Get The App

તિબેટમાં 6.8નો ભૂકંપ : 126નાં મોત, 200થી વધુ ઘાયલ

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
તિબેટમાં 6.8નો ભૂકંપ : 126નાં મોત, 200થી વધુ ઘાયલ 1 - image


- તિબેટમાં તારાજી : ભૂતાન, નેપાળમાં પણ અસર

- ધરતીકંપના આંચકા બાદ ત્રણ કલાકમાં 50થી વધુ આફ્ટરશોક, એક હજારથી પણ વધારે મકાનો ધ્વસ્ત

- ભારતમાં દિલ્હી-એનસીઆર, બિહાર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા

- નેપાળમાં કાઠમંડુ સહિત અન્ય વિસ્તારોમાં આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા, કોઈ જાનહાનિ નહી

- તિબેટમાં ભૂકંપની તીવ્રતા 7.1 હતી, અમેરિકાનો દાવો

બૈજિંગ : ચીનના અંકુશવાળા સ્વાયત્ત પ્રાંત તિબેટના પવિત્ર શહેર શિંગત્સેની નજીક ૬.૮ની તીવ્રતાનો ધરતીકંપ આવતા ૧૨૬ના મોત થયા છે અને ૧૮૮ને ઇજા થઈ છે. અમેરિકન જિઆ  સર્વિસ મુજબ આ ભૂકંપ  સવારે ૯-૦૫ વાગે આવ્યો હતો અને તેની તીવ્રતા ૭.૧ હતી.  આ ભૂકંપનું કેન્દ્ર ત્સોગો ટાઉનશિપની ડિંગરી કાઉન્ટીની આસપાસનો ૨૦ કિ.મી.નો વિસ્તાર છે. આટલા વિસ્તારમાં ૬,૯૦૦ની વસ્તી છે. 

આ એપિસેન્ટર ઉત્તર-પૂર્વ નેપાળની ખુમ્બુ હિમાલય રેન્જના લોબુત્સથી ઉત્તર-પૂર્વે ૯૦ કિ.મી. દૂર છે. ૧૦ કિ.મી. ઉંડે આંચકો અનુભવાયો હતો. ફક્ત સાત હજારની વસ્તીવાળા આ વિસ્તારમાં ત્રણ કલાકમાં ૫૦ આફ્ટર શોક અનુભવાયા હતા, જેમા ઘણાની તીવ્રતા ૪.૪ જેટલી હતી. હાલમાં બચાવકાર્ય જારી છે. આ ગામ એવરેસ્ટથી ૮૦ કિ.મી.ના અંતરે છે. તે ભારતની સરહદ પર આવેલા શિંગત્સે શહેરની નજીક છે.તેને પવિત્ર પંચમ લામાનું સ્થાન પણ માનવામાં આવે છે.  અહીં ભૂકંપની બરબાદી એવી હતી કે ટિંગરીની આસપાસના કેટલાય ગામોના ઘરો ખતમ થઈ ગયા છે. 

ભૂકંપની કેન્દ્રની આસપાસ કુલ ૨૭ ગામ છે અને તેની કુલ વસ્તી ૬૧ હજાર જેટલી થાય છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વિડીયોમાં ધ્વસ્ત બિલ્ડિંગ, કાટમાળ, તૂટી ગયેલા રસ્તાઓ અને કાર જોઈ શકાય છે. 

તિબેટમાં આવેલા આ ભૂકંપના આંચકા નેપાળ અને ઉત્તર ભારતમાં પણ ઘણા સ્થળોએ અનુભવાયા હતા. તેના લીધે નેપાળના કાઠમંડુમાંથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. નેપાળમાં કાવરીપાલન ચૌક, સિંધુપાલન ચોક, ધાડિંગ અને સોલુખુંબુ જિલ્લામાં ધરતીકંપની આંચકા અનુભવાયા હતા. જો કે નેપાળમાં જાનહાનિના કોઈ સમાચાર નથી.  ધરતીકંપના આ આંચકાએ નેપાળને ૨૦૧૫ના ધરતીકંપની યાદ અપાવી હતી અને તેમા ૯ હજારથી વધુ લોકા માર્યા ગયા હતા.  આ ધરતીકંપની અસર બિહાર તેમજ ઉત્તર પ્રદેશ, પાટનગર દિલ્હી અને નવી દિલ્હી સ્થિત ચાણકયપુરી તથા નેશનલ કેપિટલ રીજીયન (એન.સી.આર.)માં પણ ધરા ધુ્રજી ઊઠી હતી. 

ઇંડિયન ટેકટોનિક પ્લેટ એશિયા ટેકટોનિક પ્લેટ સાથે અથડાતા આ ધરતીકંપ સર્જાય છે. આ બંને પ્લેટસ બરોબર હિમાલયન રીજીયન નીચે જ આવેલી છે. તેને લીધે હિમાલય પણ દર વર્ષે જરા-જરા ઊંચો જતો જાય છે. દુનિયાના પાંચ સૌથી ઊંચા શિખરો હિમાલય વિસ્તારમાં જ આવેલા છે.

ચીનના પ્રમુખ જિનપિંગે તરત જ રાહત અને બચાવકાર્ય હાથ ધરવાના આદેશ આપી દીધા હતા. જિનપિંગે અસરગ્રસ્ત વિસ્તારમાં જરુર પડે તો વધારે લોકોને મોકલવાની તૈયારી પણ રાખી છે. મૃતકોનો આંકડો હજી પણ વધી શકે છે. 

ધરતીકપના પગલે ચીને અર્થક્વેક એડમિનિસ્ટ્રેશને લેવલ-ટુ ઇમરજન્સી સર્વિસ લોન્ચ કરી છે. તેમા અર્થ ટીમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાહત માટે ૨૨ હજારથી વધુ ચીજવસ્તુઓ મોકલી છે. તેમા કપાસના ટેન્ટ, કોટન કોટ્સ, ફોલ્ડિંગ બેડ, ઊંચાઇવાળઆ વિસ્તારમાં આવશ્યક ખાસ રાહત સામગ્રી તથા કેન્દ્રીય સત્તાવાળાઓએ મોકલેલી વિવિધ રાહતસામગ્રીનો સમાવેશ થાય છે. કુલ ૧,૫૦૦ અગ્નિશામક દળો અને બચાવ કાર્યકરોનો સમાવેશ થાય છે. 

ચીને માઉન્ટ એવરેસ્ટની નજીકના વિસ્તાર બંધ કર્યો

તિબેટમાં આવેલા ભૂકંપના પગલે ચીને માઉન્ટ એવરેસ્ટની નજીકના વિસ્તાર બંધ કર્યા છે. આ વિસ્તારમાંથી અદભુત દ્રશ્યો લઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે ભૂકંપનો ભોગ બનેલું ડિંગરી ગામ પણ માઉન્ટ એવરેસ્ટના કેમ્પના સ્થળોમાંનું એક છે. ડિંગરીમાં આવેલા ચાઇનીઝ પાવર સ્ટેશનમાં પણ આઉટેજ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ આ વિસ્તારનું હવામાન માઇનસ ૧૮થી ઝીરોની વચ્ચે રહેવાનું છે.ચીનની બાજુએથી માઉન્ટ ક્યુઓમોલોંગ્માને ૨૦૨૪માં ૧૩,૬૭૪ ટુરિસ્ટ મળ્યા હતા. અહીં આવનારા પ્રવાસીઓ મુખ્યત્વે સિંગાપોર, મલેશિયા, જર્મની અને ફ્રાન્સના હોય છે.


Google NewsGoogle News