Get The App

ગાઝામાં ઇઝરાયેલની એરસ્ટ્રાઇકમાં 70ના મોત, હમાસના 100 આતંકી જીવતા પકડયા

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
ગાઝામાં ઇઝરાયેલની એરસ્ટ્રાઇકમાં 70ના મોત, હમાસના 100 આતંકી જીવતા પકડયા 1 - image


- હોસ્પિટલમાંથી મોટા પ્રમાણમાં દારુગોળો જપ્ત કરવામાં આવ્યો

- ઇઝરાયેલનો યુએન સહાય એજન્સી પર સહાયના ઓઠા હેઠળ આતંકવાદીઓને મદદ કરવાનો આરોપ

- હીઝબુલ્લાહના સ્થાપકોમાં એક ૭૧ વર્ષના કાસિમ નઇમ વડા તરીકે હસન નસરલ્લાહનું સ્થાન લેશે

ગાઝા : ગાઝામાં ઇઝરાયેલે પાંચ માળના મકાન પર કરેલી એર સ્ટ્રાઇકમાં ૭૦ના મોત થયા છે અને અનેક લોકો ઇજા પામ્યા છે. તેમા અડધા ઉપરાંતના મહિલાઓ અને બાળકો છે. આ ઉપરાંત ઇઝરાયેલે દાવો કર્યો છે કે તેણે ગાઝાની હોસ્પિટલમાંથી હમાસના ૧૦૦ આતંકવાદીઓને જીવતા પકડયા છે. તેની સાથે તેણે મોટાપાયા પર દારુગોળો પણ જપ્ત કર્યો છે. આમ આટલા લાંબા સમય સુધી ચાલેલા યુદ્ધ પછી પણ હમાસના આટલા આતંકી જીવતા પકડાવા તે મોટું આશ્ચર્ય છે.

આના લીધે હમાસના આતંકવાદીઓ માટે હોસ્પિટલો આશ્રયસ્થાન બની છે તેવા ઇઝરાયેલના દાવાને બળ મળ્યું છે. આઇડીએફે જણાવ્યું હતું કે હોસ્પિટલ જતી આવતી એમ્બ્યુલન્સનો ઉપયોગ તે પોતાના આવાગમન માટે કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે હમાસના આતંકવાદી હોસ્પિટલમાં હાજર છે. આખી હોસ્પિટલ પર તેમનો કબ્જો છે. આ હોસ્પિટલમાંથી લગભગ હમાસના ૧૦૦ આતંકવાદી પકડાયા છે. 

આઇડીએફે જણાવ્યું હતું કે અમે હમાસના આતંકવાદીને શંકાના આધારે પકડયો હતો. તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કમાલ અદવાન હોસ્પિટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાં શસ્ત્રોનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. આતંકાવીદો સામાન્ય લોકોની આડમાં ભાગવાનો પ્રયત્ન કરતાં હતા. તેમની પાસેથી આતંકી ભંડોળ અને ગુપ્ત દસ્તાવેજો પણ મળ્યા છે.

ગાઝાના આરોગ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે અહીંની આરોગ્ય સેવા હવે રીતસરની પડી ભાંગી છે. તેના લીધે ઇઝરાયેલના હુમલામાં ઇજા પામનારાઓની સારવાર કરવું પણ અશક્ય બન્યું છે. આ સંજોગોમાં ઇઝરાયેલ હુમલો કરે તો નાગરિકોની ખુવારીનો આંકડો વધુ મોટો થઈ શકે છે. આના પગલે આગામી દિવસોમાં ઇઝરાયેલનો હુમલો ભલે નાનો હશે, પણ તેના લીધે મરનારાનો આંકડો વધુ મોટો આવે તેવી સંભાવના પ્રબળ છે. 

લેબનોન સ્થિત આતંકવાદી જૂથ હીઝબુલ્લાહે હસન નસરલ્લાહના અનુગામી તરીકે શેખ નઇમ કાસીમની નિમણૂક કરી છે. હસન નસરલ્લાહ ૩૨ વર્ષ સુધી વડા રહ્યા બાદ ગયા મહિને ઇઝરાયેલના હુમલામાં માર્યો ગયો હતો. શૂરા કાઉન્સિલે તેની નિમણૂક કરી છે. ૭૧ વર્ષનો કાસિમ હીઝબુલ્લાહના સ્થાપકોમાં એક છે. ઇઝરાયેલે ૧૯૮૨માં લેબનોનનમાં ઘૂસણખોરી કરી તે જ વર્ષે હીઝબુલ્લાહની સ્થાપના કરવામાં આવી હતી. તે કેટલાક ટીવી ભાષણોમાં તાજેતરમાં હીઝબુલ્લાહની પીછેહઠ છતાં ઇઝરાયેલ સામે લડત જારી રાખવાની પ્રતિજ્ઞાા કરી ચૂક્યો છે. 

ઇઝરાયેલની સંસદે પેલેસ્ટાઇની નિરાશ્રિતોને મદદ કરતી યુએન એજન્સીને રોકવા માટેનો કાયદો પસાર કરતાં તેની આકરી ટીકા થઈ રહી છે. યુએન ચિલ્ડ્રન એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આનો સીધો અર્થ એમ થાય કે વધુને વધુ બાળકોને સારવાર વિના મરવા દેવામાં આવશે. યુએનઆરડબલ્યુએ એજન્સી ગાઝાપટ્ટીમાં પેલેસ્ટાઇનીઓને મદદ કરતી સૌથી મોટી એજન્સી છે. ઇઝરાયેલ તેના પર લાંબા સમયથી આતંકવાદીઓ સાથે જોડાણ હોવાનો આરોપ મૂકતું આવ્યું છે.જ્યારે યુએન એજન્સીએ આ આરોપ ફગાવી દીધા છે. 

પેલેસ્ટાઇનીઓને ડર છે કે ઇઝરાયેલ તેના ભૂતપૂર્વ જનરલોમાં એકે દર્શાવેલા આયોજન પર કામ કરી રહ્યુ છે. તે આયોજનમાં સૂચવાયું હતું કે ઉત્તરની નાગરિક વસ્તીને આખો ઉત્તરી વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપવો, પછી તેની સહાય બંધ કરાવી દેવી. આના પછી ત્યાં જે પણ હોય તેને ત્રાસવાદી સમજી લેવો.


Google NewsGoogle News