61 ટકા ઇન્ડિયન અમેરિકન્સ કમલા તરફે છે, 31 ટકા જ ડૉનાલ્ડ ટ્રમ્પ તરફે મત આપશે
- યુ.એસ. પોલ સીરીઝ-9
- કાર્નેગી એન્ડાઉન્મેન્ટે યુ.ગવ. સાથે હાથ ધરેલાં સર્વેક્ષણમાં જણાવ્યું છે : 2020માં 68 ટકા અમેરિકન ઇંડીયન્સ બાયડેન તરફે હતા
વૉશિંગ્ટન : અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી આડે આઠ જ દિવસ રહ્યાં છે ત્યારે કાર્નેગી એન્ડાઉન્મેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસે યુ-ગવ. સાથે હાથ ધરેલાં સર્વેક્ષણમાં જણાવ્યું છે કે ૬૧ ટકા ઇન્ડીયન-અમેરિકન્સ કમલા તરફે છે, જ્યારે ૩૧ ટકા જ ડૉનાલ્ડ ટ્રમ્પ તરફે છે.
આમ છતાં આ સર્વે જણાવે છે કે ઇંડીયન-અમેરિકન્સનો સપોર્ટ જે ૨૦૨૦માં જો બાયડેન તરફે હતો તેમાં ૭ ટકાનો ઘટાડો થયો છે. તે સમયે ૬૮ ટકા ઇંડીયન અમેરિકન્સ બાયડેન તરફે હતા. જ્યારે ૨૨ ટકા ટ્રમ્પ તરફે હતા. આમ ૨૦૨૪માં ટ્રમ્પ તરફી ઇન્ડીયન-અમેરિકન્સનાં પ્રી-પોલમાં ૯ ટકાનો વધારો જરૂર થયો છે છતાં આડ્રો-ઇંડીયન કમલા હેરિસ, ડૉનાલ્ડ ટ્રમ્પ કરતાં ઘણાં આગળ છે.
સૌથી મહત્ત્વની વાત તે છે કે આ વખતની ચૂંટણીમાં યુક્રેન-યુદ્ધ, મધ્ય-પૂર્વ યુદ્ધ અને ચીન-તાઈવાન તંગદિલી અને આર્થિક પરિસ્થિતિ તો મહત્ત્વના મુદ્દાઓ છે જ પરંતુ તે બધાથી ઉપર આ ચૂંટણીમાં મહિલાઓનાં વ્યક્તિગત-સ્વાતંત્ર્યનો મુદ્દો સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. તેમાં ગર્ભપાત અંગે કમલા હેરિસના મંતવ્ય સાથે તમામ અમેરિકન મહિલાઓ પૈકી બહુ મોટી સંખ્યામાં મત કમલાને મળે તેમ લાગે છે. ડૉનાલ્ડ ટ્રમ્પ તો ગર્ભપાતના સતત વિરોધી છે.
બીજો મહત્ત્વનો મુદ્દો વસાહતીઓની નીતિનો છે. વાસ્તવમાં કમલા હેરિસ પોતે જ વસાહતી માતા-પિતાનાં સંતાન હોવાથી વસાહતીઓ પ્રત્યે ઉદાર-વલણ રાખવા સતત અનુરોધ કરે છે. જેથી વિદેશોમાં આવીને અમેરિકામાં વસેલા અને અમેરિકાના નેચરલાઇઝડ-સીટીઝન થયેલા વસાહતીઓનો પ્રવાહ કમલા તરફે રહે તે સહજ લાગે છે.
બીજી તરફ ડૉનાલ્ડ ટ્રમ્પ વસાહતીઓ-ગેરકાયદે ઘૂસી આવેલા વસાહતીઓના ઊગ્ર વિરોધી છે. તેમાંયે દુનિયાના છ દેશોમાંથી ઘૂસી આવેલા વસાહતીઓને તો તેઓ તેમને તેમનાં દેશોમાં પાછા મોકલી દેવા ભારપૂર્વક જણાવે છે, બાયડેને પણ તે વાત સ્વીકારી તેવાં વસાહતીઓને પાછા મોકલવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જેથી મૂળ અમેરિકન્સ ડેમોક્રેટ્સ પ્રત્યે થોડાં સંતુષ્ટ છે.
આ સ્થિતિમાં ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હેરિસ જો અમેરિકાના પ્રમુખ પદે ચૂંટાશે તો તેઓ એકી સાથે બે વિક્રમ સર્જી શકશે, એક તેઓ અમેરિકાના ઇતિહાસમાં સૌથી પહેલાં મહિલા પ્રમુખ હશે અને બીજું તેઓ સૌથી પહેલાં વિદેશી મૂળનાં આક્રો-એશિયન પ્રમુખ બનશે તેવું તારણ આપતાં હોપકિન્સ યુનિવર્સિટીના દેવેશ કપૂર, કાર્નેગી એન્ડાઉમેન્ટના મિલન વૈશ્વીવ અને અમેરિકન યુનિવર્સિટીનાં સુમિત્રા બદ્રીનાથન્ જણાવે છે કે કમલા થોડો ડાબેરી ઝૂકાવ પણ ધરાવે છે તે સ્મરણમાં રાખવું અનિવાર્ય છે.