Get The App

ટ્રુડો સરકારની નીતિઓના કારણે 9 વર્ષમાં ડ્રગ ઓવરડોઝથી 50,000 મોત, કેનેડિયન પોલીસનો ચોંકાવનારો દાવો

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News
ટ્રુડો સરકારની નીતિઓના કારણે 9 વર્ષમાં ડ્રગ ઓવરડોઝથી 50,000 મોત, કેનેડિયન પોલીસનો ચોંકાવનારો દાવો 1 - image


Canada Trudeau Government: કેનેડામાં ટ્રૂડો સરકારનું પતન થયા બાદ ધીમે ધીમે સરકારના રહસ્યો બહાર આવી રહ્યા છે. તાજેતરમાં કેનેડાની પોલિસ દ્વારા મોટો ઘટસ્ફોટ કર્યો છે કે કેનેડામાં છેલ્લાં એક દાયકામાં ડ્રગ્સનું ચલણ મોટાપાયે વધી ગયું છે. ડ્રગ્સનો વેપાર અતિશય વધ્યો છે. કેનેડાની રોયલ કેનેડિયન પોલિસે જણાવ્યું કે, ટ્રુડો સરકારની બેદરકારીના કારણે સમગ્ર દેશ ડ્રગ્સના ભરડામાં આવ્યો છે અને ડ્રગનું આંતરરાષ્ટ્રીય હબ બન્યો છે. છેલ્લાં 9 વર્ષમાં કેનેડામાં ડ્રગના ઓવરડોઝના કારણે 50,000 લોકોનાં મોત થયા છે. કેનેડામાં 4000 જેટલા ગુનેગારોના સંગઠનો કામ કરી રહ્યા છે જેઓ મોટાભાગે ડ્રગ્સનો ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ સપ્લાય કરવાનું કામ કરે છે. આ ડ્રગ્સ માફિયાઓના તાર ચીન સાથે જોડાયેલા છે. 

ટ્રુડોએ સત્તા પર આવી કાયદાને નબળો કર્યો

પોલીસ સૂત્રોનો દાવો છે કે, કેનેડામાં સત્તામાં આવ્યા બાદ ટ્રુડો અને તેના અધિકારીઓ દ્વારા દેશના કાયદો અને વ્યવસ્થાને ખૂબ જ નબળા બનાવી દેવાયા હતા. તેના કારણે કેનેડામાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધવા લાગ્યું છે. તેમાંય 2016થી ડ્રગ્સનું ચલણ એટલું બધું વધી ગયું કે, તેના ઓવરડોઝથી 50 હજાર લોકોનો જીવ ગયો. માદક પદાર્થોની તસ્કરી કરનારા અને તેનું સેવન કરનારા લોકોની ધરપકડ કરીને જેલમાં રાખવાની સમય મર્યાદા ટ્રુડો સરકારે કાઢી નાખી. આ ઉપરાંત ડ્રગ્સ વેચનારને સરળતાથી જામીન મળવા લાગ્યા અને તેના પગલે ડ્રગ્સ માફિયાઓ બેફામ થવા લાગ્યા. કેનેડામાં ડ્રગનું સેવન, વેચાણ અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ મોટો થઈ ગયો.

આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનમાંથી ગુમ સાત હેલિકોપ્ટર અમેરિકામાંથી મળી આવ્યા, જાણો શું છે સમગ્ર મામલો

ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યોની સાંઠગાંઠ હોવાના અહેવાલો

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેનેડામાં ડ્રગ્સનું સેવન અને આંતરરાષ્ટ્રીય વેચાણ વધ્યું છે તેની પાછળ એશિયાઈ તાકાતો અને દેશોનો હાથ હોવાના દાવા છે. ખાસ કરીને ચીન દ્વારા આ ડ્રગ્સ નેટવર્કને મદદ કરાઈ રહી હોવાના અહેવાલો છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના કેટલાક લોકો દ્વારા આ નેક્સસે ફંડ કરાતું હોવાના અને અન્ય મદદ કરાતી હોવાના અહેવાલો છે. માદક પદાર્થોના સપ્લાય અને વેચાણમાં મોટાભાગના એશિયન લોકો સંડોવાયેલા છે. કેનેડામાંથી જ અમેરિકા અને ચીન સુધી ડ્રગ્સ પહોંચાડવામાં આવે છે. અમેરિકામાં ડ્રગ્સની સમસ્યા વધી ગઈ છે તેની પાછળ પણ કેનેડા રૂટ અને મેક્સિકો રૂટથી આવતા માદક પદાર્થો જ જવાબદાર હોવાની વાતો છે. ઉલ્લેખનીય છે કે, કેનેડામાં હાલમાં ચૂંટણીનો માહોલ છે તેમાં પણ ડ્રગ્સનો સપ્લાય, તેના ઓવરડોઝથી થતાં મોત અને આંતરરાષ્ટ્રીય નેક્સસ મહત્ત્વના મુદ્દા બનેલા છે. 

ટ્રુડો સરકારની નીતિઓના કારણે 9 વર્ષમાં ડ્રગ ઓવરડોઝથી 50,000 મોત, કેનેડિયન પોલીસનો ચોંકાવનારો દાવો 2 - image


Google NewsGoogle News