બાઇડેનની એ 7 ભૂલ, જેના કારણે અમેરિકન પ્રમુખપદની રેસમાંથી નામ પાછું ખેંચી લેવું પડ્યું

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
બાઇડેનની એ 7 ભૂલ, જેના કારણે અમેરિકન પ્રમુખપદની રેસમાંથી નામ પાછું ખેંચી લેવું પડ્યું 1 - image


Image Source: Twitter

Joe Biden: અમેરિકન પ્રમુખ જો બાઈડેને પ્રમુખ પદની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. ડેમોક્રેટિક પાર્ટીમાંથી ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરતા જ અમેરિકાના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. હવે તેમણે પ્રમુખ પદ માટે ઉપ પ્રમુખ કમલા હેરિસનું સમર્થન કર્યું છે. જો કે તેમના નિર્ણયથી એક સવાલ ઉઠ્યો છે કે તેમણે અચાનક આ નિર્ણય કેમ લીધો? ચાલો એક નજર કરીએ એ સાત મોટી ભૂલો પર જેના કારણે તેઓ ઉમેદવારી પાછી ખેંચવા મજબૂર થયા.

બાઈડેન સતત બીજી વખત ડેમોક્રેટિક પાર્ટી તરફથી પ્રમુખ પદના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. તેઓ સતત પ્રચાર પણ કરી રહ્યા છે. પરંતુ વધતી ઉંમર અને ખરાબ સ્વાસ્થ્યનો સામનો કરી રહેલા બાઈડેનની મુશ્કેલીમાં ટ્રમ્પ સાથે તેમની પ્રેસિડેન્શિયલ ડિબેટે વધારો કર્યો. આ ડિબેટ બાદ તેમના પર સતત દબાણ વધતું ગયું. છેલ્લા કેટલાક મહિનામાં એવી ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેના કારણે તેમની ફજેતી થઈ અને તેમને પ્રમુખ પદ માટે અયોગ્ય માનવા લાગ્યા. 

બાઈડેનની એ 7 ભૂલો 

1. ડેમોક્રેટિક પાર્ટી તરફથી પ્રમુખ પદના ઉમેદવાર જો બાઈડેન અને રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પ વચ્ચે ગત મહિને જૂનમાં પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ થઈ હતી. સીએનએન દ્વારા આયોજિત આ લાઈવ ડિબેટમાં ટ્રમ્પે એક રીતે બાઈડેન પર ભારે પડી ગયા હતા. આ ડિબેટમાં બાઈડેનનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. તેઓ ન તો ટ્રમ્પના દાવાઓનો સામનો કરવામાં સક્ષમ હતા કે ન તો તેઓ પોતાની વાત યોગ્ય રીતે રાખી શક્યા. તેઓ ઘણી વખત બોલતા-બોલતા ફ્રીઝ થઈ ગયા હતા. ઘણી વખત એવું પણ થયું જેમાં તેઓ ખુદ નહોતા જાણતા કે તેઓ શું બોલી રહ્યા છે. 

આ ટીવી ડિબેટના એવા ઘણાં વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા જેમાં તેમને ફ્રીઝ થતા, ગણગણાટ અને મૂંઝવણમાં જોવા મળ્યા હતા. ડિબેટમાં બાઈડેનના આ નબળા પ્રદર્શન બાદ તેમના પર ઉમેદવારી પાછી ખેંચી લેવાનું દબાણ વધી ગયું હતું. ત્યારબાદ પૂર્વ પ્રમુખ ઓબામા અને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની પૂર્વ સ્પીકર નેન્સી પેલોસીએ તેમને ઉમેદવારી પાછી ખેંચી લેવા વિનંતી કરી હતી.

2. તાજેતરમાં બાઈડેને વોશિંગ્ટનમાં યોજાયેલી નાટો સમિટમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને પુતિન અને અમેરિકાના ઉપ પ્રમુખ કમલા હેરિસને વાઈસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ કહી દીધા હતા. બાઈડેને NATOની બેઠક દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને 'પ્રમુખ પુતિન' ગણાવી દીધા હતા. જોકે, બાદમાં તેમણે પોતાની ભૂલ સુધીરી લીધી હતી. તેમણે પોતાની ભૂલ સુધારતા કહ્યું કે મારું ફોકસ પુતિનને હરાવવા પર છે.

