નેવીના સાત પૂર્વ અધિકારીઓની ભારત વાપસી પણ એક અધિકારીને હજી કતાર છોડવાની મંજૂરી મળી નથી
image : Socialmedia
દોહા,તા.29 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
જાસૂસીના આરોપમાં કતારની જેલમાં બંધ ભારતીય નૌસેનાના આઠ અધિકારીઓની મુક્તિ બે સપ્તાહ પહેલા થઈ ચુકી છે. આ પૈકીના સાત અધિકારીઓ ભારત પરત પણ આવી ગયા છે. જોકે હજી આઠમા અધિકારી કમાન્ડર પૂર્ણેન્દ્રુ તિવારીની ઘરવાપસી હજી બાકી છે.
કમાન્ડર તિવારી સામેનો એક મામલો હજી પેન્ડિંગ છે અને તેના પર નિર્ણય આવે તેની રાહ જોવાઈ રહી છે. જેના કારણે તેમને કતાર છોડવાની પરવાનગી હજી મળી નથી. જોકે કતાર સરકારે મુક્તિની કરેલી જાહેરાત બાદ તેમને કતારમાં પોતાના ઘરે જવાની પરવાનગી આપી દેવાઈ છે.
ભારતના અંગ્રેજી અખબારે દાવો કર્યો છે કે, એક મામલાનો ઉકેલ આવી જાય તે પછી તેઓ વર્તમાન સપ્તાહમાં કે આગામી સપ્તાહમાં ભારત પાછા ફરી શકે છે. આમ છતા તેની અગાઉથી કોઈ જાહેરાત કરવામાં નહીં આવે.
ઉલ્લેખનીય છે કે, ભારતના આઠ અધિકારીઓને ઈઝરાયેલ વતી જાસૂસી કરવાના આરોપમાં કતારની કોર્ટે મોતની સજા ફટકારી હતી અને તેના કારણે ભારતમાં ખળભળાટ વ્યાપી ગયો હતો. જોકે ભારત સરકારના હસ્તક્ષેપ બાદ આ તમામ અધિકારીઓને મુકત કરાયા હતા. ભારત સરકારે આ માટે કતારના અમીરનો આભાર પણ માન્યો હતો.