જાપાનમાં 7.1નો ધરતીકંપ : હજી વધુ આંચકાની ભીતિ : સરકાર તુર્તજ સક્રિય
- સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે
- હવે પછીનો ભૂકંપ કદાચ આથી પણ વધુ જોરદાર બની રહે તેવી ભીતિ : આધુનિક ટેકનોલોજીને લીધે મકાનોને નુકસાન નથી થયું
ટોક્યો : જાપાનમાં ગુરૂવારે આવેલા ૭.૧ના પ્રચંડ ભુકંપ પછી હજી વધુ જોરદાર ભૂકંપ થવાની ભીતિ વિજ્ઞાાનીઓ દર્શાવી રહ્યાં છે. તેઓ કહે છે કે જાપાન ચાર ટેક્નિક પ્લેટ્સના જોડાણ ઉપર આવેલું હોય અહીં વારંવાર ભૂકંપ થવાની શક્યતા છે. જાપાનમાં તદ્દન નજીવા કંપન સહિત દર વર્ષે કુલ ૧૫૦૦ જેટલાં કંપનો આવે છે. ગુરૂવારે થયેલા આ ધરતીકંપમાં આશરે આઠ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી, પરંતુ આધુનિક ટેકનોલોજીથી બનાવેલા નવા મકાનોને બહુ નુકસાન થયું ન હતું. બીજી તરફ સરકાર તુર્ત જ સક્રિય બની ગઈ હતી અને આપાતકાલીન વ્યવસ્થા કામે લગાડી દીધી હતી. આ ધરતીકંપ 'મેગા ક્વેક'ની શ્રેણીમાં આવે છે. રીક્ટર સ્કેલ ઉપર ૫ અંશથી વધુ નોંધાયેલા ધરતીકંપો મેગા-ક્વેક શ્રેણીમાં મુકવામાં આવે છે.
જાપાનની મીટીઓરો લોજિકલ એજન્સી (જે.એમ.એ.) દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, 'સામાન્યત: એક મોટા ભૂકંપ પછી ઘણીવાર બીજો પણ મોટો ભૂકંપ આવે છે. પરંતુ તે આવે જ તેમ તો નિશ્ચિત રીતે કહી શકાય નહીં તેમ પણ વિજ્ઞાાનીઓનું કહેવું છે.'
આ મોટા ધરતીકંપ પહેલાં આવો જ મોટો ધરતીકંપ ૨૦૧૧માં થયો હતો.
આ ધરતીકંપ અંગે નેશનલ બ્રોડકાસ્ટર એન.એચ.કે.એ વધુ કશું કહેવાનો ઈનકાર કર્યો હતો પરંતુ, ધરતીકંપની વધુ સંભાવનાની દ્રષ્ટિએ જાપાનના વડાપ્રધાન ફુમિયો કીશીદાયે તેઓની મધ્ય એશિયાની મુલાકાત મોકૂફ રાખી છે.
આ ધરતીકંપને લીધે ટ્રાફિક લાઈટ્સ અને મોટરો હલવા લાગ્યા હતા. દક્ષિણના ટાપુ ક્યુશુમાં થયેલા આ ધરતીકંપે અભરાઈમાં રાખવામાં આવેલાં વાસણો નીચે પાડી નાંખ્યા હતા. 'ફાયર એન્ડ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી'એ જણાવ્યું હતું કે ગુરૂવારે થયેલા આ ધરતીકંપમાં ૮ લોકોને ઈજાઓ થઈ હતી તો કેટલાઓને અભરાઈઓ ઉપરથી પડેલી વસ્તુઓને લીધે ઓછી વત્તી ઈજાઓ થઈ હતી. સુનામીની ચેતવણી પણ જાહેર કરાઈ છે.