ચીનમાં 62 વર્ષીય કારચાલકે કસરત કરી રહેલા લોકોને કચડી નાખ્યા : 35નાં મોત
- ઝુહાઇ શહેરના સ્પોર્ટસ સેન્ટરમાં બનેલી ઘટનામાં અન્ય 43 ઘાયલ
- હુમલાખોર પકડાઈ ગયો છુટાછેડા પછી સંપત્તિના વિભાજનથી નારાજ હતો
- ઘટના પછી હુમલાખોર પોતાની કારમાં છરી વડે પોતાને ઇજા પહોંચાડી : જો કે પોલીસે તેને રોકી લીધો હતો અને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો
- ગરદન સહિતના શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાના હુમલાખોર બેભાન
બેઇજિંગ/ઝુહાઇ : ચીનના ઝુહાઇમાં સ્પોર્ટ્સ સેન્ટરમાં કસરત કરી રહેલા લોકો પર ૬૨ વર્ષના કારચાલકે કાર ચઢાવી દેતાં ૩૫ લોકોનાં મોત થયા છે અને અન્ય ૪૩ લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ચીનના ઝુહાઇમાં પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય એર શો ચાલી રહ્યો છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર સાંજે ૭.૪૮ કલાકે આ ઘટના બની હતી. સ્પોર્ટસ સેન્ટરમાં કસરત કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતાં.
હુમલાખોરની ઓળખ ફેન તરીકે કરવામાં આવી છ અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ વ્યકિતએ છૂટાછેડા લઇ લીધા છે.
આ ઘટના પછી હુમલાખોર પોતાની કારમાં છરી વડે પોતાને નુકસાન પહોંચાડવાના પ્રયત્ન કરી રહ્યો હતો. જો કે પોલીસે તેને રોકી લીધો હતો અને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો.
ફેનની હજુ પર સારવાર ચાલી રહી છે અને ગરદન સહિતના શરીરના વિવિધ ભાગોમાં ઇજા પહોંચાડવાને કારણે તે બેભાન થઇ ગયો છે અને તે પોલીસના પ્રશ્રોના જવાબ આપી શકે તેવી સ્થિતિમાં નથી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે છૂટાછેડા પછી મિલકતોના થયેલા વિભાજનથી તે નારાજ હતો.
આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા ચીનના પ્રમુખ જીનપિંગે ઘાયલોની શ્રેષ્ઠ સારવાર કરવાના નિર્દેશ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ જુલાઇ મહિનામાં છાંગશા શહેરમાં એક કારે રસ્તામાં ચાલતા લોકોને કચડી નાખ્યા હતાં. જેમાં આઠ લોકોનાં મોત થયા હતાં. ૫૫ વર્ષીય કારચાલકની ધરપકડ કરી લેવામાં આવી હતી.