અમેરિકામાં સ્વતંત્રતા દિનની ઉજવણીમાં હિંસાનું તાંડવ, 33 લોકોનાં મોત, શિકાગોમાં ભયંકર ગોળીબાર
US News | અમેરિકામાં જુલાઈના વીકએન્ડમાં ગોળીબારી અને હિંસામાં ઉછાળો આવ્યો છે જેમાં શિકાગોમાં ૧૧ સહિત ઓછામાં ઓછા ૩૩ના મોત થયા છે તેમજ સમગ્ર રાષ્ટ્રમાં સેંકડોને ઈજા થઈ છે. આ વર્ષે ચોથી જુલાઈ ઐતિહાસીક રીતે વર્ષનો સૌથી જીવલેણ દિવસ સાબિત થયો હતો. ગયા વર્ષે પણ ચોથી જુલાઈએ ગોળીબારીના અનેક કિસ્સા બન્યા હતા જેમાં ડઝનથી વધુ લોકોના મોત થયા હતા અને ૬૦થી વધુને ઈજા થઈ હતી. તેના એક વર્ષ અગાઉ શિકાગો નજીક ચોથી જુલાઈની પરેડમાં થયેલા ગોળીબારમાં સાત લોકોના મોત થયા હતા.
શુક્રવારે સવારે એકલા શિકાગોમાં ગોળીબારમાં ૧૧ જણાના મોત થયા હતા અને પંચાવન જણાને ઈજા થઈ હતી. ગુરુવારે થયેલા સામૂહિક ગોળીબાર સહિત હિંસામાં બે મહિલા અને એક ૮ વર્ષના બાળકનું મોત થયું હતું. શિકાગોના મેયરે જણાવ્યું કે તાજેતરની હિંસાને કારણે શહેરમાં શોકનું વાતાવરણ સર્જાયું છે.
કેલિફોર્નિયાના હન્ટીંગટન બીચમાં ઈન્ડીપેન્ડન્સ ડેના રોજ ફટાડકડાનો કાર્યક્રમ પૂરો થયાના બે કલાકથી ઓછા સમયમાં થયેલા ગોળીબારમાં બે જણના મોત થયા હતા અને ત્રણ અન્યોને ઈજા થઈ હતી.
નાઈલ્સના ઉત્તર પૂર્વીય સમુદાયમાં ૨૩ વર્ષીય વ્યક્તિ પર એક રહેણાંક વિસ્તારમાં ચોથી જુલાઈએ ગુરુવારે રાત્રે જીવલેણ હુમલો થતા પંદર વર્ષના એક કિશોરને કસ્ટડીમાં લેવાયો હતો. ક્લીવલેન્ડ વિસ્તારમાં ગ્રેસી ગ્રિફિન તરીકે ઓળખાયેલી ૧૦ વર્ષની એક કન્યાનું ગોળીબારમાં મોત થયું હતું.
ગુરુવારે રાત્રે ફિલેડેલ્ફિયામાં ચાલતી ગાડીમાંથી થયેલા ગોળીબારમાં એક ૧૯ વર્ષીય યુવકનું મોત અને છ અન્ય ઘાયલ થયા હતા. ઘાયલ થયેલામાં ચાર સગીર હતા. તેમને વિવિધ ઈજાઓ માટે હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
શહેરની ચોથી જુલાઈની ઉજવણી પછી બોસ્ટનમાં ગોળીબારની ત્રણ ઘટના બની હતી. બોસ્ટના દક્ષિણ વિસ્તાર નજીક પાર્કમાં શુક્રવારે રાત્રે દોઢ વાગ્યે જીવલેણ ગોળીબાર થયો હતો. એ જ સમયે શહેરના જમાઈકા પ્લેન વિસ્તારમાં થયેલા ગોળીબારમાં ત્રણ જણાને ઈજા થઈ હતી. એક ગેસ સ્ટેશન ખાતે ગોળીબારની થયેલી ત્રીજી ઘટનામાં એક જણાને ગંભીર ઈજા થઈ છે. માસાસુસેટ્સ ખાતે પૂર્વ બ્રિજવોટરમાં કોન્ડોમિનિયમ પાર્કિંગમાં ગુરુવારે રાત્રે થયેલા ગોળીબારમાં ૧૭ વર્ષીય યુવકને પેટમાં ગંભીર ઈજા થઈ હતી.
કનેક્ટીકટમાં શુક્રવારે વહેલી સવારે એક મહિલા તેની કારમાં ગોળીબારને કારણે મૃત હાલતમાં મળી આવી હતી. ન્યુ યોર્કના અલબેનીમાં એક વિશાળ મેળાવડા ખાતે થયેલા ગોળીબારમાં ૧૬ વર્ષથી ૧૯ વર્ષના છ યુવકોને ઈજા થઈ હતી.