ગાઝામાં રહેલા 6,40,000 જેટલાં બાળકોને પોલિયો રસી આપવાની કાર્યવાહી રવિવારથી હાથ ધરાશે : WHO
- પોલિયો રસી માટે સરળતા કરી આપવા હમાસ-ઈઝરાયલ ત્રિદીવસીય યુદ્ધ વિરામ માટે સહમત
તેલ અવીવ : 'વ્હુ'ના એક વરિષ્ટ અધિકારીએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે, ગાઝામાં રહેલા ૬,૪૦,૦૦૦ જેટલાં બાળકોને પોલિયોની રસી આપવા માટે ત્રણ દિવસનો યુદ્ધ વિરામ રાખવા ઈઝરાયલી સેના તેમજ હમાસ બંને સહમત થયા છે. આ રસી આપવાનો પહેલો દોર આગામી રવિવારથી શરૂ થશે. તેમ પણ 'વ્હુ'ના અધિકારીએ જણાવ્યું હતું.
આ અધિકારીએ કહ્યું હતું કે, એક પછી એક તેમ ત્રણ દિવસ દરમિયાન આ અભિયાન હાથ ધરાશે. આ અધિકારી પીપરકાર્ને વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, સૌથી પહેલા ઉત્તર ગાઝામાં આ કાર્યક્રમ હાથ ધરાશે. આ સાથે અમારે ઈઝરાયલ તેમજ હમાસ બંને સાથે વાતચીત થઈ છે કે, જો ત્રણ દિવસમાં પણ આ કાર્યવાહી પૂરી નહીં થાય તો તે ચોથા દિવસ સુધી પણ લંબાવવામાં આવશે, અને ચોથા દિવસે પણ યુદ્ધ વિરામ ચાલુ રાખવા ઈઝરાયલ-હમાસ બંને સહમત થયા છે.
'વ્હુ'ના ઈમર્જન્સી ડાયરેક્ટર માઈક રીયાને યુએનની સલામતી સમિતિને ગુરૂવારે જણાવ્યું હતું કે, અમારો અનુભવ તેવો છે કે આવી કોઈ પણ કાર્યવાહીમાં ધાર્યા કરતાં એક બે દિવસ તો વધુ જાય જ છે.
રસીનો પહેલો રાઉન્ડ આપ્યા પછી રસીનો બીજો રાઉન્ડ ચાર સપ્તાહ પછી શરૂ કરાય છે. તેમ પીપરકોર્ને પત્રકારોને કહ્યું હતું. તેમાં રીયાને વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું, પોલિયોનો વ્યાપ આંતરરાષ્ટ્રીય સ્તરે અટકાવવા આ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે, તેમાં આશરે ૯૦ ટકા જેટલી તો સફળતા મળી રહી છે.