ભારતમાં હીટસ્ટ્રોકના 40000 કેસ, સૌથી વધુ આ રાજ્યમાં લોકોના મોત, જાણો ક્યાં ક્યાં ભયંકર ગરમી
યુપી ઉપરાંત બિહાર, રાજસ્થાન અને ઓડિશામાં પણ ભયંકર ગરમી
દિવસ દરમિયાન તાપમાન ઉચું રહે છે જે રાત્રે પણ ઠરતું નથી
Weather News | જુન મહિનામાં વર્ષાઋતુના સ્થાને દેશના વિવિધ ભાગોમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહયો છે. વધતા જતા તાપમાનના પગલે જનજીવન પ્રભાવિત થયું છે. હિટસ્ટ્રોક, ઉલટી અને ચક્કરના કેસોમાં વધારો થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ભારતમાં હીટ સ્ટ્રોકના 40 હજારથી વધુ કેસ નોંધાયા છે. ગરમીના પ્રક્રોપના લીધે દિલ્હી એનસીઆરમાં 20 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સમગ્ર દેશમાં ગરમીના લીધે મરણનો આંકડો 100ને પાર કરી ગયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માર્ચ થી 18 જુન સુધી મરણના આંકડાની પુષ્ઠી કરી છે. જો કે સત્તાવાર નોંધણી ના થઇ હોય તેવા મુત્યુની સંખ્યા વધારે હોવાનું માનવામાં આવે છે.એનડીસી અને તેના સહયોગી સંસ્થાનોએ તૈયાર કરેલા એક રિપોર્ટ અનુસાર આ વર્ષ ઉત્તરપ્રદેશમાં લોકો સૌથી વધુ ગરમીનો ભોગ બન્યા છે, ગરમીના પગલે 36 થી વધુ લોકોના મોત થયા છે. યુપી ઉપરાંત બિહાર, રાજસ્થાન અને ઓડિશામાં પણ ભયંકર ગરમીનો અનુભવ થઇ રહયો છે.
દિલ્હીની અનેક હોસ્પિટલોમાં હીટસ્ટ્રોકના લીધે દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગરમીની ભયાનક સ્થિતિ જોતા ખાસ દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે. દેશના મોટા ભાગના સ્થળોએ દિવસનું તાપમાન ઉંચું રહે છે એટલું જ નહી રાતે પણ તાપમાનનો પારો ખાસ નીચે જતો નથી. આવી સ્થિતિમાં ગંભીર અને જીવલેણ બીમારીનો ખતરો વધી ગયો છે.