ઢાકામાં 7 માળનાં મકાનમાં આગ ભભૂકી ''કચ્છી-ભાઈ'' નામક રેસ્ટોરામાં ૪૪નાં મૃત્યુ
- આરોગ્ય મંત્રી, જેઓ પોતે જ બર્ન-સ્પેશ્યાલિસ્ટ છે, તે ડૉ. એસ.એલ. સૈને કહ્યું 33 મૃતદેહો, ડી.એમ.સી.એચ. હોસ્પિટલમાં, 10 શેખ હસીના હોસ્પિટલમાં લવાયા, 1નું પોલીસ હોસ્પિટલમાં મૃત્યુ થયું
ઢાકા : બાંગ્લાદેશનાં પાટનગર ઢાકામાં આવેલાં એક ૭ માળનાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ગુરૂવારે રાત્રે ૯.૫૦ વાગ્યે આગ ભભૂકી ઊઠતાં લોકપ્રિય બની ગયેલી રેસ્ટોરાં કચ્છી-ભાઈમાં ૪૪નાં મૃત્યુ નિપજ્યાં છે. આગ બિલ્ડીંગના પહેલાં માળે ભભૂકી ઊઠી હતી અને તુર્ત જ ઉપરના માળોમાં ફેલાઈ ગઈ હતી. જે માળો ઉપર પણ બીજી રેસ્ટોરાંઓ અને ગારમેન્ટ શોપ્સ આવેલાં છે.
પાટનગરના બેઈલી રોડ વિસ્તારમાં ઘણીએ રેસ્ટોરાં અને દુકાનો આવેલાં છે, તે પૈકી ગ્રીન કોટેજ બિલ્ડીંગમાં આવેલી આ રેસ્ટોરામાં ગેસનો બાટલો કે ગેસનો સ્ટવ લીક થયો હોવાથી આ આગ ફેલાઈ હશે તેમ ફાયર બ્રિગેડના અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું.
આ ઘટના અંગે દેશના આરોગ્ય મંત્રી જેઓ પોતે જ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરીના સ્પેશ્યાલિસ્ટ છે, તેવાં ડૉ. સામંતલાલ સેને જણાવ્યું હતું કે, આશરે રાત્રે ૨ વાગ્યે ૩૩ મૃતદેહો ઢાકા મેડીકલ કોલેજ હોસ્પિટલ (ડી.એમ.સી.એચ.)માં લાવવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ૧૦ મૃતદેહો શેખ હસીનાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરીમાં લાવવામાં આવ્યા હતા. એક અતિદાઝી ગયેલી વ્યક્તિનું પોલીસ હોસ્પિટલમાં નિધન થયું હતું. આ ઉપરાંત દાહ પામેલા ઘણાની સ્થિતિ હજી ગંભીર છે.
ફાયર બ્રિગેડના અધિકારીએ કહ્યું હતું કે આગ બુઝાવવા ૧૩ અગ્નિ શામકોને કામે લગાડાઈ ગયા હતા. અને લાંબી નીસરણીઓના ઉપયોગથી ૭૫ લોકોને બહાર કાઢી શકાયા હતા તે ૭૫ પૈકી ૪૨ તો બેભાન અવસ્થામાં હતા. આ દાઝી ગયેલાઓ પૈકી ૨૨ની સ્થિતિ તો ગંભીર છે. તેમ કહેતાં ડૉ. સામંતલાલ સૈને જણાવ્યું હતું કે તે ૨૨ જણને સઘન સારવાર તો અપાઈ જ રહી છે. પરંતુ હાલત ઘણી ગંભીર છે. બચી ગયેલાંઓનાં શ્વસનતંત્રને પણ નુકસાન થયું છે. તેમ ડીએમ.સી.એચ.ના આ વરિષ્ઠ તબીબ ડૉ. સૈને જણાવ્યું હતું અને કહ્યું હતું કે કેટલાંક તો તેટલી હદે બળી ગયા હતા કે તેમની ઓળખ પણ મુશ્કેલ બની છે.
તબીબે તેવી પણ આશંકા દર્શાવી હતી કે આ આગને લીધે ઘણી એટલી હદે દાઝ્યા છે કે તેથી મૃત્યુ આંક વધવાની શક્યતા છે.
આઇ.જી.પી. અબ્દુલ્લાહ અલ્-મામુને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આ ગમખ્વાર ઘટનામાં ૪૪નાં મૃત્યુ થયાં છે. જોકે ૭૫ને બચાવી લેવામાં આવ્યાં છે. આ બચાવી લેવાયેલા પૈકી કેટલાંકને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી પછી જ તેઓને ઘરે જવા દેવાયા હતા. આ મૃત્યુ પામેલાઓમાં એક પોલીસ અધિકારીની પુત્રી પણ હતી.
ફાયર સર્વિસના ડી.જી.મોઈને પત્રકારોને જણાવ્યું હતું કે જે ૪૨ વ્યક્તિઓને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવી હતી તેમાં ૨૧ મહિલાઓ અને ૭ બાળકો સમાવિષ્ટ છે. તેઓએ વધુમાં કહ્યું કે બિલ્ડીંગ જ ડેન્જરસ બની ગયું હતું. તેમાં દરેકે દરેક માળ ઉપર તો ગેસ સીલીન્ડર્સ હતાં જ પરંતુ સીડીનાં પગથિયાંઓ ઉપર પણ ગેસ સીલીન્ડર્સ હતાં. તેઓનું માનવું છે કે આ આગ ગેસ સીલીન્ડરનાં લીકેજથી કે સ્ટવમાંથી થયેલા ગેસ લીકેજને લીધે ફેલાઈ હશે. મૃત્યુ પામેલાંઓ પૈકી ઘણાએ તો બારીમાંથી કૂદી પડતાં, કે દાહથી કે ગૂંગળાઈ જવાથી મૃત્યુ પામ્યા હશે.
સ્થાનિક મીડિયા જણાવે છે કે જ્યારે ફાયર ફાઇટર્સ એક પછી એકને બહાર કાઢતા હતા ત્યારે રાત્રે ૧ વાગે પહેલું મૃત્યુ નોંધાયું હતું. આ દાહ પામેલાઓને પાસે જ તૈયાર રખાયેલા ફ્રીઝીંગ ટ્રકમાં લઈ હોસ્પિટલોમાં લઈ જવાયા હતા.