તાઈવાનમાં 7.7નો ભૂકંપ : હજી સુધીમાં 4નાં મૃત્યુ નોંધાયાં; મૃત્યુઆંક ઘણો વધવાની ભીતિ

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
તાઈવાનમાં 7.7નો ભૂકંપ : હજી સુધીમાં 4નાં મૃત્યુ નોંધાયાં; મૃત્યુઆંક ઘણો વધવાની ભીતિ 1 - image


- આ ભૂકંપથી ચીનની પણ ધરા ધ્રૂજી ઊઠી

- જાપાનના ટાપુઓ પર પણ સુનામી : તાઈવાનમાં વીજળી બંધ : ટ્રેન સેવાઓ સ્થગિત કરાઈ

નવી દિલ્હી : તાઈવાનમાં આજે (બુધવારે) સવારે ૭.૭નો ભૂકંપ થયો છે. આથી પાટનગર તાઈપેમાં અનેક ઇમારતો ધરાશાયી થઇ જતાં ૪નાં મોત નોંધાયાં છે. પરંતુ, આ આંક ઘણો વધવા ભીતિ સેવાઈ રહી છે. આ ભૂકંપથી થયેલાં નુકસાનનો આંક તત્કાળ તો જાણી શકાય તેમ નથી પરંતુ વ્યાપક નુકશાન થયું હોવાની ભીતિ સહજ છે. સમગ્ર ટાપુ રાષ્ટ્રમાં વીજળી બંધ થઇ ગઇ છે. ટ્રેન સેવાઓ સસ્પેન્ડ કરાઈ છે.

આ ભૂકંપને લીધે, જાપાનના બે ટાપુઓ ઉપર તીવ્ર સુનામી ફેલાઈ ગઈ હતી. આ ભૂકંપની અસર ઓછા વત્તા પ્રમાણમાં છેક પશ્ચિમ કેનેડાનાં વાનકુવર સુધી ફેલાઈ છે. યુ.એસ.ના પશ્ચિમ તટ ઉપર પણ તેની અસર થઇ છે.

સામાન્યતઃ રીક્ટર સ્કેલ ઉપર પાંચ આંક સુધીની તીવ્રતાથી વધુ તીવ્રતાવાળા ધરતીકંપો ભારે વિનાશ સર્જે છે. જ્યારે તાઈવાનમાં તો ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ થયો હોવાથી ભારે વિનાશ થયો હશે તે નિશ્ચિત લાગે છે.

તાઈવાનની ઉત્તરે આવેલી ચીનની તળભૂમિના દક્ષિણ પૂર્વ અને પૂર્વ વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા લાગ્યા હતા.

તાઈવાનમાં લાગેલા ભૂકંપના આંચકાથી પાંચ માળની એક ઇમારત ત્રાંસી થઇ ગઈ હતી. જેની તસ્વીર સોશ્યલ મીડીયા પર વાયરલ થઇ રહી છે.

આ ભૂકંપને લીધે ફીલીપાઈન્સમાં તુર્ત જ સુનામી એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે તાઈવાનમાં સ્કૂલ કોલેજો અને સરકારી કાર્યાલયો બંધ કરાયાં છે. આ ભૂકંપને લીધે અનેક ઐતિહાસિક સ્થળોને પણ ભારે નુકસાન થયું છે. દેશની વીરાસત સમાન મિલ્કતોમાં પણ તિરાડો પડી ગઈ છે. તો કેટલીક ઢળી પણ પડી છે.

તાઈવાનનાં પાટનગર તાઈપેનાં સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશનમા ડાયરેક્ટર, વૂ-ચીએન-કૂએ જણાવ્યું હતું કે આ ભૂકંપના આંચકા સમગ્ર દેશમાં તો લાગ્યા જ હતા, પરંતુ તાઈવાનના આસપાસના ટાપુઓમાં પણ તેના આંચકા લાગ્યા હતા.

મીડીયા રીપોર્ટસ પ્રમાણે બીજાં વિશ્વયુદ્ધ પહેલાં બંધાયેલું એક સ્કૂલ બિલ્ડીંગ પણ ક્ષતિગ્રસ્ત થયું છે.

જાપાનની સૌથી મોટી એરલાઈન્સ નિપ્પન એરલાઈન્સે ઓકીનોવા અને કાગોશીમા ક્ષેત્રોમાં આવતી જતી તમામ એરલાઈન્સ સેવાઓ રદ્દ કરી છે.

તાઈવાનનો આ ભૂકંપ છેલ્લાં ૨૫ વર્ષમાં થયેલો સૌથી ભીષણ ભૂકંપ હતો. આ પૂર્વે ૧૯૯૯માં તાઈવાનની નોનત્ કાઉન્ટીમાં આવેલા ભૂકંપને લીધે ૨,૫૦૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧,૩૦૦થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા.

આ ભૂકંપને લીધે ચીનના શાંઘાઈ સુધી આંચકા લાગ્યા હતા. ઉપરાંત ચીનના ફૂઝૂ, શિયામેન ઝૂયાનઝૂ અને નિંગડેમાં પણ ધરતી ધ્રૂજી હતી.

જાપાનના યોગાગૂઈ દ્વિપ ઉપર ભૂકંપ પછી ૧૫ મિનિટે આશરે ૧ મીટર ઊંચા સુનામી ફરી વળ્યાં હતાં.


Google NewsGoogle News