સેનેગલ, સોમાલીલેન્ડ, દક્ષિણ સુદાન, ટ્યૂનીશિયા અને ટોગો દેશમાં પણ ચૂંટણીઓ યોજાશે.
યુરોપની વાત કરવામાં આવે તો ફિનલેન્ડ, બેલારુસ, પોર્ટુગલ, યુક્રેન, સ્લોવાકિયા, લિથુઆનિયા, આઇસલેન્ડ, બેલ્જિયમ, યુરોપિયન સંસદ, ક્રોએશિયા, ઑસ્ટ્રિયા, જ્યોર્જિયા, મોલ્ડોવા અને રોમાનિયા એમ દસ દેશોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે.
2024માં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે. જેના પર દુનિયાની નજર રહેશે. સાથે સાથે યુરોપિયન યુનિયન સાથે સંકળાયેલા 27 દેશોમાં પણ લોકો ચૂંટણીમાં મતદાન કરશે. જેમાં ફ્રાંસ, જર્મની અને સ્વીડન જેવા મોટા દેશો પણ સામેલ છે.
દુનિયાની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતમાં એપ્રિલ-મે દરમિયાન લોકસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. આ ચૂંટણી પર પણ દુનિયાના રાજકીય નિષ્ણાતોનુ ધ્યાન રહેશે.
કુલ મળીને દુનિયાના 4.2 અબજ મતદાતાઓ મતદાન થકી પોતાના દેશના ભવિષ્યનો ફેંસલો કરવા જઈ રહ્યા છે.