700 લોકોનાં મોત, 2000થી વધુ હુમલા બાદ હવે ઈઝરાયલના આ પ્લાનથી ફફડી ઉઠશે હિઝબુલ્લાહ
Image Source: Twitter
Israel–Hezbollah Conflict: ઈઝરાયલ હમાસ યુદ્ધનું કેન્દ્ર હાલ લેબનોન બની ચૂક્યુ છે. છેલ્લા થોડા દિવસોથી ઈઝરાયલે હિઝબુલ્લાહ વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે. લેબનોનમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ પર ઈઝરાયલ સતત હુમલા કરી રહ્યું છે. ઈઝરાયલે છેલ્લા એક અઠવાડિયાની અંદર 2000થી વધુ એર સ્ટ્રાઈક કરી છે અને અત્યાર સુધીમાં આ હુમલામાં 700 લોકોના મોત થઈ ગયા છે. આટલું જ નહીં ઈઝરાયેલની સેનાએ હવે પોતાના સૈનિકોને બોર્ડર પર અડગ રહેવાનો આદેશ આપ્યો છે. ઈઝરાયેલના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઈઝરાયલ હમાસની જેમ જ જમીની હુમલો કરીને હિઝબુલ્લાહનો ખાત્મો કરવાની તૈયારીમાં છે. જો આવું થાય છે, તો તે ભયંકર યુદ્ધ હશે કારણ કે હિઝબુલ્લાહ પણ વિશ્વનું સૌથી મોટું આતંકવાદી સંગઠન છે. તેની પાસે તમામ દેશો કરતા મોટી સેના છે અને એક લાખ આતંકવાદીઓ યુદ્ધ માટે તૈયાર છે.
ભારત સરકારની કડક એડવાઈઝરી
આ વચ્ચે હવે સ્થિતિ એવી બની છે કે ભારત સરકારે પણ પોતાના નાગરિકોને તાત્કાલિક લેબનોન છોડી દેવા માટે કહ્યું છે. આ ઉપરાંત ભારતીયોને લેબનોનની યાત્રા ન કરવાની કડક સૂચના આપી છે. સ્થિતિ એવી બની ગઈ છે કે ઈઝરાયલ અને લેબનોન વચ્ચેનું આ યુદ્ધ અમેરિકા, યુરોપથી લઈને એશિયા સુધી હલચલ મચાવી શકે છે. એક તરફ અમેરિકાએ મિડલ ઈસ્ટમાં વધારાના સૈનિકો મોકલવાનું એલાન કર્યું છે તો બીજી તરફ ઈરાનનું કહેવું છે કે જો હિઝબુલ્લાહ પર જમીની હુમલો થશે તો અમે તેને દરેક રીતે સમર્થન આપીશું.
બુધવારે હિઝબુલ્લાહે ઈઝરાયલના તેલ અવીવને નિશાન બનાવ્યું હતું. હિઝબુલ્લાહે ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના હેડક્વાર્ટર પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. હવે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુનું કહેવું છે કે જ્યાં સુધી હિઝબુલ્લાહનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી અમારી સેના હુમલો કરતી રહેશે. બીજી તરફ અમેરિકાએ પોતાના સૈનિકોની સંખ્યા વધારવાની જાહેરાત કરી છે, પરંતુ ઈઝરાયલને ઓલ આઉટ વોરથી બચવાની સલાહ પણ આપી છે.
લેબનાનના નાગરિકોનું વિસ્થાપન થઈ રહ્યું છે
ઈઝરાયલી સરહદ નજીક વિસ્તારોથી લેબનોની નાગરિકોનું વિસ્થાપન ચાલુ છે. અત્યાર સુધી પાંચ લાખથી વધુ લોકો ઘર છોડીને સુરક્ષિત સ્થળોમાં શરણ ળઈ ચૂક્યા છે. યુદ્ધની આશંકા વચ્ચે ત્યાંથી લોકો પલાયન કરી રહ્યાં છે.