3. તાજેતરમાં ઈટાલીના પુગ્લિયામાં યોજાયેલી G7 બેઠકમાં વૈશ્વિક નેતાઓની મુલાકાતની ઘણી તસવીરો સામે આવી હતી. આ દરમિયાન બાઈડેનના એક વીડિયોએ ખાસ કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ વીડિયોમાં બાઈડેનનું વર્તન એવું હતું કે ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ આગળ આવીને તેમને સંભાળવા પડ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે તમામ નેતાઓ એક દિશામાં ઉભા થઈને વાત કરી રહ્યા છે, જ્યારે બાઈડેન વિરુદ્ધ દિશામાં જઈને પોતાની સાથે વાત કરતા અને વિચિત્ર વર્તન કરતા નજર આવી રહ્યા છે. ત્યારબાદ મેલોની આગળ આવીને તેમને ગ્રુપમાં લઈ જાય છે.

4. પ્રમુખ બાઈડેન ગત વર્ષે જૂન મહિનામાં કોલોરાડોના યુએસ એરફોર્સ એકેડેમીના ગ્રેજ્યુએશન સમારોહમાં સામેલ થયા હતા. આ દરમિયાન બાઈડેને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ડિપ્લોમાં આપી અને તેમની સાથે હાથ મિલાવ્યા. પરંતુ ત્યારબાદ તેઓ જેવા આગળ વધ્યા તેઓ નીચે ઢળી પડ્યા હતા. વધુ ઉંમર હોવાના કારણે તેઓ ઉઠી નહોતા શક્યા અને સીક્રેટ સર્વિસના એજન્ટે તેમને આગળ આવીને ઉઠવામાં મદદ કરી.

5. તાજેતરમાં જ ઈટાલીમાં યોજાયેલી G7 મીટિંગ દરમિયાન અમેરિકન પ્રમુખ બાઈડેન બેઠા-બેઠા જ સૂઈ ગયા હતા. આ વચ્ચે તેમની બાજુની સીટ પર બેઠેલા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ પોતાની સીટ પરથી ઉઠીને તેમને ઉઠાડ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને ત્યારબાદ તેમણે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. 

6. ગત માર્ચમાં બાઈડેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેઓ ગાઝામાં સીઝફાયર જેવા ગંભીર મુદ્દા પર વાત કરતા આઈસ્ક્રીમ ખાતા નજર આવ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ તેમની ખૂબ ટીકા થઈ હતી. ગાઝા સંકટ જેવા મુદ્દા પર આઈસ્ક્રીમ ખાતા હળવા અંદાજમાં વાત કરવા પર તેમની ખૂબ નિંદા કરવામાં આવી હતી. 

7. બાઈડને આ મહિનાની શરૂઆતમાં સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિનને બ્લેક મેન કહ્યા હતા. વાત એમ છે કે, એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેઓ પોતાની સરકારના કામકાજ અંગે વાત કરી રહ્યા હતા. એ વખતે તેઓ સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિનનું નામ ભૂલી ગયા હતા અને તેમને બ્લેક મેન કહીને સંબોધિત કર્યા હતા.

81 વર્ષની ઉંમરે પણ મુશ્કેલી વધારી

જો બાઈડેન 81 વર્ષના છે. તેઓ અમેરિકાના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી વૃદ્ધ પ્રમુખ છે. તેમની આ જ ઉંમર તેમના માર્ગમાં અવરોધ બની છે. ટ્રમ્પ સહિત વિપક્ષીઓએ વારંવાર તેમના પર તેમની ઉંમરને લઈને નિશાન સાધ્યુ છે. વિપક્ષો દ્વારા એક એવું નેરેટિવ રજૂ કરવામાં આવ્યું કે, તેઓ વધતી ઉંમરના કારણે આ પદને લાયક નથી. આ જ નેરેટિવના કારણે સામાન્ય જનતામાં પણ એ જ સંદેશ ગયો કે કે પ્રમુખ અપેક્ષા પ્રમાણે યુવાન અને ઉત્સાહથી ભરેલા હોવા જોઈએ.

અમેરિકન પ્રમુખપદની ચૂંટણીને લગતા અનેક પ્રકારના સર્વેમાં માત્ર એક જ વાત સામે આવી છે કે બાઈડેન માટે ટ્રમ્પ સામે જીતવું ખૂબ જ મુશ્કેલ છે. સરકારી અને બિનસરકારી તમામ પ્રકારના મતદાન સર્વેક્ષણોમાં ટ્રમ્પને લીડ મળતી નજર આવી રહી છે. બાઈડેન રેસમાં તેમનાથી ઘણાં પાછળ હોય તેવું લાગે છે. આ સર્વેના પરિણામોએ ડેમોક્રેટિક પાર્ટીની ચિંતા વધારી દીધી હતી.



Google NewsGoogle News