1958થી ભારત સાથે સંબંધો ધરાવતા દેશમાં કટ્ટરવાદીઓએ 47 મહિલાઓનું અપહરણ કરતાં હાહાકાર
image : Socialmedia
અબુજા,તા.06 માર્ચ 2024,બુધવાર
આફ્રિકામાં સૌથી મોટા દેશ પૈકીનુ એક નાઈજીરિયા છેલ્લા કેટલાક વર્ષોથી સાંપ્રદાયિક હિંસા સામે ઝઝૂમી રહ્યુ છે. નાઈજીરિયામાં બોકો હરામ સહિતના ઘણા કટ્ટરવાદી સંગઠનો સક્રિય છે. ખાસ કરીને પૂર્વોત્તર નાઈજીરિયામાં બોર્નો રાજ્ય આ પ્રકારની હિંસાનુ મુખ્ય કેન્દ્ર બની ચુકયુ છે. આ જ રાજ્યમાંથી હવે ઈસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રોવિન્સ નામના સંગઠને 47 મહિલાઓના અપહરણ કરતા હાહાકાર મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે 1958માં ભારતે નાઈજિરિયામાં તેના પ્રથમ ડિપ્લોમેટિક મિશનની સ્થાપના કરી હતી.
2009થી અત્યાર સુધી આ વિસ્તારમાં થયેલી હિંસામાં 40000 કરતા વધારે લોકો માર્યા ગયા છે અને 20 લાખથી વધારે લોકો વિસ્થાપિત થયા છે. આ કટ્ટરવાદી સંગઠનનો મુકાબલો કરવા માટે સક્રિય મિલિશિયા જૂથના નેતા શેહુ માડાએ કહ્યુ હતુ કે, નાઈજીરિયા અને કેમરુનની બોર્ડર પાસે વિસ્થાપિતો માટેની શિબિરોમાં રહેતી મહિલાઓ લાકડા એકઠી કરી રહી હતી ત્યારે ઈસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રોવિન્સના વિદ્રોહીઓએ તેમને ઘેરી લીધી હતી. આ પૈકી કેટલીક મહિલાઓ ભાગી છુટવામાં સફળ થઈ હતી. 47 મહિલાઓ ગાયબ છે અને તેમનુ અપહરણ કરાયુ હોવાની આશંકા છે.
શુક્રવારે સાંજે લગભગ ચાર વાગ્યે આ ઘટના બની હતી. જોકે પોલીસ પાસે હજી સુધી કેટલી મહિલાઓનુ અપહરણ થયુ છે તેનો ચોકકસ આંકડો નથી. એવી પણ અટકળો થઈ રહી છે કે, જેમનુ અપહરણ કરાયુ છે તેવી મહિલાઓની સંખ્યા ઘમી વધારે હોઈ શકે છે.
નાઈજીરિયાના પૂર્વોત્તર રાજ્યોમાં અપહરણ એક મોટી સમસ્યા છે. મહિલાઓના છાશવારે અપહરણ કરાતા હોય છે. બોકો હરામ સંગઠન પણ ભૂતકાળમાં આ પ્રકારના સામૂહિક અપહરણોને અંજામ આપી ચુકયુ છે.
ગત મહિને નાઈજીરિયાના કેટાસિના રાજ્યમાં લગ્નમાંથી પાછી ફરી રહેલી 35 મહિલાઓનુ પણ આ જ રીતે અપહરણ કરાયુ હતુ. નાઈજીરિયામાં રાષ્ટ્રપતિ બોલા અહેમદ ગત વર્ષે સુરક્ષાની ખાતરી આપીને સત્તા પર આવ્યા હતા પણ તેમના ટીકાકારોનુ કહેવુ છે કે, નાઈજીરિયામાં હિંસા બેકાબૂ છે.