72 પુરુષોએ મારી માતા પર દુષ્કર્મ કર્યું, પિતાએ જ કરાવ્યું', પુત્રીની કોર્ટમાં કબૂલાતાથી ખળભળાટ
French Woman Rape: ફ્રેન્ચ મહિલાના પતિએ તેને અનેક વખત ડ્રગ્સ આપીને લગભગ 72 પુરુષો દ્વારા તેનો બળાત્કાર કરાવ્યો હતો. 72 વર્ષીય ડોમેનિક પેલિકોટ નામના વિકૃતે 2011 થી 2020 વચ્ચે પત્નીને હવસખોરોને હવાલે કરવાની સાથે દીકરીની અન્ડરવેરમાં તસવીરો કિલક કરી હતી. આ દાવો ડોમેનિક પેલિકોટની પુત્રીએ કોર્ટમાં કર્યો હતો. તેને ડર હતો કે, માતાની જેમ હવે પિતા તેને પણ હવસખોરોને હવાલે કરી દેશે.
ફ્રાંસની કોર્ટમાં પુત્રીના કબૂલનામાથી ખળભળાટ
એક રિપોર્ટ મુજબ, 2 નવેમ્બર, 2020ના રોજ લંપટ ડોમિનિક એક સુપરમાર્કેટમાં ત્રણ મહિલાઓના સ્કર્ટ ઉપર કરીને વીડિયો ઉતારતા રંગે હાથે ઝડપાયો હતો. ત્યારબાદ, તેને 48 કલાક માટે લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. તપાસ અધિકારીએ કોર્ટને જણાવ્યું કે, ડોમિનિકે પત્નીને ટ્રાન્ક્વીલાઈઝરની દવા પીવડાવીને તેનો બળાત્કાર કરવા માટે ઓનલાઈન બોલીઓ મંગાવી હતી.
ડોમિનિકે તેની દીકરી સાથે 2013માં એક ફિલ્મ પણ બનાવી હતી. તેણે આ તમામ વીડિયો અને ફોટોઝને તેના કમ્પ્યુટરમાં 'માય ડોટર નેકેડ' નામના ફોલ્ડરમાં સેવ કર્યા હતાં. ડોમિનિકની પત્નીના વીડિયો અને ફોટોને 'હર રેપિસ્ટ' અને 'અબ્યુઝ'ના નામથી સેવ કરવામાં આવ્યા હતા.
પોલીસને 200 રેપની 20,000થી વધુ તસવીરો મળી આવી
પોલીસને કેસની તપાસ દરમિયાન ડોમિનિકની પત્ની પર 72 અલગ-અલગ પુરુષો દ્વારા કરવામાં આવેલા જાતીય હુમલાઓના દસ્તાવેજરૂપ લગભગ 20,000 તસવીરો મળી આવી હતી. ડોમિનિકની પુત્રીએ કોર્ટને જણાવ્યું કે, દવાઓની આડઅસર તરીકે તેની માતાને ભૂલવાની બીમારી થઈ ગઈ હતી. અનેક ન્યુરોલોજીસ્ટ તેની સમસ્યાનું સમાધાન શોધવામાં નિષ્ફળ રહ્યાં હતાં.
HIV ગ્રસ્ત વ્યકિત દ્વારા પણ બળાત્કાર
પોલીસના જણાવ્યા અનુસાર, ડોમેનિક પત્નીના બળાત્કારીઓને પ્રોટેક્શન પહેરવાની મનાઈ કરતો હતો. આ કેસમાં તપાસ અધિકારીઓએ બળાત્કારના લગભગ 200 કિસ્સોઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. આ કેસમાં ડોમેનિક સહિત 51ને આરોપી બનાવવામાં આવ્યા છે. જેમાંથી, 18 આરોપીઓ કસ્ટડીમાં છે. આ કેસની સુનાવણી 2 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી અને આ વર્ષે 20 ડિસેમ્બરે ચુકાદો આવવાનો છે.