5 વર્ષમાં 633 ભારતીય વિદ્યાર્થીઓના મોત, એમાંય સૌથી વધુ કેનેડામાં, શું વિદેશમાં અભ્યાસ જોખમી?

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
graduation


Indian students in Abroad: ઘણા ભારતીય વિધાર્થીઓ દર વર્ષે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુના કિસ્સાઓ સામે આવ્યા છે. આ મોતની ઘટનાઓના કારણે ભારતીય વિધાર્થીઓની સુરક્ષા બાબતે અનેક સવાલો ઊભા થાય છે. ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન કેરળના સાંસદ કોડીકુન્નીલ સુરેશે સવાલ ઉઠાવ્યો હતો.

છેલ્લા પાંચ વર્ષમાં 633 વિદ્યાર્થીઓના મૃત્યુ  

આ પ્રશ્નનો જવાબ આપતાં વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે શુક્રવારે લોકસભામાં જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં કુદરતી કારણો સહિતના વિવિધ કારણોસર વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુની 633 ઘટનાઓ બની છે. કેનેડા પછી સૌથી વધુ મૃત્યુ અમેરિકા (108), બ્રિટન (58), ઓસ્ટ્રેલિયા (57), રશિયા (37) અને જર્મનીમાં (24) થયા છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ એક વિદ્યાર્થીનું મોત થયું છે.

જો કે, અન્ય દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હિંસક હુમલા બાબતે તેમણે કહ્યું હતુ કે ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે તાજેતરના સમયમાં વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓ સામેની હિંસામાં કોઈ વધારો થયો નથી.

હિંસામાં 19 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા 

ડેટા અનુસાર હિંસા કે હુમલાના કારણે કુલ 19 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે. તેમાંથી કેનેડામાં સૌથી વધુ 9 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે. ત્યારબાદ અમેરિકામાં 6 તો ઓસ્ટ્રેલિયા, બ્રિટન, ચીન અને કિર્ગિસ્તાનમાં એકનું મૃત્યુ થયું છે. 

ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા માટે વિદેશ મંત્રાલય કરે છે આ કામ  

મૃત્યુની ઘટનાઓ બાબતે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આવી ઘટના થતાં જ ભારતીય દૂતાવાસ મામલાના સંબંધિત દેશના અધિકારીઓ સામે સવાલ ઉઠાવે છે. જેથી તેની યોગ્ય રીતે તપાસ થઈ શકે અને દોષિતોને સજા મળે. આ ઉપરાંત કટોકટી કે સંકટની સ્થિતિમાં, ભારતીય દૂતાવાસ વિદેશમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરે છે, તેમને ભોજન, રહેઠાણ, દવાઓ પૂરી પાડે છે અને શક્ય તેટલી વહેલી તકે તેમને ભારત પરત લાવવાનો પ્રયાસ કરે છે. 

આ પણ વાંચો: અમેરિકા હજારો ભારતીયો સહિત અઢી લાખ યુવાઓને દેશમાંથી કાઢી મૂકવાની તૈયારીમાં, જાણો કારણ

તાજેતરમાં જ બાંગ્લાદેશમાંથી ઘણા ભારતીય વિદ્યાર્થીઓને 'વંદે ભારત મિશન', 'ઑપરેશન ગંગા' (યુક્રેન) અને 'ઑપરેશન અજય' (ઇઝરાયેલ) દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા.

વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે, ભારતીય દૂતાવાસ વિદેશમાં અભ્યાસ કરવા જતાં ભારતીય વિદ્યાર્થીઓને પોતાની ફરિયાદો અને સમસ્યાઓનું સમયમર્યાદામાં નિરાકરણ લાવવા માટે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવામાં મદદ કરે છે. 


Google NewsGoogle News