કેન્યામાં 58 લોકોના મોત, ભૂખ્યા રહેશો તો ભગવાન મળશે તેવુ કહેનારા પાદરીની ધરપકડ
નવી દિલ્હી,તા. 25 એપ્રિલ, 2023
આફ્રિકાના દેશ કેન્યામાં ધાર્મિક આસ્થાના નામે સર્જાયેલા હત્યાકાંડના કારણે હાહાકાર મચી ગયો છે.કેન્યામાં એક પાદરીના કહેવા પર 58 લોકોએ ભૂખ્યા રહીને પોતાનો જીવ આપી દીધો હતો. પાદરીએ આ લોકોને કહ્યુ હતુ કે, તમારે ભગવાનને મળવુ હશે તો ભૂખ્યા રહેવુ પડશે.
કેન્યાના ગૃહ મંત્રી કિથુરે કિંડિકીના કહેવા અનુસાર પોલીસે પાદરી પોલ મેકેન્ઝીની ધરપકડ કરી છે. કેન્યાની રેડ ક્રોસ સોસાયટીએ આ પહેલા સરકારને 112 લોકોના ગૂમ થવાની જાણકારી આપી હતી.એ પછી જ્યારે તપાસ શરુ કરવામાં આવી ત્યારે કેન્યાના દરિયા કિનારા પર આવેલા શહેર માલિંદીના સીમાડે 800 એકરના જંગલમાં ચર્ચાના લોકોની વસાહત હોવાની જાણકારી મળી હતી.
એ પછી પોલીસની એક ટુકડી અહીંયા તપાસ કરવા માટે પહોંચી હતી. પોલીસની જાણકારી અનુસાર ગૂમ થયેલા મોટા ભાગના લોકો અહીંયા રહેતા હતા. ચર્ચના મુખ્ય પાદરી પોલ મેકેઝન્સીએ લોકોને કહ્યુ હતુ કે, ભૂખ્યા રહેશો તો ઈસુ ખ્રિસ્ત સાથે મેળાપ થશે. જેના કારણે વસાહતમાં રહેતા મોટા ભાગના લોકોએ ખાવાનુ છોડી દીધુ હતુ. જેના પગલે ઘણાના મોત થયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર અહીંયાથી સામૂહિક કબર મળી આવી હતી. જેમાંથી 50 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.આઠ લોકો આ વસાહતમાં જીવતા હતા. જેમનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.બીજા 29 લોકોની સારવાર હાલમાં ચાલી રહી છે.પોલીસે પાદરીની ધરપકડ કર્યા બાદ આ પાદરી સહિત 14 લોકોએ ખાવા પીવાનુ છોડી દીધુ છે. આમ પોલીસ માટે બીજી એક મુસીબત સર્જાઈ છે.