બ્રાઝિલનાં સાઓપાવલોમાં વિમાન તૂટી પડતાં 61નાં મૃત્યુ : દેશમાં ત્રણ દિવસનો શોક જાહેર
- નરેન્દ્ર મોદીએ પ્રમુખ લુબાકી સિલ્વાને આશ્વાસન પાઠવ્યાં
- વિમાનમાં 57 યાત્રિકો બે પાયલોટ બે ક્રૂ મેમ્બર્સ હતા : વિમાન 17,000 ફીટથી 10 સેકન્ડમાં 250 ફીટ નીચે ગયું પાછું ઉપર ગયું ત્યાં એન્જિનમાં આગ લાગી
બ્રાઝિલીયા : ભારતના મિત્ર દેશ બ્રાઝિલમાં ગમખ્વાર વિમાની હોનારત બની ગઈ. ૫૭ પ્રવાસીઓ અને બે પાયલોટ તથા બે અન્ય ક્રૂમેમ્બર્સ સાથેનું વિમાન સાઓ પાવલોમાં વિસ્તારમાં તૂટી પડતાં વિમાનમાં રહેતા તમામનાં નિધન થયાં છે. પ્રમુખ લુબા ડી'સિલ્વાએ દેશમાં ૩ દિવસનો શોક જાહેર કર્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમાચાર મળતાં પ્રમુખ ડી'સિલ્વાને આશ્વાસન કરતો ફોન કોલ કર્યો છે.
આ દુર્ઘટનાની વિગત એવી છે કે બ્રાઝિલની એરલાઈન વોથપાસનું વિમાન કાસ્કાવેલ એટપોર્ટથી ઉડાન ભર્યા પછી થોડા જ સમયમાં એ ફ્લાઇટ નં છ્ઇ ૭૨-૫૦૦ વિમાન ૧૭,૦૦૦ ફીટની ઉંચાઈએ પહોંચી ગયું હતું. પરંતુ ૧૦ સેકન્ડમાં જ તે ૨૫૦ ફીટ નીચે ઉતરી ગયું. વળી પાછું ૮ સેકન્ડમાં ૪૦૦ ફીટ ઉંચે ચઢાવાયું ત્યાં ફરી ૨૦૦૦ વધુ ઉપર ચઢ્યું. આમ કરતાં તે ૧૭,૦૦૦ ફીટ ઉપર પહોંચી ગયું. ત્યાંથી સીધું નીચે જઇ જંગલમાં પછડાયું. તે પહેલાં તેનાં એક એન્જિનમાં આગ પણ લાગી હોવાનું બ્લેક બોક્સમાં પાયલોટના ઝડપાયેલા શબ્દો દ્વારા જાણવા મળ્યું છે.
આ અંગે માહિતી આપતાં બીબીસી જણાવે છે કે વિમાનમાં રહેલી એક પણ વ્યક્તિ બચી હોવાની કોઈ શક્યતા જ નથી.
સીએનએન બ્રાઝિલ જણાવે છે કે વિમાન સાઓ પાવલો શહેરના રહેણાંકના વિસ્તારમાં પડયું હતું પરંતુ કોઇને ઇજા થઇ ન હતી કે કોઈ મૃત્યુ થયાં ન હતાં. સીએનએન બ્રાઝિલ જણાવે છે કે આ દુર્ઘટનાગ્રસ્ત વિમાન કાસ્કાવેલથી સાઓપાવલો જતું હતું ત્યાં બપોરના ૧.૩૦ કલાકે તે વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
આ દુર્ઘટના પછી વિમાનના ભંગારની અને મૃતદેહોની શોધ ચાલી રહી હતી. તબીબોની ટુકડી પણ ત્યાં પહોંચી હતી. તેમાં લીગલ મેડીકલ ઇન્સ્ટીટયુટના તબીબો પણ હતા.
પ્રમુખ ડી સિલ્વાએ મૃતકોનાં પરિવારજનોને આશ્વાસન સંદેશ પાઠવ્યા છે. મોડેથી મળતા સમાચાર જણાવે છ કે સાઓપાવલોથી થોડે દૂર રહેલાં એક મકાનને થોડું નુકશાન થયું છે.