મુસ્લિમ દેશમાં બનેલા પ્રથમ હિન્દુ મંદિરમાં એક દિવસમાં 65000 લોકોએ કર્યા દર્શન, PMએ કર્યું હતું ઉદઘાટન
બસ અને કાર દ્વારા સવારે 40 હજારથી વધુ ભક્તો મંદિર પહોંચ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરીમાં જ આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું
Image Twitter |
BAPS hindu Mandir : સંયુક્ત આરબ અમીરાતના અબુ ધાબીમાં બનેલ આ ધાર્મિક સ્થળ BAPS હિંદુ મંદિર રવિવારથી જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જાણવા મળેલા આંકડા પ્રમાણે પહેલા જ દિવસે મંદિર પહોંચનારા ભક્તોની સંખ્યા 60 હજારને પાર કરી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરીમાં જ આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું.
બસ અને કાર દ્વારા સવારે 40 હજારથી વધુ ભક્તો મંદિર પહોંચ્યા
મીડિયા રિપોર્ટ પ્રમાણે બસ અને કાર દ્વારા સવારે 40 હજારથી વધુ ભક્તો મંદિર પહોંચ્યા હતા. જ્યારે સાંજે 25 હજારથી વધુ લોકો મંદિર પહોચ્યા હતાં. પરંતુ આમાં મહત્ત્વની વાત એ છે કે, આટલી મોટી સંખ્યામાં ભીડ હોવા છતાં પણ 2-2 હજાર શ્રદ્ધાળુઓની બેચ તૈયાર કરવામાં આવી હતી, જેમા કોઈ પણ જાતના ધક્કા-મુક્કી વગર દર્શન માટે લાઈનમાં રાહ જોતા મળી રહ્યા હતાં.
image Twitter |
UAEના નેતાઓ અને સ્થાનિક અધિકારીઓનો આભાર વ્યક્ત કરુ છું : બ્રહ્મબિહારીદાસ સાધુ
બ્રહ્મબિહારીદાસ સાધુના જણાવ્યા પ્રમાણે ‘આ દિવસને હકીકતમાં બદલવા માટે સંપૂર્ણ સમર્થન આપવા અને નવી બસ સેવાઓ માટે અમે UAEના નેતાઓ અને સ્થાનિક અધિકારીઓના આભારી છીએ. હું તે શ્રદ્ધાળુઓનો આભાર માનુ છું કે, તેઓ દરેકે ખૂબ જ શાંતિ જાળવી રાખી હતી. આ મંદિર આધ્યાત્મિકતા, સદ્ભાવનાનું પ્રતીકના રુપે કામ કરશે, જે દરેક લોકોને સાથે લાવશે.’
UAEનું પહેલું હિંદુ મંદિર
વર્ષ 2015માં વડાપ્રધાન મોદીની યાત્રા દરમિયાન અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ આહયનને મંદિર નિર્માણ માટે 13.5 એકર જમીન દાન કરી હતી. જે પછી 2019માં UAE સરકારે મંદિર માટે 13.5 એકર જમીન બીજી આપી હતી, જેના કારણે મંદિર માટે મળેલી જમીન કુલ 27 એકર થઈ ગઈ હતી. વર્ષ 2017માં પીએમ મોદીએ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.